ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનો ૧૮મો શ્લોક છેઃ
कर्मण्यकर्म य: पश्येदकर्मणि च कर्मय: |
स बुद्धिमान्मनुष्येषु स युक्त: कृत्स्नकर्मकृत् || 18||
આ શ્લોક ઘણો ગહન છે, પણ સરળ શબ્દોમાં “કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ” એવો ભાવાર્થ થાય છે. હવે આપણે
ઉદાહરણ દ્વારા તેનો તત્ત્વાર્થ કરીએ.
અમારા પરિચિત સંયુક્તાબેન હંમેશાં લોકોની મદદ કરવા તત્પર રહેતાં હોય છે. એમાંય જો સામેવાળી વ્યક્તિ બીમાર હોય તો તેઓ એમની પાછળ ઘણી જહેમત ઉઠાવતાં હોય છે. તેઓ નાના શહેરમાં રહે છે અને અનેક મોટા ડૉક્ટરોને અંગત રીતે ઓળખે છે. મેં એક વખત એમને પૂછ્યું હતું, “જો કોઈ વ્યક્તિ તમારા કહેવાથી કોઈ ડૉક્ટર પાસે ગઈ હોય અને પછી ફોલો અપ વખતે એ વ્યક્તિ તમને કહ્યા વગર બારોબાર ડૉક્ટર પાસે પહોંચી જાય તો તમને કેવું લાગે?” એમણે થોડો વખત ચૂપ રહીને હળવેકથી જવાબ આપ્યો, “એમણે મને જાણ કરવા જેટલો તો શિષ્ટાચાર દાખવવો જ જોઈએ.”
આ વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ જ્યારે લોકોની મદદ કરે છે ત્યારે તેઓ સામેથી કોઈક અપેક્ષા રાખે છે. કેટલાક લોકોને એમ લાગે કે તેઓ સારું કામ કરી રહ્યા છે, પરંતુ ખરેખર તો તેઓ પોતાનો અહમ્ સંતોષતા હોય છે. પોતાને જાણ કર્યા વગર એ વ્યક્તિ ડૉક્ટર પાસે જઈ આવે એ વાતને તેઓ રીતભાતનો અભાવ ગણીને સામેવાળાને ઉતારી પાડે છે. આવું કર્મ અપેક્ષાવાળું હોય છે. ભગવદ્ ગીતા મુજબ એ કર્મયોગ નથી. ડૉક્ટર પાસે બારોબાર ગયેલા માણસને કદાચ એમ લાગતું હોય કે વારેઘડીએ ક્યાં સંયુક્તાબેનને હેરાન કરવાં.
ફક્ત મગજમાં નહીં, સુષુપ્ત મનમાં પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરવામાં આવે એ જ ખરું અકર્મ હોય છે. કર્મયોગમાં તેની જ વાત કરવામાં આવી છે. કર્મ અને કર્મયોગમાં પણ તફાવત છે.

હવે આપણે કર્મમાં અકર્મની સ્થિતિની વાત કરીએ. અહીં અર્થ સમજવાનું થોડું અઘરું છે. ધારો કે એક વ્યક્તિ કોઈ વૃદ્ધ માણસને બીમાર જોવા છતાં કોઈ મદદ કરતી નથી. અહીં તેમણે કોઈ કર્મ કર્યું ન કહેવાય. જોકે, ભગવદ્ ગીતા મુજબ એ અકર્મ પણ નથી.
ભગવાન કૃષ્ણે કહ્યું છે કે કોઈ પણ પ્રકારની અપેક્ષા, ઈચ્છા, અહમ્ કે આસક્તિ વગરનાં જ કામ કરવામાં આવે તો એ અકર્મ કહેવાય. સમાજમાં રહેતા મનુષ્યે સમાજની દરેક પરિસ્થિતિમાં જરાપણ અપેક્ષા રાખ્યા વગર પ્રતિક્રિયા આપવી જોઈએ. તેનો અર્થ એવો થયો કે સમાજમાં રહેવા છતાં તેઓ કોઈ અપેક્ષા રાખતા નથી. આવી વ્યક્તિને ખરા યોગી કહી શકાય.

યોગિક સંપત્તિમાં ફક્ત સંપત્તિ રળવાની વાત નથી; કોઈ પણ અહમ્, ઈર્ષ્યા, અસલામતી, વ્યગ્રતાની લાગણી વગર પરિવાર અને સમાજ માટે તેનો ઉપયોગ કરવાની સાથે તેનો સંબંધ છે. આ રીતે સંપત્તિ રળવાથી માનસિક શાંતિ અને પ્રસન્નતા મળે છે. આ ધન સ્વીકાર્ય છે, ભૌતિકવાદ નથી. જો અહમ્ સંતોષવા માટે તથા ઈર્ષ્યા, ચડસાચડસી, વગેરે દૃષ્ટિએ પૈસા કમાયા હોય તો એ ભૌતિકવાદ છે. તેનાથી સંપત્તિનો આનંદ માણી શકાતો નથી. એ સંપત્તિ અસંતોષ, અસલામતી, ચિંતા અને લાલચ જન્માવે છે.
આથી કહેવાનું કે સંપત્તિ રળવામાં કંઈ ખોટું નથી. માણસે પરિવારના પાલનપોષણ માટે અને સમાજમાં ટકી રહેવા માટે પૈસા કમાવા પડે છે. એ કાર્ય જવાબદારીનો એક હિસ્સો છે, પરંતુ ક્યારેય ખરાબ લાગણીઓ સાથે એ કામ કરવું જોઈએ નહીં. ફક્ત જવાબદારીના નિર્વહન તરીકે એ કરવું જોઈએ.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)




