ચૈત્ર મહિનાની શરૂઆત થઈ છે. મહારાષ્ટ્રમાં ગુડી પડવાની ઉજવણી સાથે આ હિંદુ નવવર્ષની શરૂઆત થાય છે. વ્રત
ઉપવાસના આ મહિનામાં આ સાથે નવરાત્રિ પણ શરૂ થાય છે. આ એ જ મહિનો છે જ્યારે અલૂણાં વ્રત કરાય છે. અલૂણાં એટલે કે મીઠા (નમક) વગરનો આહાર લેવો. એ વિશે આપણામાંથી ઘણાને માહિતી હશે જ, પરંતુ ક્યારેય એવું વિચાર્યું છે કે આખા વર્ષમાં ફક્ત આ ચૈત્ર મહિનામાં જ નમકની પરેજી શા માટે રાખવામાં આવે છે? આ જ મહિનામાં ઘણા લોકો લીમડાનાં પાનનો રસ પણ પીવે છે. કહેવાય છે કે આ દિવસોમાં લીમડાનાં પાનનો રસ પીવાથી આખું વર્ષ સ્વાસ્થ્ય સારું રહે છે. આ વાતમાં કેટલું તથ્ય છે?
ખરેખર જોવા જઈએ તો આપણી ભારતીય પરંપરા કોઈ આધુનિક વિજ્ઞાનથી લગીરે ઊતરતી નથી. જો કે આ હકીકત આપણે ત્યારે જ જાણી શકીએ જ્યારે આપણે આ બધી પરેજી તેમ જ આહારવિજ્ઞાનને જાણવાનો પ્રયત્ન કરીએ.
માર્ચ મહિનાથી લઈને એપ્રિલ સુધીનો સમયગાળો કે જે વખતે ચૈત્રી નવરાત્રિ કે અલૂણાં વ્રત આવે છે, એને અગર ઉનાળાની શરૂઆત સાથે એકરૂપ કરવામાં આવે તો સાયન્ટિફિક રીતે જાણી શકાય કે ઓછું નમક એ શરીરમાં આ સમયે ઉત્પ્ન્ન થતી વધુપડતી ગરમી તેમ જ ડિહાઈડ્રેશન સામે રક્ષણ આપે છે. વધુપડતું નમક શરીરનું તાપમાન વધારી શકે છે, જેને કારણે હીટ સ્ટ્રોકના ચાન્સ પણ વધે છે.

આ સમયે મીઠાનો નિયંત્રિત ઉપયોગ શરીરને ડિટોક્સિફાય (શરીરમાંથી હાનિકારક તત્ત્વોનો નિકાલ) કરવામાં મદદ કરે છે. આ એક એવી પ્રક્રિયા છે જે લોહી કે લીવરમાંથી હાનિકારક ટોક્સિન્સને દૂર કરીને શરીરને સ્વસ્થ અને શુદ્ધ બનાવે છે. આ એવો સમય છે કે જ્યારે ગરમીની શરૂઆત થતી હોવાને કારણે પિત્ત, ઍસિડિટી જેવી તકલીફો વધે છે. આથી જ આપણી પરંપરા મુજબ ઓછા મીઠાયુક્ત હળવો તેમ જ સાત્ત્વિક હોવાની સાથે ઠંડક પ્રદાન કરે એવો આહાર આ સીઝનમાં આયુર્વેદ દ્વારા સૂચવવામાં આવ્યો છે.
મીઠાનો ઉપયોગ ગરમીમાં ઓછો કરવાનાં મુખ્ય કારણોમાં સૌપ્રથમ તો છે ગરમી સામે રક્ષણ મેળવવું એટલે કે હીટ મૅનેજમેન્ટ. નમક શરીરમાં પ્રવાહી તથા ગરમી જાળવી રાખવાનું કામ કરે છે. આથી જ એનું પ્રમાણ ઘટાડવાથી હીટ સ્ટ્રોકની શક્યતા અને શરીરની અંદરના તાપમાનને વધતાં અટકાવી શકાશે. મીઠાનો નિયંત્રિત ઉપયોગ પાચન પણ સુધારી શકશે. ગરમીને કારણે પાણી ઓછું લેવાય તો આ સમયગાળા દરમિયાન પાચનને લગતી સમસ્યા પણ વધે છે. આથી જ ચૈત્ર માસમાં સાત્ત્વિક આહારને મહત્ત્વ આપવામાં છે, જેના દ્વારા બૉડી ડિટોક્સ થઈ શકે છે તેમ જ પાચન પણ સુધરે છે. સિંધવ નમક અથવા રૉક સૉલ્ટના નિયંત્રિત ઉપયોગથી કિડની પર પણ ઓછો ભાર લાગે છે.
