પેટમાં પોઢતાં સાંભળે છે બાળ…

આપણે મહાભારતમાં સાંભળ્યું છે કે ચક્રવ્યૂહના છ કોઠા વિંધવાનું જ્ઞાન અભિમન્યુને માતાના પેટમાંથી જ મળ્યું હતું. જીજીબાઇનાં હાલરડામાં પણ ‘પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત’ શિવાજીને ગર્ભમાં જ મળેલા સંસ્કારોની વાત છે. આપણી ભારતીય સંસ્કૃતિ ચોક્કસપણે એવું સ્વીકારે છે કે સંતાનનું સંસ્કાર ઘડતર માતાનાં ગર્ભમાંથી જ શરુ થાય છે.

સમયાંતરે ભૂલાઈ ગયેલા ગર્ભસંસ્કારના આ સિદ્ધાંતને ફરી જાગૃત કરવા અને સશક્ત-સંસ્કારી હોય એવી નવી પેઢીના નિર્માણ માટે અમદાવાદના રાજેશભાઈ શાહે કમર કસી છે .

ચાની કીટલી, પાનના ગલ્લા અને મોબાઇલની લતમાં વેડફાતા આજના યુવાધનને જોઈને રાજેશભાઈને વિચાર આવ્યો કે જો આ જ રીતે દેશનું યુવાધન વેડફાતું રહેશે તો દેશ સામાજિક રીતે તો કંગાળ થશે જ,  પણ એની ઘણી અસરો પણ ભાવિ પેઢી ઉપર પડશે. એમણે પોતાનો અજંપો ધર્મગુરુ પૂ. ચંદ્રશેખર વિજયજી મહારાજસાહેબને જણાવ્યો. શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજસાહેબે રાજેશભાઈને ગર્ભ સંસ્કાર એટલે કે ભાવિ પેઢીને માતાના ગર્ભમાંથી જ સદગુણી બનાવવાનો ઉપાય જણાવી ગુજરાત વિદ્યાપીઠમાં જઈને જૈનોલોજીનો અભ્યાસ કરી અને સમાજક્ષેત્રે ઉત્તમ યોગદાન આપવાની પ્રેરણા આપી.

વ્યવસાયે કોમર્સના અધ્યાપક અને ટ્યુશન ક્લાસીસ દ્વારા અઢળક આવક મેળવનાર રાજેશભાઈએ આ કામ માટે પોતાના ટ્યુશન ક્લાસીસ બંધ કર્યા. નોકરીને પણ તિલાંજલી આપી. ગર્ભાવસ્થાના મુખ્ય ત્રણ તબક્કા દરમિયાન બાળકમાં ઉત્તમ રીતે આરુઢ થઈ શકતાં સંસ્કાર અંગેની સમજ લેવા વિદ્યાપીઠમાં જૈનોલોજીનો અભ્યાસ કર્યો. એ પછી તેમણે એમ. ફિલ. પણ કર્યું અને હાલ એ ગર્ભસંસ્કાર ઉપર ડોક્ટરેટ કરી રહ્યા છે.

ગર્ભ સંસ્કાર વિશે વાત કરતાં રાજેશભાઈ ચિત્રલેખા.કોમ ને કહે છે, ‘દિવ્ય અને ચારિત્ર્યવાન બાળકની પ્રાપ્તિ માટે ગર્ભાવસ્થાથી પણ પહેલા જ તેનું સંસ્કાર ઘડતર કરવું પડે છે. દિવ્ય બાળકના માતા-પિતા થવું સરળ નથી. ગર્ભાધાનથી પણ પહેલા તેનું પ્લાનિંગ મહત્વનું છે .’

