નોટ આઉટ @ 93 : હસિતશંકર ભચેચ

જેણે જીવનમાં પૂર્ણ-અમાસ જોઈ છે અને પૂનમનો આનંદ પણ જોયો છે તેવા ઈશ્વર-પરાયણ અને માનસિક-રીતે જાગૃત, સંગીત અને યોગના સાધક હસિતશંકર દ્રુપદશંકર ભચેચની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

જન્મ જૂનાગઢમાં, બાળપણ ગર્ભશ્રીમંત કુટુંબમાં, પર-દાદા વારાણસીમાં શ્રેષ્ઠીને ત્યાં ખજાનચી હતા. તેઓ વડનગર થઈ અમદાવાદ આવ્યા. પપ્પા સંગીત-શિક્ષક તથા યોગ-સાધક અને અભ્યાસુ. હસિતશંકર સૌથી મોટા અને પાછળ પાંચ બહેનો. તેમની કિશોર-વયે સંબંધીએ આર્થિક છેતરપીંડી કરી. તેમણે મિલકત ગુમાવી. ભરણપોષણની પણ તકલીફ થવા લાગી. તેઓ વડોદરા આવી નાના-મામા(ફ્રેંચ શિક્ષક) સાથે રહ્યા, ગુરુકુળની જેમ ઘરકામ શીખી ગયા. મ્યુનિસિપલ સ્કૂલ અને પછી ઠાકર્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. મેટ્રિક કરી L.D.આર્ટસ કોલેજ,અમદાવાદથી BA કર્યું. રમતગમતનો શોખ હતો, ખોખો, હુતુતુ રમતા, અખાડામાં જતા. સંગીત-પાઠશાળામાં નિયમિત જતા. વડોદરામાં ફૈઆઝખાનના ભત્રીજા સાથે સારો મનમેળ. ભણવામાં હોશિયાર એટલે સ્કોલરશીપ મળી. અભ્યાસ પત્યો એટલે કામ-ચલાઉ નોકરી લઈ લીધી, પછી BOBમાં જોડાયા. ઘરના સંજોગોને કારણે કાયમ પ્રમોશન જતું કર્યું. વ્યવસાયિક પ્રગતિને ઓછું મહત્વ આપ્યું. 1990માં રિટાયર થયા. પત્ની પ્રજ્ઞાબહેને બી.એડ. કર્યું હતું એટલે “બાલઘર” સ્કૂલમાં વર્ષો સુધી કામ કર્યું. લાંબુ અને અવર્ણનીય  દાંપત્ય-જીવન ભોગવી 2018માં પત્ની દેવ થયાં.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

પ્રકૃતિ-પ્રેમી વ્યક્તિ છે, સવારે એલાર્મ વગર 5:00 વાગે ઊઠે, દાતણ-પાણી કરી પ્રભુને પગે લાગે, ઓમકાર-ધ્યાન અને સ્તુતિમાં બે કલાક જાય. 9.00 વાગે ચા-નાસ્તો કરે. ઘરમાં નાની-મોટી મદદ કરે. જરૂર પડે શાક સમારી આપે, કપડા વાળે. 12:30 વાગે કુટુંબ સાથે જમવાનું. ત્યારબાદ રેડીયો પર સાંસ્કૃતિક, સામાજિક, શાસ્ત્રીય-સંગીતના પ્રોગ્રામ રોજ સાંભળવાના! બપોરે આરામ કરે. 4:00 વાગે ચા-પાણી કરે. સાંજે પણ કુટુંબ સાથે જમવાનું અને 10:30 વાગે સૂઈ જાય. મનમાં સંગીત અને ભક્તિ નિરંતર ચાલુ હોય!

