રિતિકની દીવાલનો ભેજ ને સોશિયલ મિડિયાનો નૉટ સો બ્રાઈટ કલર…

મુંબઈની મસ્તમજાની વરસાદી સવાર હોય, લૉકડાઉનને લીધે સાવ નિરાંત હોય અને એય…ને વહાલસોયી માતા સાથે સ્વાદિષ્ટ શિરામણ લેવાનું હોય ત્યારે થાય કે બસ, સમય અહીં થંભી જાય તો સારું, પણ…

…પણ જો તમે રિતિક રોશન જેવા મોટા ફિલ્મસ્ટાર હોવ અને સોશિયલ મિડિયા પર હાજરી નોંધાવવા દરરોજ કંઈ ને કંઈ ગાંડુંઘેલું લખવાનો શોખ ધરાવતા હોવ તો તમારા આનંદમાં ખાટું રાયતું ફેલાઈ શકે છે.

બન્યું એવું કે બે દિવસ પહેલાં, (15 સપ્ટેમ્બરે) રિતિક રોશને ટ્વિટર પર એક તસવીર મૂકી. તસવીરમાં રિતિક અને થોડેક આઘે બાલ્કનીમાં ઊભેલાં એનાં મમ્મી પિન્કી રોશન દેખાય છે. ફોટાની સાથે એણે  લખ્યું છેઃ “એક સુસ્ત સવારે મમ્મી સાથે બ્રેકફાસ્ટ… ગુડ મોર્નિંગ. બુધવારે રવિવાર જેવું લાગે એના જેવું સુખ બીજું એકેય નહીં, હોં. ચાલો, હવે મમ્મીને હૂંફાળું આલિંગન આપીએ.”

પહેલી નજરે સાવ નિર્દોષ લાગતી આ તસવીરમાં કંઈ એવું ઝડપાયું કે ટ્વિટરિયા રિતિકની પાછળ આદું ખાઈને પડી ગયા. સોશિયલ મિડિયાની ભાષામાં જેને ટ્રોલિંગ કહે છે એ… કેમ કે રિતિક જે રૂમમાં બેઠો છે એ રૂમની દીવાલ પર ભેજ લાગેલો છે અથવા લીકેજ છે ને ક્યાંય પોપડી ઊખડેલી છે. મારા-તામારા ઘરમાં આમ લીકેજ હોય કે ભેજ હોય કે પોપડા ઊખડેલા હોય તો ઠીક મારા ભઈ, પણ રિતિકના ઘરે સીપેજ? બસ, પછી તો અમુક લોકોએ રિતિકના હિસાબે ને જોખમે મજા મારી તો અમુક એના બચાવમાં આવ્યા.

કોઈએ કહ્યું કે “આ ફોટો હું મારી પત્નીને દેખાડીશ ને કહીશ, મહેરબાની કરીને દીવાલ રિપૅર કરાવવા મારું માથું ખાવાનું બંધ કર. જો, મોટા મોટા સ્ટાર્સના ઘરે પણ આ પ્રોબ્લેમ હોય છે.”

તો રંગ બનાવતી એક જાણીતી કંપનીએ લખ્યું કે “(‘કોઈ મિલ ગયા’વાળા) જાદુની વાટ ન જુઓ, એક્સપર્ટને બોલાવો. વૉટરપ્રૂફિંગનો વૈજ્ઞાનિક ઉકેલ અમારી પાસે છે.”

ખેર. રિતિકે મૂકેલો ફોટો ‘સીઆઈડી’ના ચીફ એસીપી પ્રદ્યુમ્નની નજરે જોતાં અમને આટલું દેખાય છેઃ ઘરની દીવાલ પર ભેજ, ટેબલ પર જાતજાતની દવા-ગોળી તથા એક દળદાર પુસ્તક છે, રિતિકનો લેટેસ્ટ આઈફોન પાવરબૅન્ક સાથે કનેક્ટેડ છે (કાં? ઘરમાં પાવરપૉઈન્ટ પણ નહીં હોય?), બાલ્કનીમાંથી જે નજારો મળે છે એ રિતિક રોશનને છાજે એવો નથી, બાજુના મકાનમાં વાંસડા બાંધેલા છે, બાલ્કનીની છત પર કપડાં સૂકવવાનું સ્ટેન્ડ લટકે છે, વગેરે. અચ્છા, પુસ્તક કયું છે એ જાણવા મળે? શ્યૉર… ટિમ ફેરિસ લિખિત ‘ટૂલ્સ ઑફ ટિટાન્સ’ (રિતિકે પોતે આ માહિતી આપી છે).

પછી તો વાત વણસતી લાગી એટલે રિતિકે ખુલાસો કર્યોઃ “મિત્રો, હાલ ભાડાના ઘરમાં રહું છું. ટૂંક સમયમાં અમારા પોત્તાના ઘરમાં રહેવા જઈશું.”

રિઆલિટી એ છે કે રિતિકે જુહુ વિસ્તારમાં મોંઘીદાટ પ્રૉપર્ટી ખરીદેલી છે, જેમાં એક ડુપ્લેક્સ પૅન્ટહાઉસ છે ને બાજુમાં એક માળનો બંગલો છે. બન્નેની અંદાજિત કિંમત, રિતિકની સુપરહિટ ફિલ્મના કલેક્શન જેટલી, એટલે સો કરોડ રૂપિયા થવા જાય છે, પણ બન્નેમાં કામ ચાલે છે એટલે 13-14 મહિનાથી રિતિક ભાડાના ઘરમાં રહે છે.

એમ વાત છે ત્યારે. બાકી પહેલી વાર અમને લાગ્યું કે અમે બી સ્ટાર છીએ કેમ કે અમારા ઘરમોંય હાળું લીકેઝ છે ને વૉટરપ્રૂફિંગની સમસ્યા છે અને જાણીને નવાઈ લાગી કે સ્ટારને પણ મધ્યમવર્ગી સમસ્યાનો સામનો કરવો પડે છે.

તો આ આખ્ખી બવાલમાંથી આપણે શું ધડો લેવાનો?

જો પ્રેરણાદાયી પ્રવચનકાર પાંડુની અદામાં કહીએ તો, “ગમેતેટલા ધનાઢ્ય થઈએ, પણ આપણાં મધ્યમવર્ગી મૂળિયાં ન ભૂલીએ.”

-અને ઍક્ટર રાજકુમારની સ્ટાઈલમાં કહીએ તો, “જાની… જિનકે ઘર કી દીવાલ મેં ભેજ હો, વો સેલ્ફી નહીં લિયા કરતે…”. હેંહેંહેં!

તાજા કલમઃ રિતિકનો ફોટો અહીં મૂક્યો છેઃ તમને પણ કંઈ સૂઝે તો (પોઝિટિવ) મશ્કરી કરી શકો છો.

કેતન મિસ્ત્રી