રિંગ સેરેમનીમાં, વરઘોડામાં, લગ્નની ડીજે નાઈટમાં કે બેચલર્સ પાર્ટીમાં એ સોંગ વાગે વાગે ને વાગે જ. અને વાગે
ત્યારે પગ જ નહીં, આખું શરીર થિરકવા માંડે. એ સોંગઃ “લડકી બ્યુટિફુલ, કર ગઈ ચૂલ…” રાઈટ છુંને હું? અગ્રી કરો છો?
શકુન બત્રાના ડિરેક્શનમાં બનેલી ‘કપૂર એન્ડ સન્સ’નું આ ગીત જ નહીં આખેઆખી ફિલ્મ મજેદાર હતી. કપૂર અટકધારી પંજાબીપરિવારની વાર્તા. એવું કુટુંબ, જે ઉપરથી વેરવિખેર લાગે, પણ અંદરથી સૌને એકમેક માટે બહુબધી લાગણી છે. ધર્મા પ્રોડક્શન્સની આ ફિલ્મે ભારતમાં હોમોસેક્સ્યુઆલિટી (સમલૈંગિકતા) અને ઘરના ઝઘડાને જે રીતે પરદા પર ઉતાર્યાં એ વખાણવા લાયક હતાં. બૉક્સ ઑફિસ પર પણ પિક્ચરે સારી કમાણી કરી હતી.
-પણ ઓ હેલ્લો, પરદા પાછળની કહાણી કંઈ અલગ જ હતી!
ગયા અઠવાડિયે આ ફિલ્મની રિલીઝને 10મું વર્ષ બેઠું. તે સાથે મને આપણા વહાલા સ્વ. રિશી કપૂર (ચિન્ટુજી) અને એમનો જૂનો ઈન્ટરવ્યુ યાદ આવે. જાણીને નવાઈ લાગશે કે ફિલ્મમાં ‘દાદુ’નો ક્યુટ રોલ રિશીજીએ કર્યો છે એના શૂટિંગ વખતે એ જરાય ખુશ નહોતા. બલકે બે વાર એમણે ફિલ્મ છોડી દેવાની ધમકી પણ આપી હતી.

ઈન્ટરવ્યુમાં રિશીએ જણાવ્યું હતું કે: “મને શકુન બત્રા સાથે કામ કરવાની જરાયે મજા નહોતી આવી. 30-32 દિવસનું શૂટિંગ હતું અને એક પણ દિવસ એવો નહોતો ગયો, જ્યારે અમારે ડખો થયો ન હોય. જો કે કોઈ ક્રિએટિવ ડખા નહોતા, પણ મને એની કામ કરવાની સ્ટાઈલ સામે વાંધો હતો.”
ઍક્ચ્યુઅલી, રિશીજી 1970ના દાયકાના ઍક્ટર. એમને એક વાર સીન કરી લીધા પછી એ જ એક્સપ્રેશન વારંવાર આપવા ગમતા નહીં. એમણે કહ્યું હતું કે શકુનને એક જ સીન ઘણા બધા, અલગ અલગ એન્ગલથી શૂટ કરવાની ટેવ હતી. પછી જે બેસ્ટ લાગે એ રાખે. રિશીજીનું કહેવું હતું કે, “હું કાંઈ મૅથડ એક્ટર નથી. એક વાર શૂટ થયા પછી બીજી વાર ચહેરા પર સેમ-ટુ-સેમ ઈમોશન્સ લાવતાં ન ફાવે. ડિજિટલ યુગમાં હવે બધું એડિટ થઈ શકે છે, પણ ડિરેક્ટર્સ ઍક્ટર્સને રોબો સમજી બેઠા છે!”
મને એ વિચાર આવે છે કે જે દાદુને જોઈને આપણને હસવું આવતું હતું, એ કૅમેરા પાછળ કેટલા ગુસ્સે હશે.
