તબુનું સિનેમેટિક સેલિબ્રેશન… એક દિવસે ત્રણ ફિલ્મ!

ગયા અઠવાડિયે (14 ઓક્ટોબરે) અજય દેવગનની ‘દે દે પ્યાર દે 2’નું ટ્રેલર રજૂ કરવામાં આવ્યું. 6 વર્ષ પહેલાં આવેલી રોમાન્ટિક કોમેડી ‘દે દે પ્યાર દે’માં અજય દેવગન-તબુ-રકુલ પ્રીતસિંહ-જાવેદ જાફરી, વગેરે હતાં, પ્યાર, ઉંમર અને સેકન્ડ ચાન્સ વિશેની આ ફિલ્મમાં નિર્માતા-લેખક લવ રંજન ટાઈપની હ્યુમર હતી. ફિલ્મ ડિરેક્ટ કરેલી અકિવ અલીએ.

હવે, 2019ની ફિલ્મની સિક્વલમાંથી તબુની બાદબાકી થતાં ટ્રેલર લોન્ચ વખતે એ વિશે સવાલ ખડા થયાઃ “કાં? તબુને આમાં કાં ન લીધી?” નિર્માતા લવ રંજને જવાબ આપતાં કહ્યું કે, “પહેલા પાર્ટમાં પુરુષ (અજય દેવગન)ની જિંદગાની બતાડેલી. હવે બીજા પાર્ટમાં ગર્લ (રકુલ પ્રીતસિંહ)ની સ્ટોરી છે. ત્રીજો પાર્ટ, જો આવશે તો, એમાં તબુ-અજય દેવગન-રકુલ પ્રીતસિંહ એમ ત્રણેયની સ્ટોરી દેખાડીશું.” દે દે પ્યાર દેનો સેકન્ડ પાર્ટ ડિરેક્ટ કર્યો છેઃ ‘સોનૂ કે ટિટુ કી સ્વીટી’ના ડિરેક્ટર અંશુલ શર્માએ.

હશે. એવું થશે ત્યારે થશે. અત્યારે તો મારે તબુના એક અવિસ્મરણીય સિનેમેટિક રેકોર્ડ વિશે વાત કરવી છે. એક એવા દિવસની વાત, જે ફિલ્મ-ઈતિહાસમાં “તબુ’ઝ ગોલ્ડન ડે” એ રીતે યાદ કરવામાં આવે છે. હિન્દી ફિલ્મ-ઈતિહાસમાં પહેલી વાર એવું બનેલું કે એક જ અભિનેત્રીની ચાર ફિલ્મ એક જ દિવસે રિલીઝ થઈ. આ અકલ્પનીય સિદ્ધિ હાંસલ કરી તબુએ આજથી પચીસ વર્ષ પહેલાં.

સન 2000માં, 6 ઓક્ટોબરે તબુની ચાર ફિલ્મ એકસાથે રિલીઝ થઈઃ ‘શિકારી’, ‘દિલ પે મત લે યાર’ અને ‘અસ્તિત્વ’ (હિન્દી અને મરાઠી). મુંબઈનાં 38 થિએટરોમાં તબુની જ ફિલ્મો ચાલતી હતી એમ ફિલ્મપંડિત કોમલ નાહટાનો પચીસ વર્ષ પહેલાં પ્રકાશિત થયેલો “ફિલ્મ ઈન્ફર્મેશન”નો અંક નોંધે છે.

ગોવિંદા-કરિશ્મા કપૂર-તબુને ચમકાવતી ‘શિકારી’ સસ્પેન્સ થ્રિલર હતી. મુંબઈનો ભાગેડુ કેદી (ગોવિંદા) દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં પહોંચીને ધનિક ઉદ્યોગપતિ (નિર્મલ પાંડે)ની હત્યા કરે છે. એ ઉદ્યોગપતિની પત્ની (તબુ) હોય છે. પછી હત્યારો ઉદ્યોગપતિની બહેન (કરિશ્મા કપૂર)ને પ્રેમની જાળમાં ફસાવે છે. એક પછી એક હત્યા બાદ ક્લાઈમેક્સ રહસ્ય છતું થાય છે કે એણે શા માટે આટલાં મર્ડર કર્યાં, જ્યારે ‘દિલ પે મત લે યાર’માં એકતરફી પ્રેમની વાત છે. મહેનતુ, પ્રામાણિક મોટર મિકેનિક (મનોજ બાજપેયી) એક પત્રકાર (તબુ)નો મિત્ર બને છે. પત્રકાર મહેનતકશ, ઈમાનદાર મિકેનિક પર લેખ લખે છે. મિકેનિક પત્રકારની દોસ્તીને પ્રેમ માની બેસે છે. પેલું કહે છેનેઃ “મૈને તુમ્હે કભી ઉસ નઝર સે દેખા હી નહીં”. પછી મિકેનિક લખલૂટ ધન કમાવા ખોટા રસ્તે જાય છે…

જો કે આ બધીમાં ચર્ચાસ્પદ રહી મહેશ માંજરેકરની ‘અસ્તિત્વ’ (એડલ્ટ્સ ઓન્લી), જે એ સમયે બોલ્ડ વિષયવાલી ફિલ્મ હતી. આમાં તબુએ એવી પરિણીત સ્ત્રીનું પાત્ર ભજવ્યું, જે પુરુષપ્રધાન સમાજ સામે પોતાનો અવાજ ઉઠાવે છે. અતિમહત્વાંકાંક્ષી પતિ (સચીન ખેડેકર) પાસે પત્ની માટે સમય જ નથી. પત્ની એકલતા અનુભવે છે… પછી એક ભૂલ, એક લગ્નેતર સંબંધ (મોહનિશ બહલ) અને એ સંબંધથી બદલાઈ ગયેલું જીવન — ફિલ્મ એ પ્રશ્ન પૂછે છે કે જે ભૂલ માટે સ્ત્રીને ક્ષમા માગવાની ફરજ પાડવામાં છે, એ ભૂલ માટે એને કલંકિની કહીને ઉતારી પાડવામાં આવે છે, એ જ ભૂલ પુરુષ માટે સામાન્ય ગણાય છે… આવા સમયે સ્ત્રી (તબુ) પોતાનું અસ્તિત્વ પાછું મેળવવા માટે લડે છે. અંતે ફિલ્મ એક પાવરફુલ મેસેજ આપે છે- સમાનતા માત્ર શબ્દ નથી, એક હક છે.

મને યાદ છે, મહેશ માંજરેકરે મુંબઈનાં લિબર્ટી, પ્લાઝા, જેમિની, સિનેમેક્સ જેવાં થિએટરોમાં મહિલાઓ અસ્તિત્વના મફત સ્ક્રીનિંગ રાખેલાં. દરેક મહિલાને વહેલી તે પહેલીના ધોરણે બે ટિકિટ આપવામાં આવેલી. સિનેમેક્સ ખાતે શો બાદ તબુ-મહેશ માંજરેકર, વગેરેએ દર્શકો સાથે મોકળા-મને ચર્ચા, પ્રશ્નોત્તરી કરેલી.

હિન્દી સિનેમાના ઈતિહાસમાં આ દિવસ તબુના નામે લખી શકાય.