હાલ દેશભરમાં અને દુનિયાભરમાં જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં શ્રી
ગણેશોત્સવ ધામધૂમથી ઊજવાઈ રહ્યો છે. બાપ્પાના આગમન સાથે મનમાં પણ જાણે કોઈ જૂનો પડદો ઊઘડે છે. અને બાપ્પાના વાહન મૂષકની જેમ મન આમતેમ દોડાદોડી કરતું સીધું ‘બચપન કી યાદેં’માં પહોંચી જાય છે અને સામે આવી જાય છેઃ ધર્મેન્દ્રની ફિલ્મો, અમિતાભનાં હૉર્ડિંગ્સ, ‘મહેશકુમાર એન્ડ પાર્ટી’નું ઑર્કેસ્ટ્રા અને ગલીમાં ખડાં થયેલાં ટેમ્પરરી સિનેમાઘર… ગણેશોત્સવ માત્ર ભક્તિનો ઉત્સવ નહોતો, એ મુંબઈની મારા જેવી આખી જનરેશનનું મનોરંજન હતું.
મને યાદ છે, ઈશાન મુંબઈના પરા ઘાટકોપરના અમારા ઘરેથી પપ્પા અમને—ભાઈ-બહેનને—ટેક્સી કરીને ચેંબુરના પ્રખ્યાત ‘આર. કે. સ્ટુડિયો’માં લઈ ગયેલા, જ્યાં પરિવારના મોભી પૃથ્વીરાજ કપૂરના કાળથી ગણેશસ્થાપનાની સુદીર્ઘ પરંપરા હતી. અમે ગયેલા તે દિવસે શશી કપૂરની ફિલ્મ ‘બૂઢે મામા જવાન સપને’ નામની ફિલ્મનું મુહૂર્ત થયેલું. મુહૂર્ત શોટ બાદ સૌને પેંડા વહેંચવામાં આવ્યા. જો કે ફિલ્મ મુહૂર્તથી આગળ વધી જ નહીં એ જુદી વાત, પણ એ દિવસે સેટ્સ પર મહાનની કક્ષામાં આવતા કલાકારોને જોઈને અમારી આંખો પહોળી થઈ ગયેલી! ‘આર.કે. બેનર’ના મોભી રાજ કપૂરની વિદાયનાં થોડાં વર્ષો બાદ ત્યાં ગણેશોત્સવની પરંપરા લુપ્ત થઈ ગઈ. બલકે, એ જગ્યા જ હવે ‘આર.કે.’ લોકોની રહી નથી.

ગણેશોત્સવ અને ટિન્સેલ-ગ્લિસરીનની દુનિયાના સંબંધની વાત નીકળે ત્યારે આ સંબંધમાં આવેલા પરિવર્તનની વાત પણ કરવી પડે. મનોરંજનનગરી મુંબઈમાં છેલ્લા થોડા સમયથી એક અલ્ટિમેટ ફિલ્મી સીન કન્ફર્મ જોવા મળે છેઃ નાના-મોટા સેલેબ્સનું પંડાલ-હોપિંગ અથવા પ્રતિષ્ઠિત જાહેર શ્રી ગણેશોત્સવમાં હાજરી આપી બાપ્પાના આશીર્વાદ લેવા. એમ તો નીતા-મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયામાં ગણેશજીનાં દર્શન કરવા લગભગ આખી સિનેસૃષ્ટિ ઊમટી પડી હતી.
બીજી તરફ સેલિબ્રિટીનો એક વર્ગ સાતત્યથી ઘરે ગણેશજીનું સ્થાપન કરે છે. પછી એ સલમાન ખાનના ઘરના સર્વધર્મસમભાવનો મેસેજ આપતા ગણપતિ હોય કે માધુરી દીક્ષિત, શિલ્પા શેટ્ટી, સોનાલી બેન્દ્રેના ઘરમાં થતી લાઈવ પૂજા- આફરો ચડી જાય એ હદે મનોરંજનની દુનિયાના સમાચારો આપતા ઈન્ટરનેટવાળાઓ માટે સેલેબ્સની ગણેશસ્થાપના અને વિસર્જન જાણે રેડીમેડ ન્યુસ બની જાય છે, ઈન્સ્ટાગ્રામ પર એની લાખ્ખો પોસ્ટ ઠલવાય છે.

