અજય દેવગનવાળી દ્રશ્યમ-શ્રેણીની ફિલ્મોમાં આપણે જોયું કે પોલીસ આદું ખાઈને
સાળગાવકર-પરિવારની પાછળ પડી જાય છે. હવે, ધારો કે પોલીસ પોતે વિજય સાળગાવકર બનવાનું નક્કી કરે તો?
તમે કહેશો, “આ તે કેવો સવાલ?”
રાઈટ યુ આર. આ તો ગઈ રાતે ઉજાગરો વેઠીને મલયાલમ ફિલ્મ ‘પ્રધમ દ્રિષ્ટ્યે કુત્તક્કાર’ જોયા બાદ આવો સવાલ મનમાં જાગ્યો ને તમારી સામે મૂક્યો.
આમ તો આ શુક્રવારે ‘નયી નવેલી,’ ‘પ્રહારઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઉજ્જવલ નિકમ,’ ‘સ્ટ્રીટ ફાઈટર’ જેવી ફિલ્મો રિલીઝ થઈ છતાં એમ થાય કે આજે તમારી સાથે ‘પ્રધમ દ્રિષ્ટ્યે કુત્તક્કાર’ વિશે જ વાત કરું. સુંદર મજાની હત્યા થાય, લાશ છુપાવવાની નોબત આવે, પુરાવા નષ્ટ કરવાની પળોજણ શરૂ થાય… આટલું વાંચીને તમને ‘દ્રશ્યમ્’ની યાદ આવી?
-પણ ઓ હેલ્લો, 11 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થયેલી આ મલયાલમ ક્રાઈમ થ્રિલરમાં ખેલ જરા જુદો છે. અહીં ગુનો છાવરવાની તરકીબ અતિ ચાલાક મિડલ ક્લાસ કોમન મેન પૂરતી મર્યાદિત નથી. બલકે પોલીસ ડિપાર્ટમેન્ટના લોકો જ એમાં સંડોવાયેલા છે.
‘પ્રધમ દ્રિષ્ટ્યે કુત્તક્કાર’ ટાઈટલનો અર્થ થાયઃ પ્રથમદર્શી ગુનેગાર અથવા પ્રાઈમા ફેસી ગિલ્ટી. ફિલ્મની વાર્તા જોઈએઃ
ત્રીસ વટાવી ગયેલી અલિના અબ્રાહમ (સુપર્બ મલયાલી એક્ટ્રેસ પાર્વતી)નો પોલીસ ઓફિસર પતિ અબ્રાહમ ફરજ દરમિયાન શહીદ થાય છે. માનવતાના ધોરણે અલિનાને પોલીસ સ્ટેશનમાં ક્લર્કની નોકરી ઓફર થાય છે, પણ એ કહે છેઃ “ક્લેરિકલ જોબ નહીં જોઈએ… આપવી હોય તો પોલીસની નોકરી આપો.” સાહેબ અલિનાની વિનંતીને માન્ય રાખે છે ને એ પોલીસદળમાં જોડાય છે.

એક નાઈટ ડ્યુટી દરમિયાન પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુ (એક્સિડેન્ટલ ડેથ)ની ઘટના ઘટે છે. ડેથમાં સંડોવાયેલી અલિના અને એના ત્રણ સહ-પોલીસકર્મચારીઓ લાશને છુપાવવાના તથા પુરાવા નષ્ટ કરવાના પ્રયાસમાં લાગી જાય છે. આ તરફ મર્ડર-કેસ સોલ્વ કરવા ક્રાઈમ બ્રાન્ચના બાહોશ, અનુભવી ઈન્વેસ્ટિગેટિંગ ઓફિસર હેરિસ મીરાન (વિજય રાઘવન) મેદાનમાં ઊતરે છે ને શરૂ થાય છે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર જ ઉંદર-બિલાડીની રમત.