રિશીજી માટે આ રોલ બહુ અઘરો હતો. 90 વર્ષના દેખાવા માટે એમણે રોજ 13-13 કલાક પ્રોસ્થેટિક મેકઅપ પહેરવો પડતો, આંખોમાં ભારે કૉન્ટેક્ટ લેન્સ નાખવા પડતા. આટલી મહેનત પછી જ્યારે ડિરેક્ટર એક જ શૉટ વારંવાર લેવાનું કહે, ત્યારે રિશીજીનો પારો સાતમા આસમાને પહોંચી જતો.
એમણે તો પ્રોડ્યુસર કરણ જોહરને ફોન કરીને કહી દીધું હતું કે, “જો ભાઈ, હું ફિલ્મ છોડી રહ્યો છું, મારાથી નહીં થાય!”
-પણ દર વખતે કરણ જોહર એમને મનાવી લેતા. જો આમ ન થયું હોત તો આપણને બોલિવૂડના યાદગાર ‘દાદુ’ ન મળત.
ઈ જે હોય ઈ, પણ શકુને ફિલ્મ શાનદાર બનાવેલી. 2012માં ઈમરાન ખાન-કરીના કપૂરને ચમકાવતી ‘એક મૈં ઔર એક તૂ’ ફિલ્મની નિષ્ફળતાનાં ચાર વર્ષ બાદ આવેલી આ ફિલ્મે શકુનને સફળતા અપાવી. 2022માં એણે દીપિકા પદુકોણ-સિદ્ધાર્થ ચતુર્વેદી-અનન્યા પાંડે-નસીરુદ્દીન શાહને લઈને ‘ગેહરાઈયાઁ’ બનાવી, જે પ્રાઈમ વિડિયો પર રિલીઝ થઈ…
કપૂર એન્ડ સન્સનું શૂટિંગ હિલ સ્ટેશન ઊટી નજીક આવેલા કુનૂરના લીલી ચાદર ઓઢીને ઊભેલા ખૂબસૂરત પહાડોની વચ્ચે થયું હતું. કુનૂર વેલીનો નજારો આપતું કપૂરપરિવારનું રેસિડન્સ એ ખરેખર તો ‘180 McIver’ નામની બુટિક હોટેલ છે.

શરૂઆતમાં આપણે ‘લડકી બ્યુટીફુલ’ સોંગની વાત કરી. જે એક રેસ્ટોબારમાં શૂટ થયેલું, જેમાં અર્જુન (સિદ્ધાર્થ મલ્હોત્રા) અને ટિયા (આલિયા ભટ્ટ)એ ગીત-સંગીત અને નૃત્યની મસ્ત મહેફિલ જમાવેલી. બધાને એમ કે આ કુનૂરનો જ કોઈ ફેમસ રેસ્ટોબાર હશે, પણ જ્યારે મુંબઈમાં દરિયાકિનારે આવેલા શિવાજી પાર્ક વિસ્તારના રહેવાસીઓ પિક્ચર જોવા ગયા ત્યારે લડકી બ્યુટિફુલ સોંગ જોઈને ઊછળી પડ્યાઃ ધત્તેરિકી! આ તો આપણા એરિયાની ફેમસ ‘ચાઈનીઝ ગાર્ડન’ રેસ્ટોરાં!
41 વર્ષ જૂની આ રેસ્ટોરાં એના જૂના જમાનાના ઈન્ડો-ચાઈનીઝ ડેકોર માટે જાણીતી છે. અને પિક્ચરમાં ભલે દારૂની નદી વહેતી દેખાડી હોય, પણ વાસ્તવમાં અહીં આલ્કોહોલ સર્વ નથી થતો. રેસ્ટોરાંમાં બિલિંગ કાઉન્ટર પાસેની જગ્યાને ડાન્સ ફ્લોર બનાવી દેવામાં આવેલો. હવે મુંબઈમાં હોવ ને ત્યાં જાઓ તો ચેક કરજો, કદાચ આલિયાના ડાન્સના વાઈબ્સ મળી જાય.
જો તમારે જૂની યાદો તાજી કરવી હોય તો કપૂર ઍન્ડ સન્સ નેટફ્લિક્સ, પ્રાઈમ, એપલપ્લસ એમ ત્રણેક પ્લેટફોર્મ પર જોઈ શકાય છે. જોઈ નાખો.




