કાશ્મીરના કેસર ઊગાડતા ખેડૂતો કેમ ખુશ છે?

કાશ્મીરના પુલવામા જિલ્લામાં કેસરની ખેતી થાય છે. આસપાસના 226 ગામોમાં કેસરના બગીચાનું દ્રશ્ય અત્યારે બહુ રમણીય લાગતું હોય છે. કેસરના છોડની માથે રંગીન ફૂલો બેઠા હોય અને શિયાળો બેસવાની તૈયારીમાં હોય. બરફ વર્ષા થાય તે પહેલાં કેસર તૈયાર થઈ જાય અને સારો પાક આવે ત્યારે ખેડૂતો ખુશ. તે પછીના શિયાળાના છ મહિના ખુશીથી પસાર થઈ જાય.

આ વખતે કાશ્મીરના કેસર ઉગાડતાં ખેડૂતો વધારે ખુશ છે, કેમ કે આ વખતે છેલ્લે સુધી વરસાદ વરસતો રહ્યો અને હવે પોરો ખાધો છે. વરસાદે પોરો ખાધો એટલે વધારે ખુશ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા બરાબર દીવાળી ટાંકણે ચિંતામાં છે, કેમ કે છેલ્લે છેલ્લે વધુ એક રાઉન્ડ વરસાદનો આવી રહ્યો છે તે ચિંતા કરાવે છે. તેની સામે કાશ્મીરમાં છેલ્લો વરસાદ સમયસર અને માપસર થયો તેથી કેસરની ખેતીને ખૂબ ફાયદાકારક છે. હવે તડકો ઓછો થઈ ગયો છે એટલે ભેજ જળવાઈ રહેશે.

કેસરના ખેડૂતોને બીજી ખુશી એ છે કે આ વખતે ‘કાશ્મીર કેસર’ એવો જિયોગ્રાફિકલ ટેગ પણ મળી ગયો છે. વિશિષ્ઠ ભૌગોલિક સ્થિતિને કારણે ઉત્તમ પાક તૈયાર થયો હોય તેને આંતરરાષ્ટ્રીય ધોરણે જિયોગ્રાફિકલ ટેગ મળે છે. પુલવામાના 226 ગામમાં પાકતા કેસરને હવે કાશ્મીર કેસરનો ટેગ મળશે. હિમાલયના પહાડોમાં અન્યત્ર પણ કેસર થાય છે, પણ આ ટેગ માત્ર આ વિસ્તારમાં પાકતાં કેસરને મળશે. ગીરની કેસર કેરી, વલસાડની હાફૂસ અને રત્નાગીરીની હાફૂસ, ભાલના ઘઉં, જાફરાબાદનો બાજરો, ડીસાના બટેટા – આવી આગવી ઓળખ હોય ત્યારે તેના ભાવ પણ વધારે આવે.

પુલવામા જિલ્લાના પંપોરમાં માર્કેટિંગ યાર્ડ આવેલું છે, પણ તેની નજીકના ગામ દૂસ્સુમાં હવે સ્પાઇસ પાર્ક તૈયાર થઈ ગયો છે. સ્પાઇસ પાર્ક એટલે કેસર માટેનું વિશેષ માર્કેટિંગ યાર્ડ. ભારતમાં સૌથી વધારે કેસર થાય છે અને મસાલા તરીકે સૌથી ઉત્તમ કેસર ગણાય છે. તેથી કેન્દ્ર સરકારમાંથી સેફ્રોન મિશન ચાલે છે. તેના ભાગરૂપે કેસરના વેચાણ માટે વિશેષ મંડી બનાવવામાં આવી છે.

અત્યાર સુધી કેસરનો પાક તૈયાર થઈ જાય એટલે કાશ્મીરના ખેડૂતો મુંબઈ સુધી તેને વેચવા માટે જતાં હતાં. સારી ક્વોલિટીના કેસરનો સારો ભાવ મેળવવા માટે દૂર સુધી જવું પડે. તેના બદલે દુનિયાભરના મસાલાના વેપારીઓ કેસર ખરીદવા એક જગ્યાએ આવે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. દાર્જિલિંગની ચા મશહૂર છે. તેની હરરાજી દાર્જિંલિંગમાં જ થાય છે. દુનિયાભરના વેપારીઓ ચા ખરીદવા માટે આવે. સાથે દાર્જિલિંગનો પ્રવાસ પણ થઈ જાય. કાશ્મીરમાં પણ કેસર ખરીદવા આવનારનો પ્રવાસ પણ થઈ જાય. પરંતુ અત્યારે કાશ્મીરમાં મુશ્કેલી એ જ છે. કેસરનો પાક સારો આવશે તેની તૈયારી થઈ ગઈ છે. કેસરની હરરાજી માંડીને મંડી પણ તૈયાર થઈ ગઈ છે, પણ ખરીદી માટે બહારથી વેપારીઓ આવશે ખરાં?

