પોષણનું ધ્યાન રાખો… મર્યાદિત ચીજ બનાવો… ગૅસ બચાવો…

ઈરાન-અમેરિકાનું યુદ્ધ અટકવાનું નામ લેતું નથી… અને યુદ્ધ પૂરું થઈ ગયું તો પણ મહિનાઓ સુધી એની અસર તો વર્તાશે જ…

આટલું વાંચીને તમને થશે કે આહાર-વિહાર  કૉલમમાં તે વળી યુદ્ધની વાત શા માટે?

એનું કારણ એ કે આ યુદ્ધને કારણે ભારત સહિત અનેક દેશમાં પેટ્રોલ-ડીઝલ ઉપરાંત રાંધણગૅસની અછતની નોબત આવી છે. અછત ન હોય તો પણ એના ભાવ બહુ વધ્યા છે. હવે ગૅસના ભાવ વધે તો આપણી ગૃહિણીના ઘરનું બજેટ ખોરવાઈ જ જાય ને? હવે આ હાલતમાં કરવાનું શું?

જવાબ છે: કરવાનું એ કે રસોઈ બનાવવા માટે ગૅસના વિકલ્પ હોય તો એ વિશે વિચારવાનું અને બે, રોજેરોજ ચાર-પાંચ કે સાત-આઠ અલગ અલગ વસ્તુ બનાવવાને બદલે પૂરતું પોષણ મળી રહે એવી મર્યાદિત ચીજ જ બનાવવાની.

સોલાર કૂકર, દેશી ચૂલા, ઈન્ડક્શન પ્લેટ, માઈક્રોવેવ કૂકિંગ એ એવાં ઉપકરણો છે કે જેની મદદથી રાંધણગૅસ સિવાય પણ આપણે રસોઈ બનાવી શકીએ છીએ. અલબત્ત, અમુક પદ્ધતિમાં સમય તેમ જ અનુકૂળ જગ્યા જરૂરી બને છે, જ્યારે ઈન્ડક્શન તેમ જ માઈક્રોવેવ કૂકિંગ એની સરખામણીએ ઝડપથી અને કોઈ પણ જગ્યાએ ઉપલબ્ધ થઈ શકે છે. અગર ઘરમાં કે ફ્લૅટ સાથે અગાશી હોય તો સોલાર કૂકર અમુક પ્રકારની વાનગી માટે સારું પરિણામ આપે છે. જેમને સવારે વહેલી રસોઈ બનાવીને ટિફિન તૈયાર કરવાનું હોય એમના માટે આ ઉપકરણનો ઉપયોગ કરવો મુશ્કેલ છે.

જો કે અત્યારના સમયમાં ૬૫ ટકાથી વધુ લોકોની આ જ જીવનશૈલી બની ગઈ છે. સોલાર કૂકરમાં રસોઈ બનાવવામાં વધુ સમય લાગતો હોવાથી આ કુદરતી તેમ જ હેલ્ધી વિકલ્પ હોવા છતાંય એનો ઉપયોગ મર્યાદિત છે, છતાં પણ અમુક ચોક્કસ પ્રકારની વાનગીની તૈયારી માટે એનો ઉપયોગ કરી શકાય. શાકભાજીને સાંજ માટે બાફવા કે પછી દાળ કે કઠોળને ચડાવવા માટે તેમ જ ભાત, ખીચડી જેવા સાંજના મેનુ માટે આ કૂકરનો ઉપયોગ કરી શકીએ. કોઈ ચોક્કસ પ્રકારની વાનગી ચૂલાની મદદથી બનાવવામાં આવે તો એ અલગ જ સ્વાદ આપે છે. એમાં પણ ભોજન બનતાં વાર તો લાગે છે, પણ નિયમિત ઉપયોગ કરવાવાળી વ્યક્તિને એ વાપરવામાં બહુ વાંધો આવતો નથી.

આ ઉપકરણોની સરખામણીએ ઈન્ડક્શન તેમ જ માઈક્રોવેવનો ઉપયોગ વધુ ઝડપી તથા અનુકૂળ પડે એવો છે, કારણ કે આ બન્ને પ્રકારનાં સાધનો ઓછી જગ્યા રોકે એવાં છે અને કોઈ પણ જગ્યાએ એને ગોઠવી શકાય છે.

