જો આવું ભારતમાં થયું હોત તો હોબાળો મચી ગયો હોત. મોદી સરકાર પર અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે તડાપીટ બોલી હોત, પરંતુ આ વાત કેનેડાની છે. કેનેડાની સરકારના વિભાગોએ કોઈપણ જાતનો ઢોલ પીટ્યાં વગર ચૂપચાપ ૨૨,૦૦૦ ફેસબૂક અને ટ્વિટર ખાતાં બંધ કરી દીધાં છે.જાન્યુઆરી ૨૦૧૬થી અત્યાર સુધીમાં સરકારી સૉશિઅલ મીડિયા ખાતાંઓમાંથી સત્તાવાર સંદેશાઓ અને વાચકોની ટીપ્પણીઓ એમ મળીને કુલ ૧,૫૦૦ પૉસ્ટ ડિલીટ કરી દેવામાં આવી છે. આ બાબતની ખબર ત્યારે પડી જ્યારે વિરોધ પક્ષોના સાંસદોએ હાઉસ ઑફ કૉમન્સ (આપણી લોકસભા જેવું)માં પ્રશ્નો ઉઠાવ્યાં. ત્યારે અનેક મંત્રાલયોએ કહ્યું કે તેઓ કંઈ એ બધી માહિતી નથી રાખતાં કે તેમણે કેટલા વપરાશકારોને બ્લૉક કર્યા કે કેટલી પૉસ્ટ ડિલીટ કરી.
સ્પષ્ટ છે કે કેટલાં કેનેડાવાસીઓને આનાથી અસર થઈ છે તે જાણી શકાયું નથી. એ પણ માહિતી નથી કે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકાર આવી તે પહેલાં કેટલી પૉસ્ટ ડિલીટ કરી દેવાઈ કે કેટલા વપરાશકારોને બ્લૉક કરી દેવાયાં.
પર્યાવરણપ્રધાન કેથરિન મેક્કેન્નાએ તેમના સત્તાવાર મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટમાંથી ટ્વીટ કરીને સીરિયા પેરિસ ક્લાઇમેન્ટ ચેન્જના કરારમાં જોડાયું તેની પ્રશંસા કરી તેનાથી તેમના પર તડાપીટ બોલી હતી. તેમની પૉસ્ટ ડિલીટ કરી દેવાઈ. મેક્કેન્નાએ જાહેર કર્યું હતું કે તેમનું ટ્વીટ ડિલીટ કરી દેવાયું છે. આથી હાઉસ ઑફ કૉમન્સમાં અપાયેલા આંકડામાં જાણવા મળ્યું કે ૧ જાન્યુઆરી ૨૦૧૬થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીમાં અન્ય ૯૭ પૉસ્ટ ડિલીટ કરી દેવાઈ હતી.આનું કારણ શું? મેક્કેન્નાએ હસ્તાક્ષર કરેલા તેમના મંત્રાલયના જવાબ મુજબ, જે પૉસ્ટ ટ્રૅઝરી બૉર્ડની નીતિ અને સૂચના સાથે મેળ નહોતી ખાતી અથવા જેમાં માહિતી, વ્યાકરણ કે દ્રશ્યની રીતે ભૂલો સુધારવી જરુરી હતી અથવા બંને સત્તાવાર ભાષામાં પૂરતી સેવા સુનિશ્ચિત કરવી જરૂરી હતી તે પૉસ્ટ ડિલીટ કરી દેવાઈ છે. ટ્રૅઝરી બૉર્ડ સરકારના સંદેશાવ્યવહાર જેમાં સૉશિઅલ મીડિયાનો પણ સમાવેશ થાય છે તેના માટે નિયમો નક્કી કરતું હોય છે. ટ્રૅઝરી બૉર્ડ એટલે મહારાણીની પરિષદની એક કેબિનેટ કમિટી હોય છે.
મેક્કેન્નાએ કહ્યું હતું કે સૉશિઅલ મીડિયા ઝડપથી હિલચાલ કરતું હોય છે અને ક્યારેક ભૂલો થતી હોય છે. પરંતુ પર્યાવરણ મંત્રાલય એક જ નથી જેણે તકલીફજનક લાગે તેવું ટ્વીટ ડીલિટ કર્યું હોય. કેનેડિયન ન્યુક્લિયર સૅફ્ટી કમિશને પણ બે ટ્વીટ ડિલીટ કર્યાં હતાં. એક ટ્વીટ ટ્રૅઝરી બૉર્ડની માર્ગદર્શિકા મુજબ નહોતું. બીજામાં ફ્રાન્સને હેપ્પી બેસ્ટિલે ડેની શુભકામના આપવામાં આવી હતી પરંતુ બેસ્ટિલે ડેની ઉજવણીના દિવસે ફ્રાન્સના નિસ (Nice)માં ત્રાસવાદી હુમલો થતાં તેને સંવેદનહીન અને કસમયનું માનવામાં આવ્યું હતું.
ટ્રૅઝરી બૉર્ડ પ્રસંગોપાત પૉસ્ટ ડિલીટ કરતું હોય છે પરંતુ તે કહે છે કે તે ડિલીટ કર્યા અંગે કોઈ માહિતી રાખતું નથી. તેણે એક ચોક્કસ ફેસબૂક પૉસ્ટ ડિલીટ કરી હતી કારણ કે તેમાં એક મૃત વ્યક્તિના ફોટાનો સમાવેશ કરાયો હતો.
પરંતુ બીજા બધા સરકારી મંત્રાલયો કરતાં સૌથી વધુ સૉશિઅલ મીડિયા વપરાશકારોને બ્લૉક ક્રિશિયા ફ્રીલેન્ડના ગ્લૉબલ અફૅર્સ મંત્રાલયે કર્યા છે. કેનેડિયન ટ્રાન્સપૉર્ટેશન એજન્સીએ તેના ફેસબૂક પેજ પર વારંવાર એક કૉમેન્ટ ડિલીટ કરી હતી. આ પૉસ્ટ ઍજન્સીની સાઇટ પર વારંવાર મૂકવામાં આવી હતી અને તેમાં ઍજન્સીના ચોક્કસ સ્ટાફ અંગે સંદર્ભવાળું નિવેદન હતું જેમાં તેમની નિષ્ઠા અને વ્યવસાયિકતા પર પ્રશ્નાર્થ લગાવાયો હતો.
કેનેડાના પૉસ્ટ વિભાગે કોઈ પણ અન્ય સરકારી મંત્રાલય કે ઍજન્સી કરતાં વધુ પૉસ્ટ ડિલીટ કરી છે. તેણે ફેસબૂક પર ૮૪૫ કૉમેન્ટો અને ઇન્સ્ટાગ્રામ પર ૨૦ કૉમેન્ટો ડિલીટ કરી છે. કેટલીક સ્પામ હતી તો કેટલીકમાં ટાઇપિંગની ભૂલો હતી. કેટલાકમાં કેનેડાના પૉસ્ટના સ્પર્ધકોનો પ્રચાર કરાયો હતો.