શોખના વિષયો : 

સંગીતનો શોખ ભારે! રેડિયો સતત સાથે હોય! ટીવી-રેડિયો ઉપર સમાચાર જુએ, સંગીત સાંભળે. સતત આત્મચિંતન કરે. સંન્યાસ-આશ્રમની જરૂરિયાતો ઓછી હોય એટલે તેને અનુરૂપ જીવનશૈલી હોય! રમતગમતનો શોખ, એટલે જમાઈ સાથે IPLક્રિકેટ જુએ અને તેનું ડિસ્કશન કરે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

કોરોના થયો હતો. મણકાના ઓપરેશન કર્યા પછી પણ નીચે બેસી શકે છે, પ્રોસ્ટેટનું ઓપરેશન કર્યું છે, પથરીનું પણ ઓપરેશન કર્યું છે, આંખોમાં તકલીફ છે, ફક્ત પાંચ ટકા વિઝન છે.કાનની તકલીફ નથી. બીપી તથા કોલેસ્ટ્રોલની તકલીફો છે…અનેક તકલીફો વચ્ચે પણ આનંદમાં મસ્ત છે! જમવામાં ગળ્યું બહુ ભાવે, પીઝા પણ ભાવે! બધું પ્રમાણમાં ખાય.

યાદગાર પ્રસંગ:  

વેદાંતમાં પીએચડી એવા પ્રજ્ઞાચક્ષુ ગંગેશ્વરાનંદજી સર્વાનંદજી મહારાજ ઘરની સામેના બંગલામાં રહે. તેઓ કહેતા:”હસિતના મુખમાં મને ઈશ્વરના દર્શન થાય છે!” હસિતભાઈને વેદાંતમાં તૈયાર કરવા તેમણે પિતા પાસે હસિતભાઈની માંગણી કરી હતી! પિતા સાધુ-સંતોની સેવા કરે એટલે આશીર્વાદ મળેલા. આનંદ-લેહરીમાતાજી સાક્ષાત-રૂપે દર્શન આપે. એકવાર ભુજ નજીકના જંગલમાં પિતા રાતના તેમને સાથે લઈ સ્વાધ્યાય કરવા ગયા. જંગલમાં દીપડો આવ્યો, બે આંખો દેખાય! તેમને બીક લાગી! તરત જ માતાએ આવી કૂતરાની જેમ દીપડાને રમાડ્યો, તેને માથે  હાથ ફેરવ્યો અને દીપડો શાંતિથી જતો રહ્યો!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજીનો ઉપયોગ ઓછો કરે છે, રેડિયો અને મોબાઈલ વાપરે છે, ટેકનોલોજી માટે પોઝિટિવ છે. આપણા શાસ્ત્રોમાં આ બધી ટેકનોલોજીનો ઉપયોગ વર્ણવેલો જ છે, આ તો જૂની વસ્તુ નવા સ્વરૂપે આવી છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

“શું-શા-પૈસા-ચાર” કહીને ગુજરાતીઓને ઊતારી પાડતા. એક ગુજરાતીએ આજે ભારતને કેટલું આગળ વધાર્યું છે! તેમનું બહુમાન છે! ગામડા સમૃદ્ધ હતાં, ત્યારે લોકોને શહેરનું આકર્ષણ હતું. હવે વળી પાછા લોકો ગામડા તરફ જઈ રહ્યા છે. જૂની રીતો નવા વસ્ત્રો પહેરીને પાછી આવી રહી છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો

ત્રણ દીકરીઓ વેલ-સેટલ છે, પોતાના પ્રોફેશનમાં, સંગીત અને નૃત્યમાં પ્રવીણ છે. તેઓ હાલ નાની દીકરી માધવી ઝાલા સાથે રહે છે. બે દોહિત્રી અને બે દોહીત્રો સાથે સારો સંવાદ છે.

સંદેશો : 

અભિમાન વગરનું, સંતોષ-સાદગીવાળું જીવન જીવો. જે મળવાનું હશે તે મળશે જ! જીવનને ઉર્ધ્વગામી બનાવો. પવિત્રતા, નીતિ-પરાયણતા, પ્રામાણિકતા, પ્રેમ, વહાલ, દયા, પ્રસન્નતા, આનંદ જીવનમાં હશે તો મનવાંછિત ફળ ચોક્કસ મળશે.

શિવ શિવ શિવ ભોળા, આવ્યો દ્વાર તારે,

હર હર હર શંભુ, તું વિના કોણ તારે?!