પ્રશ્ન: ટૂંક સમયમાં મારાં લગ્ન છે. મારી ત્વચા પર ડાઘ તેમ જ ચહેરા પર ખીલ છે. એને હટાવવા તેમ જ ચહેરા પર
ગ્લો આવે એ માટે કયા પ્રકારનાં ન્યુટ્રિયન્ટ્સ લેવાં જોઈએ?
– શિવાની જૈન (અમદાવાદ)
ઉત્તર: લગ્ન પહેલાંના સ્ટ્રેસ તેમ જ થાકના લીધે ચહેરો નિસ્તેજ ન થઈ જાય તેમ જ ખીલના ડાઘ ન રહે એ માટે નિષ્ણાતો અમુક પ્રકારનાં પોષક તત્ત્વોની ભલામણ કરે છે, જેમ કે…
વિટામિન-એ: આ એક સ-રસ ઍન્ટિ-ઑક્સિડન્ટ છે, જે તમારી ત્વચાને નવયુવાની બક્ષીને એને તંદુરસ્ત રાખે છે. વિટામિન-એ ત્વચામાંથી કચરો ફિલ્ટર કરી એની જગ્યાએ હેલ્ધી સેલ્સ (કોષ) ભરે છે. વિટામિન-એ તમને દૂધ, બટર, ઘી, દહીં, ઈંડાનો પીળો ભાગ, પાલખ, ફુદીનો, કોથમીર, કેરી, પપૈયાં, ગાજર, ઑરેન્જ, વગેરેમાંથી મળશે.
વિટામિન-બી અને સી: આ વિટામિન સમગ્ર શરીર, અને ખાસ તો ત્વચા માટે સારાં ગણાય છે. તમે તમારા આહારની સાથે ખટાશવાળાં ફ્રૂટ્સ, હોલ ગ્રેન્સ (આખાં અનાજ), ફણગાવેલાં કઠોળ તથા નટ્સ (શીંગ, કાજુ, અખરોટ), વગેરે ઉમેરશો તો બી અને સી વિટામિન્સ મળી રહેશે.
ઓમેગા-થ્રી ઑઈલ: ઓલિવ ઑઈલ, અળસીનાં બીજ, સનફ્લાવર સીડ્સ, અખરોટ, ઈંડાં, વગેરેમાંથી મળતું આ ઑઈલ આપણું બ્લડ સર્ક્યુલેશન વધારે છે.
પાણી: શરીરને અંદર તથા બહારથી સ્વચ્છ રાખવાનું કામ પાણી કરે છે. આથી જ બને એટલું પાણી વધુ પીઓ. પાણી શરીરમાંથી કચરો બહાર કાઢશે, બૉડી ડિટોક્સ કરશે.
ત્વચા માટે સૌથી લાભદાયી ફ્રૂટ્સ અને શાકભાજી છે. એનો ભરપૂર ઉપયોગ કરો, એની મદદથી ડેડ સ્કિન સેલ્સ (મૃતપ્રાય થઈ ગયેલા કોષ)ને નવજીવન મળશે. રોજ સવારે તથા રાતે સૂતાં પહેલાં દિવસઆખાના કામથી થાક અનુભવતા ચહેરા તથા શરીરને સ્વચ્છ પાણીથી ધોવાથી તાજગી અનુભવાશે. ચહેરો હંમેશાં ઠંડાં પાણીથી જ સાફ કરવો. એ ચહેરાની સ્કિનને ટાઈટ રાખવામાં મદદ કરશે.
પ્રશ્ન: હૃદયની બીમારી ધરાવતા લોકોને લોહી ઘટ્ટ થઈ જવા (બ્લડ ક્લોટ)ની સમસ્યા હોય છે. આમાં ડૉક્ટર્સ દ્વારા દવા તો આપવામાં આવે જ છે, પરંતુ કયા પ્રકારનો આહાર લોહીને પાતળું કરવામાં મદદ કરી શકે? ઍન્ટિ-કોગ્યુલન્ટ મેડિસિન સાથે ઍન્ટિ-કોગ્યુલન્ટ ફૂડ પણ હોઈ શકે?

