તમારે જીવનમાં પ્રગતિ જોઈએ કે ઉન્નતિ?

“અંકલ, મારે જીવનમાં સતત આગળ વધતાં રહેવું છે,” મારા એક સહયોગીનો દીકરો મારી સાથે વાત કરતાં કરતાં બોલ્યો. એ પોતાની ઉંમર પ્રમાણે એકદમ સારી વાત કરી રહ્યો હતો. હું એની વૈચારિક પ્રક્રિયાનો આદર કરું છું. દરેક મનુષ્યનો આવો જ વિચાર હોવો જોઈએ. જોકે, જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે એમ એમ એની માનસિકતા બદલાઈને પ્રગતિને બદલે ઉન્નતિની થઈ જવી જોઈએ.

પ્રગતિ અને ઉન્નતિ એ બન્ને સદંતર વિરોધી બાબતો છે. પ્રગતિમાં કોઈક બાબતની તુલના હોય છે. દા.ત. “મારે ગયા વર્ષ કરતાં વધારે કમાણી કરવી છે.” “હું મારી ઑફિસમાં ટોચનો અધિકારી બનવા માગું છું.” “હું મારા શહેરમાં મોખરાનો હોટેલમાલિક બનવા માગું છું.” આ બધાં ઉદાહરણ કોઈક વસ્તુ કે વ્યક્તિ સાથેની તુલનાનાં છે.

સરખામણી કે તુલના કરવાથી સિદ્ધિ મેળવ્યાની ભાવના જન્મે છે. તેની સાથે સાથે ગૌરવ અનુભવાય છે. જોકે, એ બધું થોડા સમય પૂરતું જ હોય છે. વાસ્તવમાં એવું થાય છે કે થોડા જ વખતમાં કોઈ બીજી વ્યક્તિ આપણી તોલે આવી જાય છે અને આપણે એનાથી પણ આગળ વધવાનો વિચાર કરવા લાગી જઈએ છીએ. પ્રગતિ કાર્યલક્ષી બાબત છે. એનું સ્વરૂપ રાજસી હોય છે. પ્રગતિ કરતી વખતે ઉચાટ જન્મે છે. “હું ક્યારે એ સ્થિતિમાં પહોંચીશ” એવો વિચાર સતત ચાલ્યા કરતો હોય છે. હકીકતમાં ત્યાં પહોંચી જવાય પછી સિદ્ધિ પ્રાપ્ત કર્યાની અનુભૂતિ થાય છે. “મેં આમ કર્યું” એવી ભાવના મનમાં આવી જાય છે. એને અહમ્ કહેવાય. ધારો કે ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકાય નહીં, તો હતાશા જન્મે છે. પરિણામે, માનસિક તાણ સર્જાય છે.

બીજી બાજુ, ઉન્નતિ આંતરિક બાબત છે. એનું સ્વરૂપ સાત્ત્વિક હોય છે. તેનાથી શાંતિ અને શીતળતા પ્રાપ્ત થાય છે; અને એ કાયમી હોય છે. એનો સંબંધ પોતાના સિવાય બીજા કોઈ સાથે હોતો નથી. એ પરિપૂર્ણ સ્થિતિ અને અનુભૂતિ હોય છે. એ સ્થિતિમાં “આ મેં કરેલું નથી”; “એ તો ભગવાનની કૃપા છે” એવો ભાવ જન્મે છે. એમાં નિષ્ફળતાનો પણ કોઈ સવાલ આવતો નહીં હોવાથી હતાશા-નિરાશા બાજુએ રહી જાય છે. ફક્ત શીતળતા અનુભવાય છે. ઉન્નતિ પામેલી વ્યક્તિ આંતરિક શાંતિની-પ્રસન્નતાની સ્થિતિમાં હોય છે. દરેક વ્યક્તિએ અમુક ઉંમર પછી ઈશ્વર પાસે પ્રગતિને બદલે ઉન્નતિ માગવી જોઈએ.

યોગિક વેલ્થનો સંબંધ ઉન્નતિ સાથે જ છે. એ આંતરિક બાબત હોવાથી કાયમી છે. તેનાથી શીતળતા પ્રાપ્ત થાય છે અને કોઈ વ્યક્તિ આપણી પાસેથી એ ઝૂંટવી શકતી નથી.

પ્રગતિ, વૃદ્ધિમાં કોઈ વ્યક્તિ ક્યારેક ને ક્યારેક આપણું સ્થાન લઈ લે એ શક્ય છે. આપણે જોઈએ છીએ કે વિશ્વની સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિ દર થોડા વખતે બદલાતી રહે છે. આમ, પ્રગતિ સાધેલી હોય એ માણસનું સ્થાન બીજો કોઈ લઈ શકે, પણ ઉન્નતિ પ્રાપ્ત કરી હોય એનું સ્થાન અવિચલિત રહે છે.

પ્રગતિને લીધે અસલામતી જન્મે છે, કારણ કે કોઈક આપણું સ્થાન લઈ લે એવી શક્યતા હોય છે. ઉન્નતિ જેમ જેમ વધે એમ એમ સલામતી વધતી જાય અને કોઈ આપણી પાસેથી એ છીનવી શકતું નથી. ઉન્નતિ સાધેલા માણસોમાં પહેલો, બીજો, ત્રીજો એવો કોઈ ક્રમ હોતો નથી. દરેક માણસ ઉન્નતિ સાધી શકે છે. ઉન્નતિ વગરની પ્રગતિ અધોગતિ આણે છે.

મનને શાંત રાખીને અને ધન કે સંપત્તિને ઈશ્વરની કૃપા ગણીને પ્રગતિ અને ઉન્નતિ બન્નેની પ્રાપ્તિ કરી શકાય છે. એ બન્ને સ્થિતિને ભગવાનની મહેર માનવી. એ મનઃસ્થિતિ પામી ગયા બાદ સિદ્ધિ જેવી લાગણી જન્મતી નથી. એ તો આશીર્વાદની પ્રાપ્તિની અનુભૂતિ હોય છે, જેનાથી આપણે નમ્ર-શાંત રહી શકીએ છીએ.

યોગિક વેલ્થ મનુષ્યજીવને ભગવાને આપેલો આશીર્વાદ છે. યોગિક વેલ્થ સમાજ સાથે વહેંચી લેવાની હોય છે. યાદ રહે, ભગવાન પહેલાં તમને આપે છે, જેથી તમે એને બીજાઓ સુધી પહોંચાડી શકો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)