રિલીઝનાં બે અઠવાડિયાં પછી ફિલ્મ પર પ્રતિબંધ…

આજકાલ બોલિવૂડમાં ફિલ્મ ઓછી વિવાદ વધારે ચાલે છે. ખાસ કરીને સેન્સરનો વિવાદ મુંબઈના વરસાદની જેમ મુશળધાર ચાલી રહ્યો છે. જેમ કે, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના જીવન પર આધારિત ‘અજેયઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ યોગી’ ફિલ્મ પાસ થતી નથી. સેન્સરને અનેક દશ્યો સામે વાંધાવચકા છે. ઉપરાંત એમને યોગી આદિત્યનાથનું નો ઓબ્જેક્શન સર્ટિફકેટ પણ જોઈએ છે. મામલો હાલ કોર્ટમાં છે. આ સિવાય ‘ઉદયપુર ફાઈલ્સ’, ‘બેંગાલ ફાઈલ્સ’, ‘ફુલે’, વગેરેમાં પણ વાંધા પડ્યા. જુલાઈમાં રિલીઝ થયેલી ‘સુપરમેન’ ફિલ્મના બે કિસિંગ સીન કાપી નાખવાથી વિવાદ ઊભો થયો. હોલિવૂડથી આવેલી આ ફિલ્મમાં સુપરમેન એની પ્રેમિકાને 33 સેકન્ડનું દીર્ઘ ચુંબન કરે છે. સેન્સર બોર્ડને લાગ્યું કે ભારતીય ઓડિયન્સ માટે આટલું લાંબું ચુંબન દ્રશ્ય જરા વધારે પડતું ગણાય. આ પહેલાં ‘ઈમરજન્સી’ ફિલ્મ માટે કોંગ્રેસીઓએ વાંધો ઉઠાવતાં સેન્સરે એમાં ઘણી કાપકૂપનો આદેશ દીધેલો.

-પણ, 1980ના દાયકામાં સેન્સર સર્ટિફિકેટ મેળવીને રિલીઝ કરવામાં આવેલી એક ફિલ્મ પર વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની સરકારે અચાનક જ પ્રતિબંધ મૂકી દીધેલો એ તો ખબર છેને? ફિલ્મનું નામઃ ‘મેરી આવાઝ સુનો’.

1981ના ડિસેમ્બરમાં એસ. વી. રાજેન્દ્ર સિંહ બાબુ દિગ્દર્શિત અને મદ્રાસી ‘પદ્માલય સ્ટુડિયોઝ’ના જી. હનુમન્ત રાવ નિર્મિત ‘મેરી આવાઝ સુનો’ રિલીઝ થઈ. કન્નડ ફિલ્મ ‘અંત’ (1981)ની રિમેકથી જમ્પિંગ જેક જિતેન્દ્ર માટે એક્શન ફિલ્મનું સ્ટેજ ગોઠવાયું. ફિલ્મમાં એ સિનિયર ઈન્સ્પેક્ટર સુશીલ કુમાર છે. રૂપેરી પરદા પર  જોયેલો એ કદાચ પહેલો ને છેલ્લો ઈન્સ્પેક્ટર હશે જે ખાખી ગણવેશની સાથે ટાઈ પહેરે છે. ખેર. સુશીલ કુમાર કાળકોટડીમાં કેદ કન્વરલાલ નામનો કેદી બનીને વિલન-ટોળી (કાદર ખાન, રણજિત, શક્તિ કપૂર) સાથે ભળી જાય છે, જેથી બધાને સબૂત સાથે પકડી શકાય. હેમામાલિની તેની પત્નીની ભૂમિકામાં હતાં, જ્યારે પરવીન બાબી ગેંગસ્ટર કન્વરલાલની પ્રેમિકા બનેલી, જેને જિતેન્દ્ર જેમ્સ બોન્ડ સ્ટાઈલમાં મોહિત કરે છે.

ફિલ્મના મોટા ભાગના સીન ફુવડ હતા. એમાંયે ક્લાઈમેક્સ તો ભયંકર હતી. ખલનાયકો ગર્ભવતી હેમામાલિનીના પેટ પર મુક્કા મારી એને અને એના ન જન્મેલા બાળકની હત્યા કરે છે. જિતેન્દ્રના ટોર્ચરનાં દ્રશ્યો પણ ક્રૂડ હતાં.

