રિયલ લાઈફમાં બચ્ચન બનવાની સાઈડ ઈફેક્ટ

મુંબઈમાં એક સારી, પ્રતિષ્ઠિત હૉસ્પિટલ છે. નામ એનું ‘એચબીટી ટ્રોમા કૅર હૉસ્પિટલ’. થોડા દિવસ પહેલાં આ હૉસ્પિટલના એક રેસિડેન્ટ ડૉક્ટર પર ગંભીર આક્ષેપો થયા. આક્ષેપ છાપે ચઢ્યો ને મામલો ગરમાયો. છાપાના અહેવાલ મુજબ નિવાસી ડાગટર સાહેબ ઈમરજન્સી કૉલ પર નશાની હાલતમાં ઈસ્પિતાલ પર પહોંચ્યા, પણ ગંભીર હાલતમાં ઍડમિટ થયેલા બાળકની તપાસમાં ગલ્લાંતલ્લાં કર્યા અને, ઉપરથી દર્દીનાં સગાંવહાલાં તથા હૉસ્પિટલ સ્ટાફ સાથે ઝઘડા કર્યા, એમની સાથે એલફેલ ભાષામાં બોલ્યા. વાત વધી પડતાં હૉસ્પિટલના સત્તાવાળાઓએ ડૉક્ટર સામે તપાસ-સમિતિ બેસાડી છે, ને સફેદ કોટવાળા એ સાહેબના માથે સસ્પેન્શનની તલવાર પણ લટકી રહી છે.

છાપામાં આ સમાચાર વાંચીને મારું મર્કટ જેવું મન હૂપાહૂપ કરતું 1997માં પહોંચી જાય છે. આ એ વર્ષ હતું, જેમાં અમિતાભ બચ્ચનનું રૂપેરી પરદા પર લાંબા અરસા બાદ પુનરાગમન થયું હતું. 1992માં મુકુલ આનંદની ‘ખુદા ગવાહ’ મૂવીમાં શ્રીદેવી સાથે “તૂ મુઝે કુબૂલ મૈં તુઝે કુબૂલ” એવું ગાયન ગાઈને અમિતાભ બચ્ચન સાહેબ પાંચેક વર્ષની રજા પર ઊતરી ગયા.

પાંચ વર્ષ બાદ પુનરાગમનવાળી ફિલ્મ હતીઃ ‘મૃત્યુદાતા’. મેહુલ કુમાર દિગ્દર્શત આ ફિલ્મમાં બચ્ચન સરે ડૉક્ટર રામ પ્રસાદ ઘાયલની ભૂમિકા ભજવી છે, જેઓ શહેરના નામાંકિત સર્જન હોય છે, ભલભલાં અટપટાં ઑપરેશન એ કુશળતાપૂર્વક કરતા, પણ એમનો એક જ પ્રોબ્લેમઃ તેઓશ્રી હૉસ્પિટલમાં ચિક્કાર ઢીંચીને, લથડિયા ખાતાં ખાતાં ડ્યુટી પર આવે. જો કે તાજા સમાચારમાં ચમકેલા રિયલ ડૉક્ટરથી વિપરીત, ડૉ. રામ પ્રસાદ ઘાયલ ઝૂલતા ઝૂલતા આવતા, પણ ઑપરેશન થિયેટરમાં જઈને કામિયાબ ઑપરેશન કરતા, જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતાં મરીઝનો જીવ બચાવી લેતા. ‘મૃત્યુદાતા’માં મિસ્ટર બચ્ચન ઉપરાંત ડિમ્પલ કાપડિયા, કરિશ્મા કપૂર, પરેશ રાવલ, વગેરે હતાં.

ફિલ્મમાં બચ્ચન સરના આવા સીન જોઈને મને તે વખતે બહુ નવાઈ લાગેલીઃ આવડા મોટા ડૉક્ટર, દારૂ પીને આવે? એવી હાલતમાં સક્સેસફુલ સર્જરી પણ કરે? એમ તો વર્ષો પહેલાં ઈશાન મુંબઈના પરા ઘાટકોપરમાં અમારા એક ફેમિલી ડૉક્ટર હતા, તે ચેઈન સ્મોકર હતા. ચેમ્બરમાં દાખલ થઈને એમને શોધવા પડે એટલો ધુમાડો અંદર હતો. અનેક વાર બે હોઠ વચ્ચે સિગારેટ દબાવીને, ધુમાડા કાઢતા કાઢતા એ દર્દીને ચેક કરતા, પણ દારૂ…?

