“નિવૃત્ત થવા માટે કઈ ઉંમર યોગ્ય કહેવાય?” નાણાકીય આયોજન વિશેનાં વક્તવ્યોની શ્રેણીના એક મણકામાં
કોઈકે મને આ સવાલ કર્યો હતો. દર વખતની જેમ મેં જવાબ આપ્યો, “જો તમે નિવૃત્તિને કોઈ અંક સાથે સાંકળીને જોશો તો ક્યારેય નિવૃત્ત નહીં થઈ શકો.” “હું કેટલું ભંડોળ ભેગું કરી લઉં તો નિવૃત્તિ લઈ શકું?” એ સવાલ પુછાય ત્યારે હું આ જવાબ આપું છું, પરંતુ મને અચાનક સમજાયું કે આ વખતે સવાલ અલગ હતો. નિવૃત્તિ માટેની ઉંમરને લગતો આ સવાલ હતો. આમ છતાં મારો જવાબ એ જ રહ્યો.
નોંધનીય છે કે મને સવાલ પૂછનારા સજ્જન શાંત અને જીવનથી સંતુષ્ટ વ્યક્તિ હતા. મેં એમને વધુમાં કહ્યું, “તમે પોતાના ધંધા-વ્યવસાયના ગુલામ બનો નહીં ત્યાં સુધી તમે કામ કરવાનું ચાલુ રાખી શકો છો.”

છેલ્લાં અનેક વર્ષોમાં એવા ઘણા વડીલો મને મળ્યા છે, જેઓ કહેતા હોય છે કે “જો હું કામ કરવાનું છોડી દઈશ તો પાગલ થઈ જઈશ” અથવા “કોઈ પ્રવૃત્તિ રહેવી જોઈએ એટલા માટે કામ કરવાનું ચાલુ રાખ્યું છે.”
ઘણા લોકો પોતાના કામના ગુલામ બની ગયેલા હોય છે. વર્ષોથી જે કરી રહ્યા હોય એ ધંધો-વ્યવસાય છૂટી ગયા બાદ શું કરવું એની એમને ખબર પડતી નથી. એમનું વ્યક્તિત્વ નહીં, પણ એમનું કામ જ એમની ઓળખ બની ગયું હોય છે. જ્યાં સુધી કામમાં આનંદ મળતો હોય ત્યાં સુધી જ એ કરવું જોઈએ. અમુક લોકો માટે પોતાનું કામ સ્વતંત્રતા પણ હોય છે. કોના માટે કઈ સ્થિતિ છે એ હું કહી શકું નહીં, પરંતુ એક વાત નક્કી છે કે ઘણા લોકો કહેવા ખાતર કહેતા હોય છે કે તેઓ પૈસા માટે કામ નથી કરતા.
મારા એક જૂના સહયોગીના પિતા 80 વર્ષની ઉંમરે પણ પોતાનો વ્યવસાય કરી રહ્યા છે. તેઓ કહે છે કે ફક્ત કોઈ પ્રવૃત્તિ જોઈતી હોવાથી તેઓ કામ કરી રહ્યા છે. જોકે, એમને કોઈ ગ્રાહક પાસેથી પૅમેન્ટ મળવામાં મોડું થઈ જાય તો તેઓ ચિડાઈ જાય છે જો પોતે વેચેલો માલ ગ્રાહક સુધી સમયસર પહોંચે નહીં તો તેઓ ચિંતિત થઈ જાય છે. આ સ્થિતિમાં એમનો મૂડ બદલાઈ જાય છે અને તેઓ બીજાઓ પર દોષારોપણ કરવા લાગી જાય છે. હવે સવાલ એ છે કે શું તેઓ વ્યસ્ત રહેવા માટે આ કામ કરી રહ્યા છે કે પછી તેઓ પોતાના કામના ગુલામ થઈ ગયા છે અને એને છોડી શકતા નથી? આ વડીલના પરિવાર પાસે પૂરતી સંપત્તિ છે. એમણે પૈસા માટે કામ કરવાની જરાય જરૂર નથી.

ઉક્ત ચર્ચા પરથી કહી શકાય કે આપણી પોતાની ભૌતિક ચીજવસ્તુઓ બાબતે પણ આ જ વિચાર કરવા જેવો છે. અમુક વસ્તુઓ ફક્ત ઉપભોગ માટેની હોય છે કે પછી આપણે એના ગુલામ બની ગયા હોવાથી એના વગર ચાલતું નથી? એક વખત મર્સીડિઝ કે બીએમડબ્લ્યુ વાપરી લીધી હોય, પછી શું આપણે ક્યારેય હોન્ડા, ટોયોટા કે મારુતિ કાર વાપરવાનું વિચારી શકીએ ખરા? જો જવાબ ‘ના’ હોય તો તેનો અર્થ એવો થયો કે આપણે મર્સીડિઝ અને બીએમડબ્લ્યુના બ્રાન્ડના ગુલામ બની ગયા છીએ. જો જવાબ ‘હા’ હોય તો કહી શકાય કે આપણે ગુલામ નથી. આપણા માટે એ બન્ને પ્રકાર વાહનના જ છે કે પછી ખરેખર આપણે એમાંથી એક પ્રકારના વાહનની બ્રાન્ડના ગુલામ બની ગયા છીએ એ સવાલનો જવાબ ફક્ત આપણે જ આપી શકીએ છીએ.
યોગિક વેલ્થ કહે છે કે આપણે કોઈ પણ વસ્તુના ગુલામ બની જવાને બદલે સંપત્તિ અને ભૌતિક ચીજવસ્તુઓનો આનંદપૂર્વક ઉપભોગ કરવો જોઈએ.
આપણે નિવૃત્તિ વિશે અને નિવૃત્તિકાળમાં આવશ્યક નાણાંભંડોળ વિશે ચોક્કસ વિચાર કરવો જોઈએ, પરંતુ કામ-ધંધાના ગુલામ બની જવામાં જોખમ છે. આ ગુલામી આપણી શારીરિક અને માનસિક બન્ને તંદુરસ્તી માટે જોખમી છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)