ગૅસની બચત ફક્ત રસોઈ બનાવવાનાં બીજાં સાધનોના ઉપયોગથી જ કરી શકાય એવું નથી, પરંતુ એવી વાનગી તૈયાર કરવી જેથી એનો ઉપયોગ મર્યાદિત થાય. એ માટે સૌપ્રથમ દરરોજ દાળ, ભાત, શાક, રોટલી અને સંભારો, પાપડ જોઈએ જ એ આપણી પરંપરા બદલવાની જરૂર છે, કારણ કે જેટલી વધુ વાનગી એટલું વધુ બળતણ આથી આપણી આ આદત પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

એનો એક વિકલ્પ છે: સિંગલ સર્વ મીલ.  એટલે કે એક જ વાનગી બનાવવાની, જે પૌષ્ટિક તો હોય જ, સાથે સાથે એ માટે ગૅસનો ઉપયોગ ઓછો થતો હોય. એમાં પણ તમે ઘણી વૈવિધ્યસભર વાનગી બનાવી શકો છો, જે જુદાં જુદાં વયજૂથની વ્યક્તિ માટે સ્વીકાર્ય બની શકે. વિવિધ પ્રકારની ખીચડી, દાળ-રાઈસ, દાળઢોકળી, વેજિટેબલ ઉપમા કે ઓટ્સ તથા રોટલી, રોટલો કે પછી થેપલાંની સાથે શાક જેવી પારંપરિક રસોઈથી લઈને મેક્સિકન રાઈસ, બરિતો બાઉલ, રશિયન સૅન્ડવિચ, વેજિટેબલ નૉન-ગ્રિલ્ડ સૅન્ડવિચ, હમસ, ઓમલેટ, ફ્રાઈડ રાઈસ જેવી મલ્ટિ કૂઝીન રૅસિપીઝ પણ ઓછા ગૅસના વપરાશની મદદથી બની શકે છે.

આ ઉપરાંત, સ્પ્રાઉટ્સ સૅલડ, રશિયન સૅલડ, ચિકપીસ સૅલડ, ઓવરનાઈટ ઓટ્સ, અલગ અલગ પ્રકારનાં રાયતાં, સ્મૂધીઝ, વગેરે વિકલ્પો છે કે જે ખૂબ જ હેલ્ધી હોવાની સાથે સાથે ઝીરો કૂકિંગની જરૂરતવાળા છે. બસ, જરૂર છે આપણી આદત બદલવાની. જો આપણે આપણી રોજની ફૂલ મીલ પૅટર્ન બદલીને દાળ-ભાત અથવા રોટલી-શાકની સાથે સ્પ્રાઉટ્સ અથવા સૅલડ ડિશનો સમાવેશ કરીએ તો આપણે ઓછા કૂકિંગ દ્વારા એક સમતોલ આહાર પણ મેળવી જ શકીશું. બીજું, કઠોળ કે દાળ બનાવતાં પહેલાં વધુ સમય સુધી પલાળીને ગૅસ પર મૂકવાથી એનો કૂકિંગ ટાઈમ ઘટાડી શકીશું. શાકને થોડાં ઝીણાં સમારીને વઘાર કરવાથી પણ ઓછા સમયમાં એ તૈયાર થઈ જશે. એક વાનગીથી બીજી વાનગીની તૈયારી કરતી વખતે સ્ટવ બંધ કરવાનું ચૂકાય નહીં એનું પણ અવશ્ય ધ્યાન રાખવું.

પેટ્રોલ કે રાંધણગૅસની બચત એ કદાચ આપણી વ્યક્તિગત જરૂરત ન હોય એવું પણ બની શકે, પરંતુ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એક દેશના નાગરિક તરીકેની પણ આપણી જવાબદારી બને છે કે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે હેલ્ધી આહાર તો ચોક્કસ લઈએ જ, પણ સાથે ઈંધણનો બચાવ પણ કરીએ, જેથી જેમને વ્યક્તિગત જરૂરત છે એમને આપણે કારણે પુરવઠામાં તકલીફ ન પડે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)