એક ગુજરાતી યુવતીનું ફેશનને ફીર-સે…

શું તમે જાણો છો કે જો તમે એકના એક કપડાં વારંવાર પહેરી શકો અર્થાત એની યોગ્ય જાળવણી કરી શકો તો તમે આડકતરી રીતે વિશ્વમાં જે કાર્બન ઉત્સર્જન થઇ રહયું છે એ ઘટાડવામાં ખિસકોલી જેટલું પ્રદાન કરી શકો છો?

હા, એ જાણી લો કે આજે દુનિયામાં જે કાર્બન ઉત્સર્જન થઇ રહયું છે એમાં ફેશન ઇન્ડસ્ટ્રીનો ફાળો દસ ટકા જેટલો છે! અર્થાત, ફેશન પાછળ પાગલ થયેલી દુનિયા નવા વસ્ત્રો એકવાર પહેરીને મૂકી દે છે એના કારણે કાર્બન ઉત્સર્જન ય વધી રહયું છે.

વેલ, આ તો થઇ પર્યાવરણની વાત, પણ અમેરિકા જેવા દેશોમાં આજકાલ એક ટ્રેન્ડ શરૂ થયો છે અને એ છે વસ્ત્રોનો રિ-યુઝ. સાદી ભાષામાં કહીએ તો આપણે પ્રસંગોમાં ખરીદી કરીએ ત્યારે નવાં કપડાં ખરીદીએ છીએ, પણ હવે લોકો ખાસ પ્રસંગો માટે વપરાયેલાં કપડાં ખરીદીને પહેરવાનું વધારે પસંદ કરી રહયા છે. ખાસ કરીને, અમુક પ્રસંગોમાં એક જ વાર પહેરવાના હોય ત્યારે લોકો નવાના બદલે વપરાયેલા, પણ જૂનાં-સારાં કપડાં ખરીદવાનો આગ્રહ રાખતા થયા છે.

એનું ઉદાહરણ છે અમેરિકાના સ્થાયી થયેલ ગુજરાતી યુવતી દીપાલી અમીનની પહેલ. મૂળ અમદાવાદની, પણ હાલ શિકાગોમાં રહેતી દીપાલી અમીને પતિ મિનેષ અમીન સાથે મળીને આ ટ્રેન્ડને વધારે મજબૂત કરવા ફીર સે નામની એક મોબાઇલ એપ શરૂ કરી છે. આ એપ દ્વારા લોકો પોતાના જૂનાં વસ્ત્રો ખરીદી શકે છે અને વેચી પણ શકે છે. યાદ રહે, આ એપ વેચનાર કે ખરીદનાર માટે તદ્દન ફ્રી છે. કોઇ ચાર્જ લેવાતો નથી. લોકો કોઇ સંકોચ વિના જૂનાં-સારાં વસ્ત્રો ખરીદતા થાય અને એ માટે એમને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એ હેતુથી દીપાલી અને મિનેષે આ એપ શરૂ કરી છે.

દીપાલી કહે છે, મને પહેલેથી જ કપડાં અને ઘરેણાંનો ખૂબ શોખ. મારો વોર્ડરોબ નવાં નવાં કપડાંથી ભરાયેલો જ હોય. પછી એક દિવસ મેં જોયું તો ખ્યાલ આવ્યો કે એમાંથી ઘણાં કપડાં એવાં છે, જે મેં એકાદ-બે પ્રસંગ સિવાય ક્યારેય પહેર્યા જ નથી! એમાંથી મને વિચાર આવ્યો કે, લોકોને પ્રસંગોપાત પહેરવા માટે કપડાં ખરીદવા હોય તો શા માટે ઓનલાઇન ન મળે? બસ, એમાંથી પછી અમે આ એપ ડેવલપ કરી.

એના આ સાહસને ભોપાલસ્થિત સ્વૈચ્છિક સંસ્થા મહાશક્તિ સેવા કેન્દ્રનો પણ સહયોગ મળ્યો છે. આ સંસ્થા કેમિકલ્સનો ઉપયોગ કર્યા વિના નેચરલ ફેબ્રીકમાંથી તૈયાર થયેલાં વસ્ત્રોને પ્રમોટ કરવાનું કામ કરે છે. દીપાલીની આ એપનો આઇડિયા સંસ્થા સાથે સંકળાયેલા રાધિકા આયંગરને પસંદ પડ્યો એટલે એમણે પણ પોતાની સંસ્થાના વસ્ત્રોને આ એપ પર પ્રમોટ કરવાનું શરૂ કર્યું છે.

વેલ, જૂની ચીજવસ્તુઓને આ રીતે ઓનલાઇન વેચવાનું પ્લેટફોર્મ એ કોઇ નવી વાત નથી, પણ લોકો એ બહાને એકના એક કપડાં વારંવાર પહેરતા થાય અને એનાથી આડકતરી રીતેય જો વસ્ત્રોની બચત થાય અને બાય પ્રોડક્ટ તરીકે જો ફેશન ઇન્ડસ્ટ્રીમાં એના માટે સભાનતા કેળવાય તો નથીંગ રોન્ગ ઇન ઇટ, રાઇટ?