કોઈ કામ ધાર્યું ન થાય તો એને કુદરતી કે ઈશ્વરીય સંકેત ગણી લેવું

ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનની મનઃસ્થિતિનું વર્ણન કરે છે. અર્જુન સાથેની વાતચીતમાં ભગવાન કહે છે કે મન સઢવાળા વહાણ જેવું છે. આથી જ તે વિચારોના પવનની દિશામાં જવા લાગે છે. જો એ વહાણ પર કોઈ નિયંત્રણ ન રાખવામાં આવે તો તે ગમે ત્યાં ભટકતું જશે. વળી, આપણે આ વિચારોને જ વાસ્તવિકતા માની લઈએ છીએ અને તેના આધારે પ્રતિક્રિયાઓ કરીએ છીએ અને પ્રતિભાવો આપીએ છીએ.

આટલું જાણી લીધા પછી ધ્યાન રાખવાનું કે આપણે વિચારોના આધારે પ્રતિક્રિયાઓ આપવી જોઈએ નહીં. વિચારોને સાક્ષીભાવે જોવાનું સહેલું નથી, પરંતુ નિયમિતપણે લાંબા ગાળા સુધી યોગ કરવાથી માણસ એ ક્ષમતા વિકસાવી શકે છે. આ બોધ થાય એ જ પરિપૂર્ણ વિજ્ઞાન છે. ફક્ત અમુક જ લોકો આ સિદ્ધિ હાંસલ કરી શકે એવું નથી. પરંપરાગત યોગસાધનામાં વર્ણવાયેલી રીતે આ માર્ગ પર ચાલનારી વ્યક્તિ વહેલી કે મોડી આ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે.

માણસ કોઈ પણ સાધના કરે તો તેનું ફળ ચોક્કસ મળે છે. એ સાધના સંગીતની હોય, કોઈ લલિતકળાની હોય, ખેલકૂદની હોય કે પછી બીજી કોઈ હોય, તેનું ફળ મળે જ છે. સાધના કરતી વખતે એ ધ્યાનમાં રાખવું કે તેમાં મન પ્રસન્ન રહેવું જોઈએ.

અપેક્ષાઓ રાખીને સાધના કરવામાં આવે તો ઇચ્છાઓ જન્મ લે છે અને ઇચ્છાઓ મુજબ પરિણામ ન મળે તો નિરાશા આવે છે; અને પરિણામ મળે તો ઘમંડ આવી જાય છે. એને સિદ્ધિનો અહંકાર કહી શકાય.

સાધના કરતી વખતે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો 47મો શ્લોક ધ્યાનમાં રાખવાનો હોય છે:

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥

અર્થાત્, કર્મ કરવાનો જ આપણો અધિકાર છે, પરંતુ તેના ફળ પર આપણો અધિકાર નથી. આથી કર્મના ફળની આસક્તિ રાખવી નહીં અને અકર્મમાં પણ આસક્ત ન થવું. સાધના કરતાં રહેવાથી ભગવાન કૃષ્ણ તેમના હિસાબે આપણા માટે જે જરૂરી હોય તે મુજબ ફળ આપે છે.

આપણું મન વિચલિત ન થાય ત્યારે યોગિક વેલ્થની પ્રાપ્તિ શક્ય બને છે. ક્યારેક કોઈ જગ્યાએ ફરવા જવાનો વિચાર આવે ત્યારે આપણે એ સ્થળ વિશે વાંચવા લાગીએ છીએ, તેને લગતી બધી માહિતી ભેગી કરીએ છીએ અને ટિકિટનું બુકિંગ કરાવી સમગ્ર પ્રવાસનું આયોજન કરીએ છીએ. આ દરેક તબક્કે મન આમથી તેમ ભટક્યા કરે છે. ક્યારેક કોઈ કારણસર પ્રવાસની તારીખોમાં કે સ્થળમાં ફેરફાર કરવો પડે અથવા પ્રવાસ રદ કરવો પડે ત્યારે પણ મન અસ્થિર થઈ જાય છે. મુશ્કેલી આ જ વાતની છે.

તમારે ભગવાનના નામે જ બધું કરવું. જો છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર કરવો પડે કે પ્રવાસ રદ કરવો પડે, તો તેને ભગવાનની ઇચ્છા માની લેવી. ભગવાન આપણને કોઈ અનિચ્છનીય બનાવથી બચાવવા માગતા હશે, તેથી યાત્રા રદ કરવી પડી હોય, એ પણ શક્ય છે.

જોકે, તેનો અર્થ એવો નથી કે આપણે માહિતી ભેગી કરવાનું, બુકિંગ કરવાનું કે આયોજન કરવાનું છોડી દેવું જોઈએ. આપણું કામ તૈયારીઓ કરવાનું છે, પરંતુ છેલ્લે તો ભગવાનની મરજીને તેમના આશીર્વાદ ગણીને સ્વીકારી લેવી.

આવું જ વલણ આપણી ભૌતિકવાદી ઇચ્છાઓ પ્રત્યે પણ રાખવું. બચત કરવી, રોકાણ કરવું, પરંતુ જો કોઈ કામ ધાર્યું ન થાય તો તેને કુદરતી કે ઈશ્વરીય સંકેત ગણી લેવો.

મારા કોઈ ક્લાયન્ટ મને એસઆઇપી (SIP) કરવી કે નહીં એ વિશે પૂછે ત્યારે હું કહું છું કે એસઆઇપી કરવી એ આપણી જવાબદારી છે, પરંતુ તેમાં વળતર આપવું એ ભગવાનનો નિર્ણય છે. સંપત્તિનો સાચો આનંદ માણવા માટે મનને વિચલિત થતું અટકાવવાની જરૂર છે. આ કાર્ય સાધનાથી જ શક્ય બને છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)