સમયના અવિરત વહેતા પ્રવાહમાં અમુક સ્વર માત્ર સ્વર નથી રહેતા બલકે આપણા અસ્તિત્વ અને સંવેદનાનો પડઘો બની જતા હોય છે.
હમણાં ચોથી જુલાઈએ આવા એક અમર ગાયક કિશોરકુમારની જન્મજયંતી વીતી ગઈ એ અવસરે મારા જેવા કિશોરપ્રેમીઓએ શબ્દાંજલિ અર્પી, પરંતુ સંગીત માત્ર ભૂતકાળની યાદો નથી, પણ સમયની આરપાર થતો ચમત્કાર છે.
થોડા દિવસ પહેલાં હું રંગભૂમિ-સિનેમાના હરતાફરતા જ્ઞાનકોશ નિરંજન મહેતા સાથે બેઠો હતો. એમની સાથેના વાર્તાલાપમાંથી કિશોરકુમારના સૌપ્રથમ ગુજરાતી ગીતના રેકોર્ડિંગની એક એવી અજાણી અને રસપ્રદ કથા ઊભરી આવી, જે કળા અને નિયતિના અદભુત મિલનની સાક્ષી પૂરે છે.
એ અરસામાં એટલે કે ૧૯૭0ના દાયકામાં નિરંજનભાઈ-દિગંતભાઈ ઓઝાનું ગુજરાતી ફિલ્મોના રેડિયોપ્રોગ્રામ લખવાનું, પ્રસારિત કરવાનું કામ ધૂમ ચાલતું. ૧૯૭૬માં એક દિવસ તેજસ્વી પત્રકાર-વિજ્ઞાપનકાર દિગંતભાઈએ કહ્યુઃ “આપણે આટલી બધી ફિલ્મોની પબ્લિસિટી કરીએ છીએ તો ચાલોને, એક ફિલ્મ પણ બનાવીએ.”

-અને આમ ‘લાખો ફુલાણી’ ફિલ્મનું સ્ટેજ ગોઠવાયું. કચ્છના ઈતિહાસનું અને કચ્છ-કાઠિયાવાડની લોકકથાનું એક અમર પાત્ર એટલે કચ્છમાં આવેલા કંથરોટના રાજવી લાખો ફુલાણી. પત્રકાર-લોકસાહિત્યકાર-વાર્તાકાર શિવકુમાર આચાર્યે વાર્તા-સંવાદ લખ્યાં, જ્યારે દિગંતભાઈ-નિરંજનભાઈએ પટકથા. દિગ્દર્શકઃ નરેન્દ્ર દવે. ફિલ્મનો હીરો રાજીવ અને હીરોઈન રીટા ભાદુરી. દિલ્હીથી આવેલા રાજીવની એકાદ હિંદી ફિલ્મ (‘પાલખી’) આવેલી જે ફ્લૉપ થયેલી. રીટા ભાદુરીની પણ બે-ત્રણ ફિલ્મો આવેલી. વધારે ફિલ્મો મળવાના અણસાર ન દેખાતાં એ વતન ઈન્દોર પાછી જવાની તૈયારીમાં હતી ત્યાં એને ‘લાખો ફુલાણી’ મળી.
ફિલ્મના સંગીતની બૅટન દિગંતભાઈ-નિરંજનભાઈએ સોંપી અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસને. પિતાને સહાય કરતા ગૌરાંગભાઈની સ્વતંત્ર મ્યુઝિક ડિરેક્ટર પહેલી જ ફિલ્મ. એમણે ડાયરામાં ગાતા ભાવનગરના એક યુવાન લોકગાયકનું ગીત રાખ્યુઃ “મણિયારો તે હલુ હલુ…” એ ગાયક એટલે પ્રફુલ્લ દવે. એમને સાથ આપ્યો સુમન કલ્યાણપુરે. તખતદાન ગઢવીની રચના.
એક દિવસ દિગંતભાઈને તુક્કો સૂઝ્યો કે “આમાં એક ગીત કિશોરકુમાર પાસે ગવડાવીએ તો?”

