આપણે પેટપૂજા શબ્દનો ઉપયોગ ઘણી વખત કરીએ છીએ, પણ તેનો અર્થ જાણી લીધો હોય તો વધુ સારું. ભગવદ્
ગીતાના પંદરમા અધ્યાયના ૧૪મા શ્લોકમાં કહેવાયું છેઃ
अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रित: |
प्राणापानसमायुक्त: पचाम्यन्नं चतुर्विधम् ||
અર્થાત્ હું જ તમામ જીવોના શરીરમાં પ્રાણ અને અપાન વાયુ (આવતા-જતા શ્વાસ)થી સંમિશ્રિત પાચનના અગ્નિનું સ્વરૂપ ધારણ કરું છું અને ચારે પ્રકારના ખોરાકનું પાચન કરું છું. અહીં ચારે પ્રકારના ખોરાકનો અર્થ છે ચાવી શકાય, ચાટી શકાય, ચૂસી શકાય અને ગળી શકાય એવા ખોરાક.
ભગવાન કૃષ્ણ આપણને કહે છે કે તેઓ આપણી અંદર જ છે અને શરીરની આવી પ્રવૃત્તિઓ પણ કરે છે. આથી આપણે અન્ન આરોગતી વખતે એમની પૂજા કરવી જોઈએ. આ જ કારણ છે કે જમતી વખતે આપણે ટીવી જોવું જોઈએ નહીં, બોલવું જોઈએ નહીં અને ફક્ત પેટપૂજા કરવી જોઈએ. આ બાબતનું જેઓ પાલન કરે છે એમને ક્યારેય પાચનને લગતી તકલીફો થતી નથી.

આ જ રીતે આપણે લક્ષ્મી માતાની પૂજા કરવી જોઈએ. તેઓ માતા છે. આપણે માતાનો સ્વાર્થ માટે ઉપયોગ કરતા નથી કે કોઈ બીજાની માતા સાથે સરખામણી પણ કરતા નથી. માતા સાથે હંમેશાં સ્નેહનો વ્યવહાર હોય છે અને એ સંબંધમાં ક્યાંય અસલામતી હોતી નથી. આથી જ કહી શકાય કે સંપત્તિનો-ધનનો ઉપયોગ ફક્ત સ્વાર્થ માટે કરવો જોઈએ નહીં અને કોઈ બીજાની સંપત્તિ સાથે તુલના કરવી જોઈએ નહીં અને અન્યો સાથે ધનની વહેંચણી કરતી વખતે ક્યારેય અસલામતી અનુભવવી જોઈએ નહીં. માતા ક્યારેય કુમાતા થતી નથી. એ જ રીતે લક્ષ્મી માતા પણ ક્યારેય આપણા માટે ખરાબ નહીં થાય. ફક્ત આપણે એટલું ધ્યાનમાં રાખવાનું કે આપણે એનું યોગ્ય સમ્માન અને પૂજા કરીએ.
આપણે ઘણી વાર કહીએ છીએ કે લક્ષ્મી ચંચળ છે. હકીકતમાં આપણે પોતે ચંચળ છીએ અને દોષ લક્ષ્મીજીને આપીએ છીએ.
યોગિક વેલ્થ આપણને દરેક પ્રકારની – શારીરિક, સામાજિક, ભાવનાત્મક અને આર્થિક સંપત્તિની પૂજા કરવાનું શીખવે છે. આપણે જ્યારે પૂજા કરતા હોઈએ છીએ ત્યારે શાંતિ-શીતળતા અનુભવાય છે અને પ્રસન્નતા વર્તાય છે. આ વાત તમામ પ્રકારની સંપત્તિની પૂજાને પણ લાગુ પડે છે. આ બાબતને માતાના ખોળામાં સૂવાની સાથે સરખાવી શકાય. માતાના ખોળામાં આપણને હૂંફ વર્તાય છે અને શાંતિ પ્રાપ્ત થાય છે તથા આપણી બધી ચિંતાઓ દૂર થાય છે. જો આપણે લક્ષ્મીજીની પૂજા કરીએ તો ચોક્કસપણે શાંતિ અને શીતળતા અનુભવાય.
દરેક વ્યક્તિએ આત્મચિંતન કરવું જોઈએ કે જો પોતાની પાસે પૂરતો ખોરાક છે, ક્યારેય પૈસાના અભાવે ભૂખ્યા સૂવું પડ્યું નથી, તન ઢાંકવા માટે પૂરતાં કપડાં છે અને માથા પર છત છે, તો તેના માટે ઈશ્વરનો પાડ માનવો જોઈએ. રોટી, કપડાં, મકાન એ બધું જ હોવા છતાં જો આપણે મનથી વિક્ષિપ્ત હોઈએ તો તેનો અર્થ એવો કે આપણે ચંચળ છીએ, લક્ષ્મી નહીં!

જો માતા લક્ષ્મી આપણને છોડીને જાય તો એમનો દોષ નથી. તેઓ આપણે ત્યાં આવે છે અને આપણી સાથે રહે છે, પરંતુ જો આપણે એમનું યોગ્ય માન-સમ્માન જાળવીએ નહીં તો તેઓ આપણને છોડીને જાય છે. તેઓ જાય ત્યારે એમને દોષ દેવાય નહીં.
દિવાળી હજી હમણાં જ ગઈ છે. આપણે બધાએ માતા લક્ષ્મીની પૂજા કરી અને એમનો આભાર માન્યો. આ કામ ફક્ત રીતિરિવાજ તરીકે અને કરવા ખાતર કરવાનું નથી. તેની પાછળની ભાવના સમજીને શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન થવું જોઈએ. આજે ફરી કહેવાનું કે આપણે એવા દેશમાં જન્મ લીધો છે, જેમાં પૂર્વજોએ અને સાધુ-સંતોએ આપણને આવી સારી દૃષ્ટિ અને સમજણ આપી છે. આપણે આ ભૂમિ પર જન્મ લીધો એ આપણું સૌનું અહોભાગ્ય છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)




