દો આઁખે, બારહ હાથઃ એક રોમાંચક સત્યકથા

બેએક સપ્તાહ પહેલાં ‘કૌન બનેગા કરોડપતિ’ના એપિસોડમાં નાગાલૅન્ડથી ડિરેક્ટર જનરલ- પ્રિઝન રુપિન શર્મા ગરમ ખુરશી પર બિરાજેલા. એમણે કેદીઓને વિવિધ પ્રવૃત્તિમાં જોડી એમને મુખ્ય ધારામાં ફરીથી લાવવા વિશેની પોતાની કેદીસુધારપ્રવૃત્તિ વિશે સંચાલક અમિતાભ બચ્ચન સાથે વાત કરી.

આ એપિસોડની વાત અત્યારે શું કામ? એનું રહસ્યોદઘાટન થોડી વાર પછી થશે. અત્યારે તો બૅકગ્રાઉન્ડમાં સંતૂરના સૂર સંભળાય છે, વર્તમાનનું દશ્ય ધૂંધળું બને છે અને એડોલ્ફ હિટલરનો સમયકાળ તાદશ થાય છે.

હિટલરની કત્લેઆમથી ત્રાસીને ઘણા યહૂદીએ બીજા દેશમાં આશરો લીધેલો. સેંકડોની સંખ્યામાં ભારત પણ આવેલા, જેમાંના એક હતા મોરિસ ફ્રિડમેન. મૂળે પોલાન્ડના જ્યૂ એવા મોરિસ વૉર્સોથી ભારત આવેલા. તેજસ્વી હતા, એન્જિનિયર હતા એટલે બેંગલોરમાં નવીસવી શરૂ થયેલી ‘મૈસૂર ઈલેક્ટ્રિક કંપની’માં જૉબ મળી ગઈ, પણ એમનો ઝુકાવ હિંદુ સંસ્કૃતિ, આપણા ઋષિમુનિઓ, પૌરાણિક ગ્રંથો તરફ વધુ એટલે નોકરી છોડી રમણ મહર્ષિ, સ્વામી રામદાસ, નિસર્ગદત્ત મહારાજ જેવા ગુરુજીનો સત્સંગ કર્યો. ભારતીય નાગરિકત્વ મળતાં સ્વામી રામદાસે એમને દિક્ષા આપી નામ પાડ્યું સ્વામી ભરતાનંદ.

સ્વાતંત્ર્ય પહેલાંનો એ કાળ હતો. એ સ્વામી ભરતાનંદ તો બની ગયા પણ ભૂતકાળની ભયાનક યાદ એમનો પિછો છોડતી નહોતી, હિટલર અને એના ક્રૂર સૈનિકોનો ત્રાસ એ ભૂલી શકતા નહોતા.

આ દરમિયાન ફ્રિડમેન, મોહનદાસ કરમચંદ ગાંધીના સંપર્કમાં આવ્યા અને એ બાપુના આશ્રમમાં વસી ગયા. વહેલી સવારે ઊઠીને એ રેંટિયો કાંતતા, પ્રભાતિયાં ગાતા, અહિંસા વિશે પ્રવચન આપતા. સંન્યાસી તરીકે ફ્રિડમેન જબરદસ્ત પ્રભાવી હતા. ઔંધના રાજવી, શાસક ભવાનરાવ શ્રીનિવાસરાવ પંત પ્રતિનિધિ પણ એમનાથી પ્રભાવિત થયા. પુણે નજીકનું ઔંધ બ્રિટિશશાસન વખતે એક રજવાડું હતું. ફ્રિડમેને ભવાનરાવને કહ્યું કે તમારા રજવાડામાં સ્વશાસન (સેલ્ફ ગવર્નન્સ)ની પ્રથા શરૂ કરો. આ માટે નવું બંધારણ લખવામાં આવ્યું ત્યારે સવાલ થયો કે જેલ અને કેદીનું શું? ત્યારે ફ્રિડમેને કેદીઓને સુધારવાની જવાબદારી પોતાના શિરે લઈ લીધી. એમણે ખુલ્લી જેલનો પ્રયોગ આદર્યો. કેદીઓ પાસે એ ખેતીકામ કરાવતા, જાતે એમની સંભાળ રાખતા. એ રીતે એમનો હૃદયપલટો કરતા.