કૃષિ મંત્રાલયના પ્રોડક્શન ડિવિઝનના સેક્રેટરી મંજૂર અહમદ લોનનું માનવું છે કે કેસરના પાકને હજી વાર છે ત્યાં સુધીમાં સ્થિતિ હજી વધારે સુધરશે. સ્થાનિક વાહન વ્યવહાર ઘણા અંશે શરૂ થયો છે. બીજું સ્પાઇસ પાર્ક માટે બહારથી વેપારીઓ આવે તેને એસ્કોર્ટ્સ સાથે શ્રીનગરથી સીધા પંપોર સુધી પહોંચાડવાની વ્યવસ્થા થઈ શકે છે. દિલ્હીમાં 23 સપ્ટેમ્બરે સેફ્રન મિશન હેઠળ બેઠક થઈ હતી. તેમાં ભારત સરકારની આખરી મંજૂરી સાથે કાશ્મીર કેસરનો જિયો ટેગ મંજૂર થયો. સાથે જ કેસરની હરરાજી કાશ્મીરમાં થઈ શકે તે માટેની તૈયારીઓની ચર્ચા પણ અધિકારીઓ વચ્ચે થઈ હતી. મંજૂર અહમદનું માનવું છે કે કેસરની ખેતીને જિયો ટેગને કારણે જીવતદાન મળી ગયું છે. કેસરનો વધારે સારો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં મળશે અને વેચાણનું કામ આસાન થશે.

કાશ્મીરી ખેડૂતો પાસે બે જ રસ્તા હતાં – મુંબઈ સુધીના શહેરોમાં જઈને કેસર વેચવું. પણ તે કામ મોટા ખેડૂતો જ કરી શકતાં હતાં. નાના ખેડૂતો પોતાનું કેસર સ્થાનિક વેપારીઓને વેચી દેતાં હતાં. વેપારીઓ બહુ ઓછા ભાવે કેસર ખરીદી લેતાં હતાં. તેનો ઊંચો ભાવ તેમને મળતો હતો અને નફો વેપારીઓ ખાઈ જતાં હતાં. સ્પાઇસ પાર્કમાં જ હવે હરરાજી થવાની હોવાથી એક જ બ્રોકર વચેટિયા તરીકે રહેશે. પોતાની નજર સામે ભાવ બોલાતાં જોઈને ખેડૂતોને ખબર પડશે કે કેસરની શી કિંમત ઉપજી.

જોકે ખેડૂતો જાણે જ છે કે તેના પાકના ઊંચા ભાવ આવતાં હોય છે, પણ બજાર સુધી સીધા પહોંચવું બધાં ખેડૂતો માટે શક્ય નથી. એ વ્યવહારુ પણ નથી. કાશ્મીરી કેસરના નામે બીજું કેસર પણ વેચાતું હતું. થોડી ભેળસેળ સાથેનું કેસર પણ વેચાતું હતું. તેના બદલે જિયો ટેગ સાથે સીધું કેસર મળતું થશે તેથી આંતરરાષ્ટ્રીય વેપારીઓને અસલી કેસરની ખાતરી મળશે. મુંબઈની માર્કેટમાં ખરીદી કરતી વખતે વિશ્વાસ ન બેસે કે કેસર કાશ્મીરથી જ આવ્યું હશે. કાશ્મીરમાં જઈને જ કેસરની ખરીદી કરવાથી મસાલાના વેપારીઓને તેની ખાતરી થઈ શકે છે. બીજો એક ફાયદો એ પણ છે કે પોતાના ઉત્પાદનમાં કેસરનો મોટાપાયે ઉપયોગ કરનારા ઉત્પાદકો સીધી ખરીદી પણ કરી શકે છે.

સમયસર અને સારો વરસાદ, કેસરના વેચાણ માટેની મંડી અને જિયો ટેગ – આ ત્રણ સારી બાબતોથી ખુશ કેસરના ખેડૂતોને હજી ત્રણ બાબતોની ચિંતા પણ છે. પહેલી તો કુદરતની – જે હજી પણ છેલ્લે છેલ્લે વરસી જાય તો મુશ્કેલી પેદા કરી શકે છે. નવરાત્રિમાં પણ આ વખતે વરસાદ વરસતો રહ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ થોડું નુકસાન ખમી લીધું, ને વિચાર્યું કે નોરતાં સાથે હવે વરસાદે વિદાય લીધી, પણ ત્યાં ફરી એકવાર કેટલાક વિસ્તારમાં વરસાદ આવ્યો. તે રીતે અત્યારે કાશ્મીરમાં વરસાદ અટક્યો છે, પણ છેલ્લે એક બે ઝાપટાં નાખી જાય તો પણ કેસરના છોડ પર ઉગેલાં ફૂલ ખરી જાય.