પરંતુ ઈન્ટરનેટના આગમન પહેલાંના સુવર્ણયુગમાં સાર્વજનિક ગણેશોત્સવની ધક્કામુક્કીમાંથી રસ્તો કાઢીને આગામી ફિલ્મોનાં પોસ્ટર્સનું ભવ્ય અનાવરણ કરવામાં આવતું. ક્યાંક મંડપના પ્રવેશદ્વાર પર આગામી ફિલ્મોનાં જંગી પોસ્ટર્સ અને હૉર્ડિંગ્સના સેટઅપ ઊભા કરવામાં આવતા. સિત્તેરના એ ગોલ્ડન દાયકામાં ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, રાજેશ ખન્ના, વિનોદ ખન્ના, અમિતાભ બચ્ચનની ફિલ્મોનાં હૉર્ડિંગ્સ ચમકતાં. આમ જનતા સુધી પોતાની ફિલ્મનો સંદેશ પહોંચાડવાનો આ સુપરહિટ એક્શન પ્લાન હતો, અને છે.
-પણ ગણેશોત્સવની ફિલ્મી કહાની અહીં પૂરી થતી નથી.
આજના ડિજિટલ જમાનાની પેઢી—જેન-ઝી કે જેન-આલ્ફા—કદાચ ગલી ક્રિકેટ વિશે જાણતી હશે, પણ રે… રે… અરેરે… ગલી પિક્ચરની થ્રિલથી એ વંચિત રહી ગઈ છે એની અમોને ભારે ગ્લાનિ છે. મારા જેવા પચાસ-સાઠ વટાવી ચૂકેલા સિનેમાપ્રેમીઓ જો ફ્લૅશબૅકમાં જાય તો તેમને યાદ આવશે કે 1960-1970ના દાયકામાં મુંબઈના વિવિધ વિસ્તારોમાં ગણેશોત્સવમાં બે પ્રકારનાં મનોરંજનની ગેરંટી મળતીઃ ઓર્કેસ્ટ્રા અને ગલી પિક્ચર.

તે વખતે આસપાસના વિસ્તારના મંડપોની બહાર બ્લેકબોર્ડ પર ‘આજ રાત કા કાર્યક્રમ’ શું છે એની ઉત્સુકતા રહેતી. પિક્ચરનું નામ અથવા ઓર્કેસ્ટ્રાના કલાકારનાં નામ. એમાં ‘મહેશકુમાર એન્ડ પાર્ટી’ તથા સ્ત્રી-પુરુષ સિંગર્સના અવાજ કાઢનારાં પ્રતિભાશાળી બહેન મિલનસિંહ ફેમસ હતાં.
શો શરૂ થવાના કલાકેક પહેલાં તાડપત્રી પર પલાંઠી વાળીને બેસી જવાનું. જરા મોભો હોય તો ખુરશીની વ્યવસ્થા થઈ જાય! કોઈ વળી ઘરની ખુરશી કે નાનાં ટેબલનો પ્રબંધ કરે, એ ગમે તે હોય, મેઈન વાત તો એક જ- પિક્ચર જોવું. પરદા પર ધર્મેન્દ્ર આવે, વિલન શેટ્ટી સાથે મારામારી શરૂ થાય એટલે ચિચિયારીઓ, સીટી અને તાળીઓનો વરસાદ શરૂ થઈ જાય! તો અનેક વાર વણનોતર્યા મહેમાનની જેમ આવી ચડતો વરસાદ મૂડનો પોપટ કરી નાખતો. સિનેમા જોવા બેઠેલા લોકો કરતાં તાડપત્રી અને સફેદ પરદાની હાલત વધુ દયનીય બની જતી.
તે વખતે સાર્વજનિક ગણેશોત્સવ માટે ફાળો ઉઘરાવતી વખતે કાર્યકરો ફાળાની રસીદ સાથે મનોરંજનની માહિતી પણ આપતાઃ ‘આ વખતે ધર્મેન્દ્રનું ‘યકીન’ લાવવાના છીએ…’ અથવા… ‘અમુક-તમુક મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા રાખવાના છીએ,’ જેથી ફાળો આપનારને પણ ખબર પડે બાપ્પાની સેવા, લાડુના પ્રસાદ સાથે આ વખતે મનોરંજનમાં શું મળવાનું છે.

આજે સેલેબ્સ બાપ્પાના દર્શન કરવા આવે છે, કેમેરા ફ્લૅશ થાય છે, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ ચડે છે અને ગણેશોત્સવ પણ ડિજિટલ થઈ ગયો છે, પણ ક્યારેક કોઈ જૂના ગણેશ પંડાલની બાજુમાંથી પસાર થતી વખતે મન અટકી જાય છે.
ભલે સમયે પરદા બદલી નાખ્યા, મનોરંજનની રીત બદલી નાખી, મંડપના દેખાવ-ડેકોરેશન બદલાઈ ગયાં, પણ બાપ્પા સાથે જોડાયેલી યાદોનું વિસર્જન ક્યારેય થશે નહીં. એ તો દર વર્ષે ગણેશોત્સવ આવે ત્યારે ફરી એક વાર મનના પડદા પર જીવંત થઈ જતી હોય છે.