ફ્રિડમેનની આ શાંત, અહિંસક ચળવળ વિશે બહુ ઓછા લોકોને ખબર હતી. એ બહુ ઓછા લોકોમાંથી ઊડતી ઊડતી વાત ફિલ્મસર્જક શાંતારામ રાજારામ વાનકુદ્રે એટલે વી. શાંતારામ પાસે આવી. એ સ્તબ્ધ થઈ ગયા. એમને આમાં એક લાગણીનીતરતી ફિલ્મ દેખાતી હતી. એ તત્કાળ ફ્રિડમેનને મળ્યા. મરાઠી ભાષાના મહાકવિ ગજાનન દિગમ્બર (ગ.દી.) માળગૂળકરે કથા-પટકથા આલેખી. શાંતારામજીના અથાગ પ્રયાસ છતાં ફ્રિડમેને કોઈ જગ્યાએ ક્રેડિટ લેવાની ચોખ્ખી ના પાડી દીધી.

-અને એમ હિંદી સિનેમાને મળી, ઓપન-જેલ એક્સપરિમેન્ટવાળી, માનવતાવાદી મનોવિજ્ઞાન પર આધારિત એક ક્લાસિકઃ ‘દો આંખે બારહ હાથ.’ છ રીઢા ગુનેગાર અને એમને સુધારવાનું બીડું ઝડપીને બેઠેલા જેલ વૉર્ડન આદિનાથ (વી. શાંતારામ). આ ફિલ્મે ડિરેક્ટર-ઍક્ટર વી. શાંતારામને અપાર ખ્યાતિ અપાવી. ફિલ્મને ‘નેશનલ એવૉર્ડ,’ બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગોલ્ડન બેર,’ અમેરિકાનો પ્રતિષ્ઠિત ‘ગોલ્ડ ગ્લોબ’ જેવા એવૉર્ડ્સ મળ્યા.

ફિલ્મની સફળતામાં એનાં ગીત-સંગીતનો મોટો ફાળો હતોઃ યાદ કરો ભરત વ્યાસ લિખિત, વસંત દેસાઈ સ્વરાંકિત અને લતા મંગેશકરે ગાયેલી પ્રાર્થના “અય માલિક તેરે બંદે હમ…” આ ઉપરાંત “સૈંયા જૂઠોં કા બડા સરતાજ નિકલા,” “ઉમડ ગુમડ કર આયી રે ઘટા,” જેવાં ગીતો આજેય કર્ણપ્રિય છે. ફિલ્મમાં શાંતારામનાં જીવનસંગિની સંધ્યાએ મહત્વની ભૂમિકા ભજવેલી.

આ ફિલ્મ બની ત્યારે (૧૯૫૭માં) ભારતમાં કલર ફિલ્મો બનવી શરૂ થઈ ગયેલી, પણ વાર્તાની ધારી અસર ઊપજાવવા શાંતારામજીએ એને બ્લૅક ઍન્ડ વ્હાઈટમાં જ બનાવવાનું નક્કી કર્યું. ફિલ્મની ક્લાઈમેક્સમાં આદિનાથ એક આખલા સાથે લડાઈ કરે છે એ સીનના શૂટિંગ દરમિયાન શાંતારામજી બૂરી રીતે ઘવાયેલા, એમણે આંખો લગભગ ગુમાવી દીધેલી.

દો આંખે બારહ હાથ પછી તો કેદીસુધારવાળી તથા કેદીને જેલમાંથી બહાર કાઢી એમને સદકાર્યમાં જોતરવાની વાર્તાવાળી ‘કર્મા’ જેવી અઢળક ફિલ્મો આવી, પણ ‘દો આંખે બારહ હાથ’ જેવી કોઈ નહીં.

-અને 1901માં જન્મેલા સવાયા ભારતીય, ગાંધીવાદી મોરિસ ફ્રિડમેનનું 1976માં મુંબઈમાં અવસાન થયું.