હું જ્યારે પણ ભગવદ્ ગીતાનું વાંચન કરું છું ત્યારે મન શાંત થઈ જાય છે. ખરું પૂછો તો, જ્યારે પણ મન ખિન્ન થઈ જાય છે ત્યારે હું ભગવદ્ ગીતા વાંચવાનું શરૂ
કરી દઉં છું. મનને શાંત કરવા માટેના અનેક ઉપાયોમાંનો એક ઉપાય શાસ્ત્રોનું, ખાસ કરીને ભક્તિયોગનું, પઠન કરવાનો છે. આપણે જે પણ કંઈ કરીએ છીએ એ ભગવાનનું કાર્ય છે એવું મનને કહેતાં રહેવું. આપણે કર્તા નહીં, પરંતુ ઈશ્વરનું માધ્યમ છીએ. આ રીતે જીવવાનો રસ્તો ઘણો સારો છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ભગવાનનું માધ્યમ બનીને કર્મ કરવાથી મન પર કોઈ સૂક્ષ્મ પ્રભાવ રહેતો નથી.
ધન કમાવા અને ખર્ચવાની બાબતે આ મનઃસ્થિતિમાં આવવું એ શબ્દોમાં વર્ણવી શકાય નહીં એવો અનુભવ છે. સૂક્ષ્મ રીતે જોઈએ તો આ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરવો એ પણ એક જાતની અપેક્ષા જ છે. તો શું અપેક્ષા વગર કોઈ વસ્તુ શક્ય નથી? શું યોગિક વેલ્થ પણ એક ભ્રમ છે કે પછી કોઈ વાસ્તવિકતા છે?

સમાજમાં રહેવા માટે ધનની જરૂર પડે છે. આપણે પરિવારનું ભરણપોષણ કરવાનું હોય છે. આપણા દેશમાં કોઈ પણ અતિથિ આપણા આંગણેથી ભૂખ્યો જાય નહીં એ વાતનો મહિમા વર્ણવાયો છે. એટલું જ નહીં, આપણને જ્ઞાન આપનારા અને માર્ગદર્શન કરનારા સાધુ-સંતોનું ભરણપોષણ કરવું એ પણ આપણો ધર્મ છે.
પોતાની જવાબદારીઓનું નિર્વહન કરવા માટે ધન કમાવું આવશ્યક છે. એ ધનનો ઉપયોગ પરિવારજનો, સ્વજનો, સંબંધીઓ, સાધુ-સંતો, સૃષ્ટિ પરના અન્ય જીવો અને પર્યાવરણ — એ બધા માટે કરવાનો હોય છે. આ રીતે ઉપયોગ કરવાથી મન શાંત થાય છે. આપણે દર વર્ષે પોતાની કુલ કમાણીમાંથી અમુક હિસ્સો આવી જવાબદારીઓ નિભાવવા માટે ફાળવીશું એવો સંકલ્પ કરવો જોઈએ.
બીજું એ કે ધન રળવાનું કાર્ય પણ નૈતિક રીતે કરવાનું હોય છે. કોઈને પણ છેતર્યા વગર કે કાળાં-ધોળાં કર્યા વગર શુદ્ધ ધનની પ્રાપ્તિ કરવાનું માહાત્મ્ય છે. એટલું જ નહીં, ધનમાંથી આવશ્યક કરવેરાની ચૂકવણી પણ કરવી જોઈએ. માતા લક્ષ્મીને પાછળના દ્વારેથી નહીં, મુખ્ય દ્વારેથી ઘરમાં પ્રવેશ આપવો. લક્ષ્મીજીનું આગમન ઉત્સવ, ઉમંગ અને ગૌરવનો વિષય છે. સદ્કર્મો થતાં હોય ત્યાં જ લક્ષ્મીજી વાસ કરે છે. લક્ષ્મીજીના પ્રવેશ બાદ મનુષ્યનો સ્વભાવ બદલાય છે. જો ઉચિત રીતે ધન કમાયું નહીં હોય તો એ પચાવવું મુશ્કેલ બને છે.

ધનવાન હોવું અને ખાનદાની-કુલીન વ્યક્તિ હોવું — એ બન્ને વચ્ચે તફાવત છે. ધન યોગ્ય માર્ગે રળવામાં આવે ત્યારે શાલીનતા આવે છે. તમે જોયું હશે કે ઘણા પરિવારોમાં પેઢીઓથી ધનસંપત્તિ ટકી રહે છે. એનું એક કારણ એ હોય છે કે તેઓ સમાજને પણ કંઈક આપે છે અને સંપત્તિનો દેખાડો કરતા નથી. તેઓ ધનથી નહીં, કુલીનતાથી ઓળખાય છે. તેઓ નમ્ર, શાંત અને ચારિત્ર્યવાન હોય છે. આ ગુણો માત્ર ઉંમર વધવાથી નહીં, પરંતુ ઘરના સંસ્કારોને કારણે આવે છે. તેમાંના ઘણા લોકો ટોચના ધનકુબેરોની યાદીમાં સ્થાન ન પામતા હોય, છતાં એમને જોઈને લાગે કે તેઓ ખરા અર્થમાં ધનવાન છે. એમની સંપત્તિ સમાજ સાથે જોડાયેલી હોય છે. તેઓ સમાજના નામે કમાય છે અને સમાજના હિતમાં ખર્ચે છે.
ઈશ્વરને પ્રાર્થના કરજો કે તમને યોગિક વેલ્થ આપે, પ્રસન્નતા અને શાશ્વત આનંદ આપે એવી સંપત્તિ તમને બક્ષે. આપણે જેમ જેમ વધુ ધનની પ્રાપ્તિ કરીએ તેમ તેમ લક્ષ્મીજીના વધુ ને વધુ આશીર્વાદ પ્રાપ્ત થાય, એમનું પ્રાગટ્ય થાય અને મન વધુ શાંત તથા શીતળ બને. જીવનનો હેતુ માત્ર સંપત્તિ રળવાનો નથી. સંપત્તિ તો જીવનના અર્થ સુધી પહોંચવાનું એક માધ્યમ છે. સુખ-શાંતિ આપે એવો હેતુ શોધી કાઢો, તમને સુખ-શાંતિ આપનારી સંપત્તિ મળી જશે. આને જ યોગિક વેલ્થ કહેવાય.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)