ફાઈલ ચિત્ર

બીજી ચિંતા છે સ્પાઇસ પાર્કમાં ટ્રેડ ફેર યોજાશે ખરો, પણ તેમાં કેટલાં લોકો આવશે? સરકારની ગણતરી એવી છે કે ટ્રેડ ફેરમાં કેસરના વિદેશી ખરીદદારોને પણ લાવવા, પરંતુ કાશ્મીરની ચર્ચા સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભા વખતે એટલી થઈ હતી કે જગતભરમાં તેના પર ધ્યાન ખેંચાયું છે. કાશ્મીરમાં સ્થિતિ તંગ છે એવા અહેવાલો વિદેશી અખબારમાં આવતા રહ્યાં છે. તે સંજોગોમાં વિદેશી વેપારીઓ કેટલાં આવશે તે જોવાનું રહે છે. ભારતમાં મીડિયામાં કાશ્મીરમાં શાંતિ જ શાંતિ છે તેવું ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે. એટલી શાંતિ કાશ્મીરમાં છે કે નહીં તે ત્યાં જવા મળે પછી જ ખબર પડે. પત્રકારોને કાશ્મીરમાં હરવાફરવાની છૂટ નથી. સરકાર સારું દેખાય તેવા સ્થળે માનીતા પત્રકારોને લઈ જાય અને સારી સારી તસવીરો આવી જાય છે. ધડાકાભડાકા થઈ રહ્યાં છે તેવી વાત પણ નથી, પણ આ ઉપર ઉપરની શાંતિ છે અને ચારે બાજુ પોલીસ, અર્ધલશ્કરી દળો અને સેનાની હાજરીને કારણે શાંતિ છે. શિયાળો બેસી જાય અને બરફ છવાઈ જાય ત્યાં સુધી ઢીલ આપવામાં આવે તેવું દેખાતું નથી.

તે સંજોગોમાં ભારતના વેપારીઓ પોતાની રીતે ટ્રેડ ફેરમાં જાય તેવી શક્યતા નથી. સરકાર પોતાના પ્રયત્નોથી વેપારીઓને પંપોર સુધી લઈ જઈ શકે છે. તે માટે રાહ જોવાની રહેશે. રાબેતા મુજબ ખેડૂત કાશ્મીરનો હોય કે સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતનો હોય કે તેલંગાણાનો, છેલ્લો ઘા તેના પર જ હોય છે. કુદરત રીઝે ત્યારે બીજા ઘા પડે. સારો પાક ત્યારે ભાવ આવે નહીં. તે રીતે આ વખતે કેસરનો પાક સારો આવશે, પણ તેના વેચાણમાં મુશ્કેલી રહેવાની છે. ટ્રેડ ફેર યોજાય તો કદાચ વાંધો નહીં, નહીં તો મુશ્કેલી થવાની. કાશ્મીરના ખેડૂતો આ વખતે કેસર વેચવા ભારતના જુદા જુદા શહેરોમાં જવાનું પસંદ કરે તેવી શક્યતા ઓછી છે. જૂના અને જાણીતા સ્થાનિક વેપારીઓ ફરી એકવાર સારો પાક સસ્તામાં પડાવી લેશે.

ત્રીજી ફરિયાદ કેસરના ખેડૂતોની એ છે કે લાંબા સમયથી ટપક સિંચાઇ પદ્ધતિ માટે પાઇપલાઇનો નાખવાનું કામ ચાલી રહ્યું છે. તે કામ પૂરું જ થઈ રહ્યું નથી. સરકારી ઢબે ઠાગાઠૈયાં થઈ રહ્યાં છે. ત્રીજા ભાગના ખેતરોમાં જ પાઇપલાઇન નંખાઈ છે. બાકીના ખેતરો બાકી છે. પાઇપલાઇન નંખાઇ છે ત્યાં હજી પાણી આવતું થયું નથી.

બધાં ખેડૂતોની જેમ કેસરના ખેડૂતોની સમસ્યા સમાન છે. આવે ત્યારે જોરદાર વરસાદ આવે અને પાક બગાડે. વચ્ચેના ત્રણ ચાર વર્ષોમાં ઓછો વરસાદ હતો અને કેસરનો પાક ઓછો થયો હતો. ઓછો વરસાદ થાય ત્યારે ટપક પદ્ધતિથી છોડને પાણી મળે તે માટેની આ યોજના છે. સાથે જ બહુ વરસાદ આવે ત્યારે પૂર જેવી સ્થિતિને ટાળવા પાણીના નિકાલનું પણ આયોજન થયું છે. આ બંને આયોજનો ન જાણે ક્યારે પાર પડશે. પણ અત્યારે કાશ્મીરનો કેસરનો ખેડૂત, બીજી સમસ્યાઓ ભૂલીને ખીલેલાં ફૂલોને જોઈને ખુશ થઈ રહ્યો છે.