જૈનોલોજીનું ભણ્યા પછી રાજેશભાઈ હાલ અનેક યુગલને ગર્ભાધાન પ્લાનિંગનો તબક્કો, ગર્ભાવસ્થાનો તબક્કો અને બાળકનાં જન્મ પછીનાં શરૂઆતના સમય દરમિયાન પણ બાળકના સંસ્કાર ઘડતર માટે ધ્યાન રાખવા આ અંગે માર્ગદર્શન આપે છે.

રાજેશભાઈ કહે છે, ‘જે શિક્ષિત અને સંસ્કારી સમાજની અપેક્ષા આપણે રાખીએ છીએ કે એનું આપણે નિર્માણ કરી શક્યા નથી. ગમે તેટલા કાયદા કડક બનાવીએ તો પણ સમાજમાં ગુના ઓછા થતા નથી એટલે સ્વચ્છ સમાજ માટે પણ ગર્ભાવસ્થાની જ સંતાનનું સંસ્કાર ઘડતર જરૂરી છે.’

મનુસ્મૃતિ અને સુશ્રુતસંહિતા જેવા પ્રાચીન ગ્રંથોનો સંદર્ભ ટાંકતા રાજેશભાઈ કહે છે કે ગર્ભસંસ્કારની પદ્ધતિ અંગે પૌરાણિક શાસ્ત્ર મનુસ્મૃતિમાં જણાવેલ સિદ્ધાંત મુજબ ગર્ભાધાનનાં પ્લાનિંગ દરમિયાન જ  ૬૦ ટકા, પ્રેગ્નન્સી દરમિયાન 30 ટકા અને જન્મ પછી ૧૦ ટકા બાળકનું સંસ્કાર ઘડતર થઈ શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન પણ મેડિકલ સારવાર ઉપરાંત આયુર્વેદિક ઔષધની સહાય લેવા રાજેશભાઈ ગર્ભવતી બહેનોને સમજાવે છે. એટલું જ નહીં તેમના આહાર, વિહાર, વ્યાયામ અને ખાસ તો ગર્ભાવસ્થા દરમિયાન હકારાત્મક ઊર્જાના આહવાન માટેની સમજણ અને ચિકિત્સા સંદર્ભે પણ એ માર્ગદર્શન આપે છે. એ છે કે શરીર શુદ્ધિકરણ, મન શુદ્ધિકરણ અને છેલ્લે બીજ શુદ્ધિકરણ સંસ્કારી અને સશક્ત બાળકના જન્મ માટે જરૂરી હોય છે.

ગર્ભાધાનમાં નિષ્ફળ ગયેલાં ૯૦૦ યુગલને  ઘેર આયુર્વેદિક સારવાર દ્વારા પારણું બંધાવવામાં પણ સફળ થયા હોવાનો એમનો દાવો છે. એમની અંગત લાયબ્રેરીમાં ગર્ભસંસ્કારને લગતાં ૫૦૦૦ પુસ્તકો છે.

મોટી ઉમરે થતાં લગ્ન અને નો-ચાઇલ્ડનો કન્સેપ્ટ સમાજ માટે સો ટકા હાનિકારક હોવાનું માનતા રાજેશભાઈ raise the height of purity  સૂત્રમાં વિશ્વાસ કરે છે. એ માને છે કે સાત્વિક મનોવૃત્તિ ધરાવતા સ્વસ્થ શરીરના બીજના શુદ્ધિકરણના પ્રભાવમાં જન્મેલું બાળક વધુ તેજસ્વી હોય છે.

રાજેશભાઈ કહે છે કે દેશભક્તિ દર્શાવવા માટે ફક્ત સરહદ પર જઈને બંદૂક ઉઠાવવી જરૂરી નથી, પરંતુ સમાજને સંસ્કારી, સશક્ત અને હકારાત્મક અભિગમ ધરાવતું બાળક આપવું પણ મોટી દેશભક્તિ છે કારણ કે તેનાથી આ પેઢી નહીં તો પછીની પેઢીએ એક મજબૂત દેશનું નિર્માણ અવશ્ય થશે.

(ગોપાલી બુચ)