| વહુ, વરસાદ અને અગ્નિ ત્રણની અછત ખમાય નહીં અને છત ફાવે નહીં |
ઘરસંસાર ચલાવવા માટે પત્ની, કૃષિથી માંડીને પીવાના પાણી સુધી માટે ‘જળ એ જ જીવન છે’ એ
સિદ્ધાંત મુજબ વરસાદ, અને ટાઢ ઉડાડવાથી માંડીને ભોજન રાંધવા સુધી માટે અગ્નિ—આ ત્રણેય માનવજીવનમાં સમયાનુસાર અત્યંત જરૂરી તત્ત્વો છે. તેમના વિના જીવન શક્ય નથી. વરસાદ વિના કૃષિ અને જળસંચય શક્ય નથી, જ્યારે અગ્નિ વિના ટાઢથી બચવું કે ભોજન તૈયાર કરવું શક્ય નથી.
પરંતુ ‘અતિ સર્વત્ર વર્જયેત્’, એટલે કે કોઈપણ વસ્તુ કે બાબતનો અતિરેક હાનિકારક હોય છે. એ જ રીતે ‘અતિ પરિચયાત્ અવજ્ઞા’, એટલે કે કોઈપણ વ્યક્તિ સાથેનો અતિશય પરિચય કે વધુ પડતો સંબંધ અંતે અવગણનાનું કારણ બની શકે છે.

આ જ ભાવને ધ્યાનમાં રાખીને કહેવાયું છે કે વહુ, વરસાદ અને અગ્નિ—ત્રણેય જરૂરી છે, પરંતુ તેમની અતિ નુકસાનકારક બની શકે છે. અતિવૃષ્ટિ વિનાશ સર્જે છે, આગનો પ્રકોપ જાનમાલને નુકસાન પહોંચાડે છે અને પત્ની પ્રત્યેનો અતિશય મોહ કે જરૂર કરતાં વધુ આસક્તિ પણ જીવનમાં અસંતુલન ઊભું કરી શકે છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)