– પ્રકાશ કોઠારી (ભાવનગર)
ઉત્તર: આ સ્થિતિમાં મેડિસિન લેવી તો ફરજિયાત છે જ, સાથે સાથે આદર્શ વજન જાળવી રાખવા હેલ્ધી લાઈફસ્ટાઈલને અનુસરવી પણ જરૂરી છે. આ પ્રકારની દવા સાથે પહેલાં તો વિટામિન-કે યુક્ત આહારનો ત્યાગ કરવો જરૂરી બને. વિટામિન-કે લીલાં પાંદડાંવાળી શાકભાજી તેમ જ કાચા સૅલડમાં કોબી, ટમેટાં, બ્રોકોલી, વગેરેમાં હોય છે, જેને તમારા રોજિંદા આહારમાંથી બાકાત રાખવાં. આની સામે લસણ, આદું, હળદર, એલચી, કૅપ્સિકમ, ગ્રીન ટી તેમ જ ઓમેગા-થ્રી ફૅટ્ટી ઍસિડ ધરાવતા આહારનો ઉપયોગ વધારવો, કારણ કે આ પ્રકારનો આહાર લોહી પાતળું કરવામાં મદદરૂપ થાય છે. દવાની સાથે આ પ્રકારનો આહાર હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરશે.
પ્રશ્ન: મારું વજન વધારે છે. આદર્શ વજન લાવવા માટે ડાયેટને અનુસરી રહી છું, જેમાં હું સવાર-સાંજ બન્ને ટાઈમ ફ્રૂટ્સ લઉં છું. મારો સવાલ એ છે કે મારે ફ્રૂટ્સમાં રહેલી ખાંડની ચિંતા કરવી જોઈએ?

– ક્રિષ્ના શાહ (બોરીવલી)
ઉત્તર: ફ્રૂટ્સમાં ફ્રૂક્ટોઝ નામની શર્કરા હોય છે, જે કાર્બોહાઈડ્રેટ છે. ફ્રૂટ એ તંદુરસ્તીનો એક સુંદર વિકલ્પ છે, જેમાં વિટામિન્સ તેમ જ મિનરલ્સ સારા પ્રમાણમાં હોય છે, જે એક પ્રકારના ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ છે આથી ફ્રૂટ્સની શર્કરાની તમારે ચિંતા કરવાની જરૂર નથી, પણ ફ્રૂટ્સ જ્યુસ ન લેતાં. જ્યુસના બદલે ફ્રૂટ્સ લો, જેથી એમાં રહેલા ફાઈબર્સ પણ તમને પૂરતા પ્રમાણમાં મળી રહે. વજન ઉતારવા માટે ફ્રૂટ્સ તેમ જ સૅલડ એ ઉત્તમ વિકલ્પ છે, જે તમારી ભૂખ તત્કાળ સંતોષવાનું કામ કરશે. હા, જો તમે ડાયાબિટિક હો તો તમારે બધાં ફ્રૂટ્સ ખાતાં પહેલાં ચોક્કસ ડાયેટિશિયનની સલાહ લેવી જરૂરી છે. વધુ ગ્લાયસેમિક ઈન્ડેક્સ (વધુપડતાં ગળ્યાં કે રસાળ-જ્યુસી) ધરાવતાં ફ્રૂટ્સ તમારે અવગણવાં પડે. આ પરિસ્થિતિમાં ફ્રૂટ્સ અમુક જ પ્રકારનાં તેમ જ નિયંત્રિત માત્રામાં લેવાં, નહીં તો ડાયાબિટિક માટે આ પ્રકારની ખાંડ પણ બ્લડ શુગર વધારનારી બનશે.
પ્રશ્ન: શુગર-ફ્રી મીઠાઈ કે શુગર-ફ્રી ઠંડાં પીણામાં શુગર હોતી નથી એટલે એમાં કૅલરી ઓછી હોય એ વાતમાં કેટલું તથ્ય?

– કાવ્ય પટેલ (સુરત)
ઉત્તર: આ વાત તદ્દન ખોટી છે. યાદ રહે, આવી મીઠાઈ તેમ જ ઠંડાં પીણાંમાં ગળપણ ઓછું હશે, પણ ચરબી તથા કૃત્રિમ મીઠાશનું શું? બન્ને વસ્તુનો અતિરેક શરીરને નુકસાન કરશે. એક વાત સમજી લેવી જરૂરી છે કે શુગર વિનાની મીઠાઈમાં પણ સૅચ્યુરેટેડ ફૅટ્સ, માવો, તેલ, વગેરે તો હોય જ છે. એ ઉપરાંત, શુગર-ફ્રી કોલ્ડ ડ્રિન્કમાં વાપરવામાં આવેલા કૃત્રિમ ગળપણમાં પણ કેમિકલ્સ ઉમેરવામાં આવે છે, જે નૉર્મલ શુગર કરતાં વધુ નુકસાનકર્તા બની શકે છે, આથી સુગર ફ્રી મીઠાઈ કે અન્ય આહાર કે પીણાં લેતાં પહેલાં ચોક્કસ વિચારજો, એની પર છાપેલું લેબલ વાંચી લેજો.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)