ઓકે. પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લાશને દાટી દેવાથી લઈને ગુનો છુપાવવા જાતજાતની યુક્તિઓ જોતાં સહજ જ ‘દ્રશ્યમ્’ની યાદ આવવી સ્વાભાવિક છે, પણ ‘પ્રધમ દ્રિષ્ટ્યે કુત્તક્કાર’ શું કામ ‘દ્રશ્યમ’ કરતાં ચઢિયાતી છે, ખબર છે? કેમ કે એની સિચ્યુએશન્સ, ચાર મુખ્ય પાત્રોની અને ફિલ્મની બેકસ્ટોરી ‘દ્રશ્યમ્’ કરતાં પાવરફુલ છે. જેમ કે, અલિનાને બાળપણની કડવી યાદ અને ત્રણેક વર્ષની દીકરીથી દૂર રહેવાની પીડા સતાવે છે… જુવાન શ્રીનાથની ગર્લફ્રેન્ડ છે, પરંતુ નાતજાતના ભેદના કારણે ગર્લફ્રેન્ડનો પરિવાર સંબંધની વિરુદ્ધ છે… 30 વટાવી ગયેલો દાસન્ ડ્યુટી દરમિયાન મળેલી શિક્ષિકાના પ્રેમમાં પડ્યો છે, એને લગ્ન કરવા છે… પરિણીત દિવ્યા મા બનવા સંઘર્ષ કરી રહી છે, ડોક્ટરે એને સ્ટ્રેસ લેવાની ના પાડી છે, પણ આ કમઠાણ સ્ટ્રેસ અપાવે એવું જ છે. આકસ્મિક ડેથની ઘટના બાદ ચારેય પાત્રોનો અતૂટ સંબંધ સહજતાથી બાંધે છે ચબરાકીભર્યું લેખન.
શહદ નીલાંબરનું ડિરેક્શન અને સ્ક્રીનપ્લે શરૂથી અંત સુધી ટેન્શન જાળવી રાખે છે આથી પોણાત્રણ કલાકની ફિલ્મ થકવી દેતી નથી, પણ જકડી રાખે છે. હા, પટકથામાં ક્યાંક ક્યાંક બાકોરાં છે તો ક્યાંક કન્વિનિયન્સ (સગવડિયું લેખન) પણ જોવા મળે છે.
‘દ્રશ્યમ’થી વિપરીત ‘પ્રધમ દ્રિષ્ટ્યે કુત્તક્કાર’ સુપરસ્ટારનો બોજ લઈને ફરતી નથી. અહીં ચાર પોલીસ કર્મચારીઓ, શિયાળ જેવી લુચ્ચાઈથી તપાસ આગળ વધારતો ક્રાઈમ બ્રાન્ચનો ઓફિસર તથા અન્ય પાત્રો સ્ટાર છે. પાર્વતીને તમે ઈરફાન ખાન સાથે રોમાન્ટિક કોમેડી ‘કરીબ કરીબ સિંગલ’માં તથા પંકજ ત્રિપાઠી સાથે સાઈકોલોજિકલ થ્રિલર ‘કડકસિંહ’માં જોઈ હશે. અહીં એણે વિચિત્ર સંજોગમાં ફસાયેલી મહિલા પોલીસને જબરા કન્વિક્શન સાથે રજૂ કરી છે, એણે અલિનાના પાત્ર માટે જરૂરી ભાવનાત્મક ઊંડાણ આપ્યું છે.
જો તમને કેરળની ચિત્રનગરીમાંથી આવતી સસ્પેન્સ, મિસ્ટરી, થ્રિલર, ઈન્વેસ્ટિગેટિવ અને પોલીસ પ્રોસિજરલ (પોલીસતપાસ વિશેની) ફિલ્મો ગમતી હોય તો ‘પ્રધમ દ્રિષ્ટ્યે કુત્તક્કાર’ ચોક્કસ ગમી જશે. નેટફ્લિક્સ પર સબ-ટાઈટલ્સ સાથે ઉપલબ્ધ છે.






