દીપાવલી એટલે આનંદ, ઉલ્લાસ અને પ્રકાશનો તહેવાર. દિવાળીને વર્ષનો છેલ્લો દિવસ ગણો કે નવા વર્ષના આરંભ સાથે જોડાયેલું
પર્વ ગણો, એ પોતાની સાથે ઉત્સાહની લહેર લાવે છે અને ઝગમગતા પ્રકાશની સુંદર સૃષ્ટિ સર્જી આપે છે. આ એવો સમય છે, જ્યારે પરિવારના સભ્યો ભેગા થાય છે અને આનંદ-ઉલ્લાસ સાથે ચોળાફળી, મઠિયાં, ચકરીથી લઈને ઘૂઘરા, ઘારી, કાજુકતરી વગેરેની જિયાફત ઉડાડે છે.
જોકે તહેવારની ખુશી વચ્ચે સ્વાસ્થ્યને લગતી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે આ એવો સમય છે, જ્યારે ઠંડીની શરૂઆત થઈ રહી હોય છે. આ સમયે તબિયતનું ધ્યાન રાખવામાં ન આવે તો તહેવારની મજા બગડી શકે છે. આડેધડ ખવાતી વાનગીઓ, ઠંડાં પીણાં અને આ સમયે અનુભવાતા પ્રદૂષણને લીધે ગળામાં દુખાવો, કફ અને ખાંસી જેવી તકલીફ થઈ શકે છે. સતત સગાં-સ્નેહીઓનાં ઘરની મુલાકાતો, ભાગદોડ અને પૂરતી ઊંઘ ન થવાને કારણે પણ તબિયત બગડવાની શક્યતા રહે છે.
દિવાળીની મજા મીઠાઈ વગર અધૂરી છે એ ચોક્કસ, પરંતુ આ મીઠાઈ ખાંડની જગ્યાએ ગોળ, મધ કે કુદરતી મીઠાશ ધરાવતાં ખજૂર અથવા અંજીરની હોય તો? અથવા તો ખાંડનું પ્રમાણ થોડું ઘટાડીને ઘરે જ મનગમતી પરંપરાગત મીઠાઈ બનાવો તો? આ રીતે તમે મીઠાઈનો આનંદ પણ માણી શકશો અને સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખી શકશો.

પર્વો-ઉત્સવોમાં વધુ પડતું ખાવાને બદલે નાસ્તો કે મીઠાઈ આરોગતી વખતે ખોરાકનું પ્રમાણ નિયંત્રિત રાખો. ઓછી માત્રામાં ખાવાથી તમે વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકશો અને સાથે કૅલરીનું પ્રમાણ પણ નિયંત્રણમાં રાખી શકશો.
તહેવારો દરમિયાન ભાગદોડ અને વિવિધ વાનગીઓની મોજમાં શરીરને પૂરતું પાણી આપવાનું ભૂલી જવાય છે. આથી પાચનક્રિયા સારી રહે એ માટે દિવસ દરમિયાન પૂરતું પાણી પીઓ. એનાથી તરસને ભૂખ સમજી લેવાની ભૂલ પણ ટાળી શકાશે.
મીઠાઈ અને નાસ્તા ઘરે બનાવો, જેથી એમાં વપરાતી સામગ્રી અને બનાવવાની રીત પર નિયંત્રણ રાખી શકાય. તેલ, માખણ અને મલાઈનો ઉપયોગ ઓછો કરીને, આરોગ્યપ્રદ રસોઈપદ્ધતિ અપનાવીને, આખાં અનાજ અને ઓછી ચરબીવાળી સામગ્રીનો ઉપયોગ કરીને ઘરનો ખોરાક વધુ આરોગ્યપ્રદ બનાવી શકાય.
શક્કરપારા, ચકરી અને મઠડી જેવાં પરંપરાગત ફરસાણને વધુ તેલમાં તળવાને બદલે બેક કરો, શેકો કે ઍરફ્રાય કરો અથવા આ પ્રકારના નાસ્તાની જગ્યાએ મખાના, શેકેલા ચણા કે મિક્સ ડ્રાયફ્રૂટ્સ ખાઓ.

વધુ પડતી ફૅન્સી વાનગીઓની જગ્યાએ પરંપરાગત આહાર વધુ સ્વીકાર્ય બની શકે છે. જેમ કે, ભોજનમાં કાઠિયાવાડી રોટલો, માખણ અને ભરથાનું શાક અથવા પરંપરાગત ગુજરાતી થાળી ફૅન્સી ફૂડ કરતાં થોડી અલગ, બેજોડ અને યાદગાર લાગશે. આમાં તબિયત મસ્ત રાખવાની સાથે સ્વાદિષ્ટ ભોજન માણ્યાનો સંતોષ પણ થશે.
તળેલા નાસ્તાની જગ્યાએ હાંડવો, મૂઠિયાં કે ઢોકળાંને પ્રાધાન્ય આપી શકાય.
આ ફેસ્ટિવલ દરમિયાન ઘણા દિવસો સુધી વધુ કૅલરીવાળો આહાર લેવાતો હોય છે. ડાયેટની ગણતરી કરવામાં આવે તો અંદાજ આવે કે આપણે છ મહિનાથી કોઈ ચોક્કસ સ્વસ્થ આહારપદ્ધતિને અનુસરતા હોઈએ અને તહેવારોમાં ફક્ત એક અઠવાડિયા સુધી આ પ્રકારનો વધુ કૅલરીવાળો આહાર લઈએ, તોય પાછલા છ મહિનાના કર્યાકારવ્યા પર પાણી ફરી વળે.
આથી જ આ તહેવારોમાં તમે કયા પ્રકારનો આહાર લઈ રહ્યા છો એ બાબતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
આપણે થાળીના ભાગ પાડીને કહેવું હોય તો કહી શકાય કે થાળીનો અડધો ભાગ શાકભાજી અથવા સૅલડથી ભરો, પા ભાગ પ્રોટીનયુક્ત ખોરાકથી અને બાકીનો પા ભાગ કાર્બોહાઇડ્રેટયુક્ત ખોરાકથી ભરો. તહેવારની મીઠાઈ પણ મર્યાદિત માત્રામાં માણો.
જમવામાં નાની થાળીનો ઉપયોગ કરો. મીઠાઈનો એક નાનો ટુકડો જ લો અને બીજી વાર કંઈ લેતાં પહેલાં થોડી રાહ જુઓ. ત્યાર પછી જ નક્કી કરો કે તમને ખરેખર વધુ ખાવાની જરૂર છે કે નહીં.

ઘણી વખત વધુ ઉજાગરા મોડી રાતે ભૂખ લગાડે છે, જેને કારણે ઓવરઈટિંગ થાય છે. આથી બને ત્યાં સુધી સમયસર સૂવાનો આગ્રહ રાખો, જેથી ભૂખને નિયંત્રિત કરતા હોર્મોન્સનું સંતુલન જળવાઈ રહે.
વધુ પડતી ખાંડવાળાં મોકટેલ્સ, સોડા અને વધુ પડતા આલ્કોહોલનું સેવન ટાળો. આ પ્રકારનાં પીણાં બિનજરૂરી કૅલરી વધારે છે અને ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે.
આમ, થોડી હેલ્ધી ટિપ્સની મદદથી તમે દિવાળીના તહેવારને વધુ સારી રીતે ઊજવી શકશો.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)






