આજે (22 મેએ) થિયેટરમાં રિલીઝ થયેલી ‘ચાંદ મેરા દિલ’નાં મુખ્ય
પાત્રો આરવ અને ચાંદની છે. ફિલ્મમાં એક ઠેકાણે આરવ ગંભીર થઈને ચાંદનીને પૂછે છે: “ક્યાંક આપણે કોઈ ભૂલ તો નથી કરી રહ્યાંને?” ત્યારે ચાંદની મહાન ફિલૉસૉફરની અદાથી જવાબ આપે છે: “જો આ ભૂલ છે, તો ભૂલ સાચી જ છે!” બરાબર આ જ સમયે થિયેટરમાં માથું પકડીને બેઠેલા તમે મનોમન બોલી ઊઠો છો: “ભૂલ તો ડિરેક્ટરે અને પ્રોડ્યુસરે કરી… આ ફિલ્મ બનાવીને.”
ઓલમોસ્ટ અઢી કલાકની આ ફિલ્મમાં રોમાન્સ છે, બ્રેકઅપ છે, હર્ટ છે, હૅટ છે, લાઈફ પ્રેમી યુગલની કસોટી કરે છે અને, ફિલ્મ આપણી ધીરજની.

વાર્તા છે આરવ રાવત (લક્ષ્ય) અને ચાંદની પ્રસાદ (અનન્યા પાંડે)ની. 19-20 વર્ષની ઉંમરે હૈદરાબાદની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કૉલેજ-હૉસ્ટેલમાં ભટકાયેલાં આ બંને મહાનુભાવોને ‘સચ્ચા પ્યાર’ થઈ જાય છે. બન્ને ચોવીસ કલાક એકબીજામાં ખોવાયેલાં રહે છે, ચાલુ ક્લાસમાં ડાયાબિટીસ થઈ જાય એવા વૉટ્સૅપ મેસેજ કરે છે. બંને સાવ અલગ, અતરંગી પરિવારમાંથી આવે છે. ચાંદનીને ડિવોર્સી સિંગલ મધરે ઊછરી છે, આરવનાં ધનાઢ્ય મા-બાપને સંતાન કરતાં સમાજમાં પોતાની ઈમેજની ચિંતા વધારે છે. ઘરમાં પ્રેમની અછત સાથે ઊછરેલા બંને એક ખૂબસૂરત દુનિયા બનાવવાના અથાક પ્રયત્ન કરી રહ્યાં છે.
પછી લાઈફમાં એક મોટી ક્રાઈસીસ આવે છે, ઘરવાળાં મોઢાં ફેરવી લે છે. હવે આખી દુનિયામાં આરવ અને ચાંદનીને એકબીજાનો જ સહારો છે. માથે જવાબદારીઓનો એવો મોટો પહાડ તૂટી પડે છે કે બંને એના બોજ નીચે દબાવા લાગે છે. પછી એક દિવસ એવું કંઈ બને છે, જેની કોઈએ કલ્પના નહોતી કરી. આ સાથે એમની જિંદગી યુ-ટર્ન લઈ લે છે.
સાંભળવામાં અને કલ્પના કરવામાં વાર્તા બહુ એક્સાઈટિંગ લાગે, પણ ઓ હેલ્લો, જોવામાં એટલી જ કંટાળાજનક છે. એમાંય ઈન્ટરવલ પછી તો ફિલ્મ પાટા પરથી ઊતરી પડે છે.
બાકી, છોકરાં-છોકરી પોતાને દોઢડાહ્યાં સમજીને જીવનમાં મોટા નિર્ણય લઈ લે અને પછી ખબર પડે કે આ તો બરાબરનાં સલવાણાં આપણે… આવી વાર્તાઓ આપણે હિંદી સિનેમામાં એટલી વાર જોઈ ચૂક્યાં છીએ કે એ ફિલ્મોના ડાયલોગ મોઢે થઈ ગયા છે. એક એક્ઝામ્પલઃ ‘સાથિયા’ (વિવેક ઓબેરોય-રાની મુખર્જી). જો શૉર્ટ ફિલ્મ હોત તો વાંધો નહોતો, પણ આ તો અઢી કલાકની ફિલ્મ બનાવી કાઢી.
વિવેક સોની-તુષાર પરાંજપે-અક્ષત ઘિલડિયાલનો સ્ક્રીનપ્લે સુસ્ત અને કંટાળાજનક છે. બાકી હતું તે ફિલ્મના ડાયલોગ્સે પૂરી કર્યું. ‘ચાંદ મેરા દિલ’ શરૂઆતથી જ પ્રેક્ષકનું ધ્યાન ખેંચવામાં પૂરેપૂરી નિષ્ફળ જાય છે. આરવ-ચાંદની શરૂઆતથી જ પ્રેક્ષક સાથે કનેક્ટ થતાં નથી. બંને એટલી ચીઝી અને બાલિશ હરકતો કરે છે, તમને થાય કે વાંધો નહીં, ટાબરિયાં છે, સુધરી જશે. પણ ના. બચપનાનો અંત જ નથી આવતો. જો કે રોમાન્સમાં ટ્વિનિંગવાળી વાત મને ક્યૂટ લાગીઃ સવારના પહોરમાં ચાંદનીને ગર્લ્સ હૉસ્ટેલમાંથી નીકળતી જોઈ આરવ મિત્રો સાથે મૉલમાં જઈને એણે જે કલરના વાઘા પહેર્યા હોય એ જ કલરનાં શર્ટ ફટાફટ ખરીદી, પહેરીને ક્લાસમાં આવે.

સ્ક્રીનપ્લેમાં લોજિકના એટલા લોચા છે કે આપણને નવાઈ લાગે. જેમ કે હૈદરાબાદના બિઝી રોડ પર બાઈક પર બેસીને અગડંબગડં કરવા બદલ આરવ-ચાંદનીની અરેસ્ટ થાય છે. બન્નેના મિત્રો પુલીસસ્ટેશનમાંથી કેવી રીતે છૂટવું એ માટે લમણાંઝીક કરી રહ્યા છે ત્યારે પેલાં બન્ને કંઈ અલગ દુનિયામાં છે. આરવ કહે છે કે મેં (તારા માટે) સિગારેટ છોડી દીધી છે. ચાંદની ભાવુક થતાં કહે છેઃ “મને ક્યારેય કોઈએ આટલું મહત્વ આપ્યું નથી, કારણ કે મારો બાપ મારી માને મારતો હતો.” પછી આરવ પણ ઉદાસીની વાતોમાં પોતાનો થોડોઘણો ફાળો આપે છે, સીન કટ્ થાય છે. શું મતલબ હતો આ સીનનો? આવા તો ગણ્યાગણાય નહીં એવા ને એટલા સીન છે…
પરફોરમન્સની વાત કરીએ તો, કહેવું જોઈએ કે લક્ષ્ય (‘બૅડ ઑફ બડાસ’ ફેમ) અને અનન્યાએ સારું કામ કર્યું છે, અમુક ચાવી રૂપ સીન્સમાં એમનો અભિનય સારો છે, પણ એમને સારાં કથા-પટકથા-સંવાદ મળવા જોઈતાં હતાં.
વિવેક સોનીની આ પહેલાંની ફિલ્મો ‘મીનાક્ષી સુંદરેશ્વર’ (સાન્યા મલ્હોત્રા-અભિમન્યુ દાસાની) અને ‘આપ જૈસા કોઈ’ (આ. માધવન્-ફાતિમા સના શેખ) ગમેલી, પણ ‘ચાંદ મેરા દિલ’માં વિવેક કુમાર ટોટલ ગોથું ખાઈ ગયા.