આગળની વાત નિરંજનભાઈના શબ્દોમાં.
“અમે અવિનાશભાઈને વિચાર જણાવ્યો. એમણે તપાસ કરી તો ખબર પડી કે કિશોરકુમાર મુંબઈના ‘ફેમસ સ્ટુડિયો’માં રેકોર્ડિંગ કરી રહ્યા છે. તરત મુલાકાત ગોઠવાઈ. અમે પહોંચ્યા ત્યારે એ રિહર્સલ કરી રહ્યા હતા. અમને, ખાસ તો અવિનાશભાઈને જોતાંવેંત એ દોડી આવ્યા, અવિનાશભાઈના ચરણ સ્પર્શ કરી આવવાનું પ્રયોજન પૂછ્યું. અવિનાશભાઈએ જણાવ્યું તો કિશોરદા ચોંક્યાઃ “ગુજરાતી ગીત? ના ભાઈ ના…” પણ જ્યારે એમણે જાણ્યું કે આ ફિલ્મથી અવિનાશભાઈના પુત્ર સંગીતદિગ્દર્શન ક્ષેત્રે પદાર્પણ કરી રહ્યા છે એટલે તરત હા પાડી.”
આગળની ઘટના ફિલ્મના દૃશ્ય જેવી જ લાગે. જે દિવસે ‘લાખો ફુલાણી’ના ગીતનું રેકોર્ડિંગ હતું એ દિવસે કિશોરકુમારે સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલનું રેકોર્ડિંગ રદ કર્યું, કારણ એ કોઈ ચાન્સ લેવા માગતા નહોતા. “મારું પહેલું ગુજરાતી ગીત પરફેક્ટ બનવું જોઈએ.”
રેકોર્ડિંગ પહેલાં નિરંજનભાઈએ એમને દેવનાગરી લિપિમાં ગીત લખીને આપ્યું, પણ કિશોરદા કહેઃ “એમ નહીં. તમે ગીત ગાતા જાઓ, હું મારી રીતે શબ્દો પકડીને લખતો જઈશ. પછી કંઈ ભૂલ પડે તો આપણે રિટેક કરીશું.”
નિરંજનભાઈએ એમને ગીત સંભળાવ્યું, જે એમણે લખ્યું. પછી બે-ત્રણ વાર વાંચી ગયા, અમુક ઉચ્ચારમાં કન્ફ્યુઝન લાગ્યું એ વિશે પૃચ્છા કરી.
-અને રેકોર્ડિંગ શરૂ થયું. કમાલની વાત એ કે રિટેકની જરૂર જ ન પડી- ફર્સ્ટ ટેકમાં જ સોંગ રેકોર્ડ થઈ ગયું. વધુ એક અદભુત વાત- આ ગીત માટે કિશોરકુમારે પૈસા પણ ચાર્જ ન કર્યાઃ અવિનાશભાઈના દીકરાની કરિયરની પહેલી ફિલ્મ છે. એને માટે પૈસા ન લેવાય.

આમ કિશોરકુમારના સ્વરમાં ગવાયેલું પહેલું ગુજરાતી ગીત એમના ભાઈ અનુપકુમાર પર ચિત્રિત થયું. જો કે અવિનાશભાઈએ લખેલા એ કોમેડી સોંગ “ગાઓ સૌ સાથે તમને બજરંગ બલીની આણ છે” એમાં “નારી નરકની ખાણ છે” શબ્દો સામે સેન્સરના અધિકારીઓને વાંધો પડ્યો. ઈમરજન્સીનો એ કાળ હતો. ગીતની એક પંક્તિ ફિલ્મની રિલીઝને ખોરંભે ચડાવી શકે એવા સંજોગ સર્જાયા. નિરંજનભાઈએ તરત નિર્ણય લઈ એ ત્રણ શબ્દો મ્યુટ કરી ફિલ્મ રિલીઝ કરી દીધી.
આશરે સવાછ લાખ રૂપિયામાં બનેલી ‘લાખો ફુલાણી’ને વિતરકે સાડાપાંચ લાખ રૂપિયામાં ખરીદી. બૉક્સ ઑફિસના કલેક્શનમાંથી થયેલી કમાણીમાંથી ભાગ આપવાની વાત હતી, પણ એવું કંઈ બન્યું નહીં. પરિણામે ૧૯૭0ના દાયકામાં નિરંજનભાઈ-દિગંતભાઈએ પંચોતેર હજાર રૂપિયાની ખોટ ખાધી.
પણ આ કથા ખોટ પર અટકતી નથી, કારણ કેટલીક ફિલ્મોનાં નફા-નુકસાન, એનું મૂલ્ય બૅલેન્સશીટમાં નહીં, પરંતુ ઈતિહાસમાં દેખાય છે. લાખો ફુલાણીએ રાજીવ, રીટા ભાદુરી, ગૌરાંગ વ્યાસ અને પ્રફુલ્લ દવેની કારકિર્દીને નવો ઘાટ આપ્યો, કિશોરકુમારે તે પછી ડઝનેક ગુજરાતી ગીતો ગાયાં.




