યાદગાર યર ઓફ ધ બોલિવૂડ…

સમાચાર આવે છે કે ઓસ્ટ્રેલિયામાં 9 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ સિડનીમાં ‘શોલે’ નવી અથવા મૂળ ક્લાઈમેક્સ સાથે રિલીઝ થશે. આપણે જે ‘શોલે’ જોઈ છે તેની પરાકાષ્ઠામાં ખાખી વર્દીવાળા પુલીસ અફ્સરો (બધું પતી ગયા બાદ) પહાડોની વચ્ચે આવેલા ગબ્બરસિંહના અડ્ડા પર પહોંચીને એને અરેસ્ટ કરે છે. સર્વવીદિત છે કે દિગ્દર્શક રમેશ સિપ્પીએ શૂટ કરેલી મૂળ પરાકાષ્ઠામાં ઠાકૂર બલદેવસિંહ પોતાની ધારદાર ખીલીવાળી મોજડીથી ગબ્બરને લોહીલુહાણ કરીને મારી નાખે છે, પણ સેન્સરમાં વાંધા પડતા ગબ્બરની ધરપકડ બતાવવી પડી.

હશે. ‘શોલે’ની તો બહુ વાત થઈ. આપણે વાત કરવી છે, જે વર્ષે ‘શોલે’ રિલીઝ થઈ તેની. 1975ની. 1975માં કેટલીક સારી ફિલ્મો રજૂ થઈ, જથ્થાબંધ સારી ફિલ્મો રિલીઝ થઈ. બન્ને રીતેઃ કમાણીની રીતે સારી અને કૃતિ તરીકે પણ સારી. આ સાથે બીજી પણ એક નોંધનીય ઘટના ઘટી, જેની વાત પછી. પહેલાં આ યાદી જુઓઃ

ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સીની જાહેરાત કરી એ 1975માં ‘શોલે’, ‘દીવાર’, ‘ફરાર’, ‘ધર્માત્મા’, મિલી’, ‘ચૈતાલી’, ‘ચૂપકે ચૂપકે’, ‘આંધી’, ‘ખુશ્બૂ’, ‘મૌસમ’,’ છોટી સી બાત’, ‘જુલી’, ‘જય સંતોષી મા’, ‘ગીત ગાતા ચલ’, ‘પ્રતિજ્ઞા’, ‘ખેલ ખેલ મેં’, ‘‘સંન્યાસી,’ ‘પ્રેમ કહાની’, ‘જખ્મી’, ‘ઝમીર’,  શ્યામ બેનગલની ‘નિશાંત’, વગેરે રિલીઝ થઈ.

 

-અને નોંધનીય ઘટના તે એ કે આજકાલ ઘણા ફિલ્મમેકર ત્રણ વર્ષમાં એક સારી ફિલ્મ પણ આપી શકતા નથી, પરંતુ ગુલઝાર સાહેબે એક જ વર્ષમાં (1975માં) ત્રણ સ-રસ ફિલ્મો આપીઃ ‘આંધી’, ‘ખુશ્બૂ’ અને ‘મૌસમ’. ત્રણેય ફિલ્મનાં કથાવસ્તુ-અભિનય-ગીત-સંગીત આજેય ડોલાવે એવાં છે. ત્રણમાંથી બેમાં પંચમદા, જ્યારે ‘મૌસમ’માં મદનમોહન અને સલીલ ચૌધરીનાં ગીત-સંગીત. શ્રેય અહીં સંજીવ કુમારને પણ આપવું ઘટે. ત્રણમાંથી બે ફિલ્મ પોલિટિકલ લવસ્ટોરી ‘આંધી’ અને રોમાન્સ ડ્રામા ‘મૌસમ’માં સંજીવકુમાર હતા. સંજીવકુમાર સર્વકાલીન શ્રેષ્ઠ હતા. દુર્ભાગ્યે બહુ વહેલા ચાલી ગયા. મને એવી ફીલિંગ આવ્યા કરે છે કે સંજીવકુમારની એક્ટર તરીકે અને ગુલઝારની ડિરેક્ટર તરીકે જોઈએ એવી કદર થઈ નથી. નિઃશંકપણે લેખક-ગીતકાર તરીકે ગુલઝારને પૂરાં આદરસમ્માન મળ્યાં.

તો 1975માં જ રિષિકેશ મુખર્જીએ આપીઃ ‘મિલી,’ ‘ચૂપકે ચૂપકે’ અને ‘ચૈતાલી’.

બીજી એક રસપ્રદ વાત તે એ કે 1975ની સુપરહિટ ફિલ્મોમાંથી અડધો ડઝન ફિલ્મ (‘શોલે’-‘દીવાર’-‘ફરાર’-‘ચુપકે ચુપકે’-‘ઝમીર’)માં અમિતાભ બચ્ચન હતા. 1975થી જ બચ્ચન નંબર વન હીરો તરીકે ઊભરી આવ્યા, અને આગામી બે દાયકા સુધી એન્ગ્રી યંગ મેન અથવા હીરો તરીકે એકચક્રી શાસન કર્યું. આજે પણ એમના સુપર સ્ટારડમ અને ફેનબેઝ જળવાયેલાં છે. ફરારની વાત નીકળતાં આ વાત યાદ આવી ગઈ. ૧૯૭૫માં જ રિલીઝ થયેલી બાસુ ચેટર્જીની ‘છોટી સી બાત’માં અમિતાભ બચ્ચન ‘ફરાર’ના શૂટિંગમાંથી સમય કાઢીને અશોકકુમારને મળવા આવે છે. એવું દશ્ય છે. એક ખૂણામાં ઊભેલા અમોલ પાલેકર બન્નેને ખાનગી વાત કરતા અહોભાવથી જોતા રહે છે.

તો વસ્તુ એવી કે આ એક જ વર્ષમાં અમિતાભ પાંચ ફિલ્મોમાં, જ્યારે ધર્મેન્દ્ર ચાર ફિલ્મોમાં દેખાયા. ‘ચૂપકે ચૂપકે’ની વાત કરીએ તો, અમિતાભ-જયા ભાદુરીને ખબર હતી કે આ ફિલ્મનાં હીરો-હીરોઈન ધર્મેન્દ્ર-શર્મિલા ટાગોર છે, પોતે તો નંબર-ટુ છે. આમ છતાં હૃષિદા માટે પ્રેમાદરના કારણે એમણે કામ કરવાનું સ્વીકાર્યું. એટલું જ નહીં, તેમણે પૈસા પણ લીધેલા નહીં. ભઈ, આ પૈસા ન લીધાની વાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્રોત પાસેથી સાંભળેલી છે. સાચું-ખોટું તો દ્વારિકાધીશ જાણે.

-અને હૃષિદાએ કોઈને નિરાશ કર્યા નહીં. ધર્મેન્દ્ર, શર્મિલા ટાગોર, બચ્ચન સાહેબ, જયાજી જ નહીં, પણ ઓમ પ્રકાશ, ઉષા કિરણ, ડેવિડ, કેસ્ટો મુખર્જી, અસરાની આજે પણ યાદ છે. ગુલઝાર સાહેબે લખેલી ચૂપકે ચૂપકે’ કલ્ટ કોમેડી બની ગઈ.

આનાં બે વર્ષ બાદ, 1977માં મનમોહન દેસાઈએ, એક જ વર્ષમાં, ‘પરવરિશ’, ‘અમર અક્બર એન્થની’, ‘ધર્મવીર’ અને ‘ચાચા ભતીજા’ એમ ચાર-ચાર ફિલ્મો આપી, જેની વાત ફરી ક્યારેક.