યોગિક વેલ્થ એટલે અપેક્ષા વગરનું જીવન, અન્યથા એ ભૌતિકવાદ છે

થોડાં વર્ષ પહેલાં હું કૈવલ્યધામના પીઢ યોગાચાર્ય શ્રી ઓ. પી. તિવારીજી સાથે વાત કરી રહ્યો હતો. હાલ તેઓ 86 વર્ષના છે. એમના ચહેરા પરની શાંતિ અને આભા અહોભાવ જગાડનારી છે. એમને જોઈએ ત્યારે અંજાઈ જવાય છે. તેઓ પોતાના એક અનુભવની વાત કરી રહ્યા હતા.

એમણે એક દિવસ લોનાવલાથી મુંબઈ આવવાનું હતું. એમના એક મિત્ર પુણેથી મુંબઈ આવવાના હતા. મુંબઈમાં કેટલાક યોગાચાર્યોની મીટિંગ માટે તેઓ આવી રહ્યા હતા. શ્રી તિવારીજી જે ટ્રેનમાં આવવાના હતા એ મોડી પડી અને એમણે પુણેમાં રહેતા મિત્રને સૂચના આપતાં કહ્યું કે તેઓ સીધા મુંબઈમાં જ મળશે.

તિવારીજીએ મને કહ્યું, “મને ખબર હતી કે મહત્ત્વપૂર્ણ મીટિંગ માટે હું મોડો પડીશ, પણ મેં બધું ભગવાન પર છોડી દીધું.” આખરે થયું એવું કે પુણેથી આવી રહેલા એમના મિત્રની ટ્રેનને અકસ્માત નડ્યો અને તિવારીજી એ મિત્રની પહેલાં જ મુંબઈ પહોંચી ગયા. મિત્રની ટ્રેન મોડી પડી એને લીધે બહારગામથી મુંબઈ આવી રહેલી બીજી ટ્રેનોના સમયપત્રક પર પણ અસર પડી અને આખરે મીટિંગ પાછળ ઠેલવી પડી. તિવારીજીએ સ્થિતિનો સ્વીકાર કરીને મનને શાંત રાખ્યું. એમને ભગવાન પર ભરોસો હતો અને એમણે બધું ભગવાનને સોંપતાં કહ્યું હતું કે એમના માટે જે સારું હોય એ કરે.

આપણામાંથી પણ ઘણા લોકો ભગવાન પર છોડી દીધાનું બોલે છે, પરંતુ વાસ્તવમાં એવી દૃઢ આસ્થા રાખતા નથી. જો ખરી આસ્થા-શ્રદ્ધા હોય તો ક્યારેય ચિંતા કે વિષાદ કે એવી બીજી કોઈ લાગણી મનમાં આવે નહીં.

ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતાં કહ્યું છે, બધાં કર્મો મારું – ભગવાનનું નામ લઈને કરીશ તો તારું મન હંમેશાં શાંત રહેશે. તું કર્તા નહીં, પણ કર્મનું માધ્યમ બનીશ અને તેને લીધે તું લાગણીઓના બંધનમાં જકડાઈશ નહીં.

આપણે પણ ભગવાન પર બધું છોડી દઈએ, કર્મનું ફક્ત માધ્યમ બની જઈએ અને અડગ શ્રદ્ધા રાખીને વર્તમાનમાં જીવીએ તો પ્રસન્નતાનો અનુભવ કરી શકીએ છીએ.

ભગવદ્ ગીતામાં એમ પણ કહેવાયું છે કે આપણી પાસે જે ભૌતિક ચીજવસ્તુઓ છે એ બધી ભગવાનની દેન છે. આથી આપણે ભગવાનનું નામ લઈને જ એનો ઉપયોગ કરવો જોઈએ. ભગવાન પાસે ક્યારેય કંઈ માગવું નહીં. આપણને જેની જરૂર હશે એ આપી દેશે.

માનવીના મનનો ખેલ દર્શાવતું એક ઉદાહરણ મને યાદ આવે છે. મારા એક મિત્રનાં પત્નીએ મને કહ્યું, “ગૌરવભાઈ, મને મોટો ફ્લેટ અપાવવાનું કામ મેં ભગવાન પર છોડ્યું છે.” એમના આ નિવેદન પરથી કહી શકાય કે એમણે પોતાની અપેક્ષા છોડી નથી.

ભગવાન પર છોડી દેવાનો અર્થ એ છે કે કોઈ અપેક્ષા રાખવી નહીં. અપેક્ષાઓ જ દુઃખ, અજંપો, વિષાદને જન્મ આપે છે. જો તેઓ એમ કહે કે, “હે ભગવાન, તને યોગ્ય લાગે તો મને મોટો ફ્લેટ અપાવજે”, તો એમાં પણ મોટા ફ્લેટની ઈચ્છા ડોકિયું કરે છે.

ખરી રીતે તો કોઈ પણ અપેક્ષા વગરની સ્થિતિ હોવી જોઈએ. જો ભગવાનની ઈચ્છા હશે તો એ આપણી જરૂરિયાત મુજબનું ઘર અપાવી જ દેશે. ઘર મળે કે ન મળે એ નિર્ણય પણ ભગવાન પર છોડી દેવાનો હોય છે.

યોગિક વેલ્થ પણ બધું ભગવાનને સોંપી દેવાનું શીખવે છે. જ્યારે જ્યારે જેની જરૂર હશે એ વસ્તુ ત્યારે ત્યારે આપવાનું કામ ભગવાનનું છે, કંઈ પણ માગવાનું કામ આપણું નથી. ઈશ્વરને સમર્પણ કર્યા બાદ જે કંઈ ભૌતિક સુખ-સાધન મળે છે એનો આનંદ માણવો. ભૌતિક સુખ માણવું નહીં એવું કહેવાનું યોગિક વેલ્થનું તાત્પર્ય નથી. ભગવાને જે આપ્યું છે એનો ભગવાનના નામે જ આનંદ લેવો એ શીખવવાનું કામ યોગિક વેલ્થ કરે છે.

અહીં પણ એક છટકું હોય છે. આપણે ઘણી વાર ભગવાનના નામે બધું કરીએ છીએ, પણ આખરે તો એમાં આપણી મનની કોઈ ઈચ્છા ડોકાયા કરતી હોય છે. આત્મચિંતન કરનાર માણસને જ આ વાતની ખબર પડે છે. જો મનમાં કોઈ ક્લેષ એટલે કે વિરોધાભાસ નહીં હોય તો એ યોગિક વેલ્થ કહેવાશે, અન્યથા એ ભૌતિકવાદ છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)