ફિલ્મ જોયા બાદ ટોક-વિધિન ટોકમાં મેં ‘મૃત્યુદાતા’ના ડિરેક્ટર મેહુલ કુમારને આ વિશે પૂછ્યું તો એ કહેઃ ‘જુઓ, ડૉક્ટર ઘાયલનું પાત્ર, એમના સીન રિયલ-લાઈફ કૅરેક્ટર પર આધારિત છે. મુંબઈની એક નામાંકિત હૉસ્પિટલમાં મેં મારી નરી આંખે આવા દાક્તર જોયા છે.’ જવાબ સાંભળીને મારી બોલતી બંધ.

બાકી બચ્ચન સરના ડ્રંક સીન્સને બોલિવૂડમાં અલગ જ લેવલના માનવામાં આવે છે. ‘અમર અકબર એન્થની’નો મિરર સીન આજે પણ બેસ્ટ ડ્રંક પરફોરમન્સ ગણાય છે. જો કે ખુદ અમિતાભ બચ્ચને કહ્યું છે કે એમનો પહેલો ડ્રંક સીન હૃષીકેશ મુખર્જીની ‘મિલી’માં હતો. પ્રકાશ મેહરાએ એમને લઈને ફિલ્મ ઉતારી ને શીર્ષક જ રાખ્યું ‘શરાબી’. એક સોંગમાં એ કહે છેઃ “ખેલ રિસ્કી થા વ્હિસ્કીને કિયા બેડા પાર”… મનમોહન દેસાઈની ‘સુહાગ’માં એમણે રેખા આગળ સંયમની એક્ઝામ આપેલી. રેખા એમને દારૂની બોટલ દેખાડીને ગાય છેઃ “મસ્ત નઝર સે મૈં જામ તોડ દૂંગી, પીને નહીં દુંગી મૈં પિને નહીં દૂંગી… ઈમ્તહાન હૈએએએએ”… ‘સત્તે પે સત્તા’નો બચ્ચન-અમજદ ખાનની દારૂની લાંબી સેશનનો સીન પણ યાદગાર છેઃ “દારૂ પીને સે લીવર ખરાબ હો જાતા હૈ”. મુકુલ આનંદની હમ ફિલિમમાં ટાઈગર બનેલા બચ્ચન સર એમના દોસ્ત ગોન્સાલ્વિસ (રોમેશ શર્મા) સાથે ચિક્કાર ઢીંચીને ટૉક્સ કરે છેઃ “ઈસ દુનિયા મેં દો તરહ કા કિડા હોતા હૈ”…

બચ્ચન સરના જોડીદાર ધર્મેન્દ્ર પાજીનો રામગઢની પાણીની ટાંકી પર ચડીને દારૂ પીવાનો ‘શોલે’ સીન પણ આઈકનિક ગણાય. જો કે હિંદી સિનેમામાં દારૂડિયાના બ્રાન્ડ એમ્બેસેડર કેસ્ટો મુખર્જી ગણાય (‘શોલે’માં કેસ્ટો જેલમાં હતા એટલે સોબર રહ્યા). નવા જમાનામાં, કંગના રણોટે ‘ક્વીન’માં અને વિકી કૌશલે ‘મસાન’, ‘મનમર્ઝિયાં’, ‘સરદાર ઉધમ’, ‘સંજુ’ જેવી ફિલ્મોમાં અસરકારક ડ્રન્ક સીન્સ ભજવ્યા. ‘મુન્નાભાઈ એમબીબીએસ’નો સરકીટ-મુન્નાભાઈનો ઈમોશનલ ડ્રન્ક સીન પણ યાદ આવે.

આ તો મુંબઈના હૉસ્પિટલ-કાંડના સમાચાર વાંચતાં મૃત્યુદાતા યાદ આવી ગઈ. બાકી, કલ્પના અને વાસ્તવિકતામાં ફરક એટલો કે ફિલ્મમાં દારૂ પીને એન્ટ્રી કરીને પણ અમિતાભ ઑપરેશન થિયેટરમાં હીરો બની જાય, જ્યારે રિયલ લાઈફમાં આ ટાઈપની એન્ટ્રી સસ્પેન્શન અને ઈન્ક્વાયરી કમિટી તરફ લઈ જાય.