ચૈત્ર મહિનામાં એટલે કે માર્ચ-એપ્રિલના સમય દરમિયાન લીમડાનાં પાનનો રસ સવારના સમયે ભૂખ્યા પેટે પીવાથી શરીરને અનેક ફાયદા મળી શકે છે. લીમડાનાં કૂણાં પાંદડાં અને એનાં નાનાં સફેદ રંગનાં ફૂલમાંથી રસ બનાવવામાં આવે છે. આ એક પારંપરિક આયુર્વેદિક આદત છે, જે શરીરમાં રહેલાં ઝેરી-હાનિકારક તત્ત્વોનો નિકાલ કરીને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરનું તાપમાન ઘટાડે છે, જેથી ઠંડક પ્રદાન થાય છે. આ રસ આપણા શરીરમાંથી કફ, પિત્ત દોષ જેવી પાચનને લગતી સમસ્યા દૂર કરી શકે છે, ત્વચા ચોખ્ખી કરે છે તથા આ બદલાતી ઋતુમાં લીવરને એનું કાર્ય કરવામાં સહાય કરે છે. આ પ્રકારના રસનું સેવન ચૈત્ર માસની શરૂઆતથી લઈને લગભગ 10થી 15 દિવસ સુધી રોજ કરવાથી વર્ષ દરમિયાન હેલ્થ સારી રહે છે. સવારના સમયે આ રસ લીધા બાદ એક કલાક સુધી કાંઈ ખાવું નહીં. એની મદદથી સીઝનલ ઈન્ફેક્શન તેમ જ એલર્જી સામે રક્ષણ મળે છે અને મેટાબોલિઝમ સુધરે છે. આ કડવો, પણ ગુણકારી રસ લોહીના શુદ્ધીકરણમાં પણ ફાળો આપે છે. એટલે જ નવા વર્ષની શરૂઆતમાં હેલ્થ સારી રાખવા માટે કડવાશયુક્ત આયુર્વેદિક ઉપાય તરીકે લીમડાનો રસ અજમાવી શકાય.

ગરમીની શરૂઆતમાં શરીરને ઠંડું રાખવા માટે પ્રવાહી પૂરતા પ્રમાણમાં લેવું. મધ્યાહ્ન પહેલાં નાળિયેરપાણીમાં તુલસીનાં બીજ નાખીને લઈ શકાય. બપોરના જમવામાં દહીં કે છાશનો ઉપયોગ ચોક્કસ કરવો, જેમાં તાજાં શેકાયેલાં જીરુંનો ભૂકો ઉમેરવો, જે આપણને ઠંડક તો આપે જ છે, સાથે સાથે પાચનમાં મદદ કરે છે. સાંજના સમયે અથવા રાત્રે જમવાની સાથે કેળાં લઈ શકાય, કારણ કે કેળાં પણ પેટને લગતી સમસ્યા નિવારનાર તેમ જ ઠંડક પ્રદાન કરનાર છે. સોડિયમ તેમ જ પોટેશિયમ જેવાં સત્ત્વો સારા પ્રમાણમાં રહેલાં હોવાથી કેળાં શરીરના ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવવા પણ ઉપયોગી છે. ગરમીમાં ઈલેક્ટ્રોલાઈટનું અસંતુલન થવાના ચાન્સ વધુ રહે છે. તો આ સીઝનમાં નમકનો ઉપયોગ ઘટાડવો જરૂરી છે એટલું જ જરૂરી ઠંડક આપે એવાં ખાદ્યો કે પ્રવાહીનો નિયમિત ઉપયોગ કરવો, સાથે સાથે લીમડાનાં પાનના રસનું સેવન અચૂક કરવું.
કાળઝાળ ગરમીના દિવસોમાં શરીર ઠંડું રાખવા મીઠું ઓછું લો… અને લીમડાનો રસ પીઓ.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)