ફિલ્મની રિલીઝ બાદ દેશભરમાં એવી હવા ફેલાઈ કે એની પર ગમે ત્યારે પ્રતિબંધ આવી શકે છે. આના લીધે લોકોમાં ઉત્કંઠા વધી. પ્રેક્ષકો ખાસ એ જાણવા થિએટરોમાં ઊમટી પડ્યા કે ઈન્દિરા ગાંધીની સરકારને આમાં પ્રોબ્લેમ શું છે? પછી તો ‘મેરી આવાઝ સુનો’એ બે અઠવાડિયાંમાં બોક્સ ઓફિસ પર ધબડાટી બોલાવી દીધેલી. અમુક શહેરોમાં તો એણે ‘શોલે’ના રેકોર્ડ તોડી નાખેલા.

તે પછી આવ્યો અણધાર્યો વળાંક. રિલીઝનાં બે અઠવાડિયા બાદ કેન્દ્ર સરકારે ફિલ્મને બેન કરી દીધી. કારણ આપવાં આવ્યું- વધુ પડતું વાયોલન્સ, ક્રુઅલ્ટી, સેક્સ. નવાઈની વાત એ કે સરકાર દ્વારા સ્થાપિત ‘સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને’ રિલીઝની મંજૂરી આપી હોવા છતાં સરકારે એની પર પ્રતિબંધ મૂકી દીધો.

હકીકતમાં વિવાદનાં મૂળિયાં રાજકારણમાં હતાં. ત્યારના યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલામ નબી આઝાદે જોરશોરથી આ ફિલ્મને પ્રતિબંધિત કરવાની માંગ કરેલી. તેમનું કહેવું હતું કે ફિલ્મમાં કેન્દ્રીય ગૃહપ્રધાન, ગૃહ સચિવ અને પોલીસ મહાનિરીક્ષકને મવાલી-ગુંડા તથા સમાજવિરોધી ટોળીના વડા ચીતરવામાં આવ્યા છે. આ સદંતર બકવાસ અને અપમાનજનક છે. આઝાદે ફિલ્મ પર તાત્કાલિક બંધ મૂકવાની તથા નિર્માતાઓ સામે પગલાં લેવાની માંગ કરી. સરકાર એમના દબાણમાં આવી ને ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો.

સરકારના પગલા સામે પ્રોડ્યુસરો અને ડિસ્ટ્રિબ્યુટરો કોર્ટમાં ગયા. એમણે સોલી સોરાબજી અને સિદ્ધાર્થ શંકર રે જેવા દિગ્ગજ કાયદાનિષ્ણાતોને કેસ લડવા રોક્યા.

એ દિવસોમાં દરરોજ છાપાંમાં ‘મેરી આવાઝ સુનો’ વિશેના સમાચાર આવતા, તંત્રીઓ અગ્રલેખ લખતાઃ સરકાર પોતે પોતાના જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના નિર્ણયને અમુક પોલિટિશિયનની માગના લીધે ખોટો કેવી રીતે ઠેરવી શકે? શું નિર્માતાની આવાઝ સુનવામાં આવશે?

થોડાં અઠવાડિયાંની ખેંચતાણ બાદ સરકારે પ્રતિબંધ ઉઠાવી લીધો. ‘મેરી આવાઝ સુનો’ કોઈ પણ જાતની કાપકૂપ વિના ફરી રિલીઝ થઈ. ખાલી શરૂઆતમાં એક સૂચના મૂકવામાં આવીઃ

“આ વાર્તા મુંડુસ્તાન નામના એક કાલ્પનિક પ્રદેશમાં આકાર લે છે!”

-અને ફિલ્મ સુપરડુપર હિટ થઈ, મુંબઈ સહિત સમગ્ર ભારતમાં સિલ્વર જયુબિલી ઊજવી. ‘મેરી આવાઝ સુનો’ને જિતેન્દ્રની કારકિર્દીની સૌથી મોટી હિટ્સમાંની એક તરીકે યાદ કરવામાં આવે છે. આ ફિલ્મ સાથે એનો સાઉથ ઈન્ડિયા સિનેમાપ્રવાસ શરૂ થયો. ‘હિમ્મતવાલા’થી લઈને ‘મવાલી’, ‘તોહફા’, ‘મક્સદ’, ‘પાતાલ ભૈરવી’, ‘સંજોગ’, ‘ઔલાદ’, ‘મજાલ’, ‘સરફરોશ’, ‘મજબૂર’, જેવી 75 જેટલી દક્ષિણ ભારતમાં બનેલી ફિલ્મોમાં (હિંદી રિમેકમાં) કામ કર્યું.

તે સમયે ‘મેરી આવાઝ સુનો’ માત્ર ફિલ્મ ન રહેતાં સર્જનાત્મક સ્વતંત્રતા, રાજકારણીઓની પેરલલ સેન્સર બોર્ડની રાજનીતિ અને જનતાની માગણીની અજોડ શક્તિનું પ્રતીક બની ગયેલી.