બ્લડ શુગરનું લેવલ બરાબર જાળવવા આટલું ધ્યાન રાખો

પ્રશ્ન: ડાયાબિટીસ માટે મેથીના દાણા કેટલા અને કઈ રીતે અસરકારક છે? એ સિવાય શુગર કન્ટ્રોલ માટેનો બીજો કોઈ વિકલ્પ છે?

છાયા પાઠક (સુરત)

ઉત્તર: ડાયાબિટીસ માટે મેથીના દાણા ખૂબ જ ફાયદાકારક છે. એમાં રહેલા ફાઈબર તથા એમિનો ઍસિડ્સ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. મેથીના દાણામાં સોલ્યુબલ ફાઈબર અને આલ્કલોઈડ્સ હોય છે, જે શરીર દ્વારા કાર્બોહાઈડ્રેટ્સ અને ખાંડ શરીરમાં ભળવાની પ્રક્રિયા ધીમી પાડે છે, જેથી જમ્યા પછી શુગર વધતી રોકાય છે. મેથીના દાણામાં રહેલું ટ્રોગોનેલિન નામનું તત્ત્વ (આલ્કલોઈડ) ઈન્સ્યુલિનના સ્રાવને વધારવામાં મદદ કરે છે એ પણ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે.

આ ઉપરાંત, મેથી સીડ્સ પ્રોબાયોટિક્સ પણ છે, જે તમારા ચયાપચયને વધુ સારી રીતે કાર્ય કરવામાં હેલ્પ કરે છે. એ ટાઈપ-વન અને ટાઈપ-ટુ બન્ને પ્રકારના ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ માટે ફાયદાકારક છે. મેથી ખાવાથી ખોરાકના પાચન પછી એ શરીરમાં સારી રીતે ભળે છે (એબ્ઝોર્પ્શન થાય છે), જેનાથી શુગર કન્ટ્રોલમાં રહે છે.

મેથીના દાણા ઉપરાંત કારેલાંનો જ્યુસ પણ ખૂબ ફાયદાકારક છે, એને કુદરતી ઈન્સ્યુલિન ગણવામાં આવે છે, એમાં પી-ઈન્સ્યુલિન નામનું ઈન્સ્યુલિન જેવું કમ્પાઉન્ડ હોય છે. એ લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. એમ તો પનીરનાં ફૂલ, જાંબુના ઠળિયાનો પાવડર, વગેરે પણ શુગરને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

અલબત્ત, આવી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં તમારું શુગર લેવલ જાણવું જરૂરી છે. એ પ્રમાણે જ તમે શુગર ઘટાડનારાં તત્ત્વોનો ઉપયોગ કરો એ હિતાવહ છે, અન્યથા તમારું શુગર એકાએક વધી કે ઘટી શકે છે અને એ જોખમી બની શકે છે. બહેતર છે કે એ માટે કોઈ ક્વૉલિફાઈડ ડાયેટિશિયનની સલાહ લેવામાં આવે.

પ્રશ્ન: ઠંડીની ઋતુમાં રાતે દહીં ખાવાથી શરદી થાય એ વાતમાં કેટલું તથ્ય છે?

કિંજલ ચાવડા (અમદાવાદ)

ઉત્તર: એક વાત ચોક્કસ છે કે શરદી થવાનું મુખ્ય કારણ વાઈરસ છે, જે એક વ્યક્તિ બીજીને, બીજી ત્રીજીને એમ ફેલાવતા જાય છે. દહીં તો આપણાં પેટ, હાડકાં અને તંદુરસ્તી માટેનો એક ઉત્તમ આહાર છે. એક કપ દહીં કૅલ્શિયમની દૈનિક જરૂરતનાં ૭૦ ટકા પૂરા પાડે છે, એમાં કૅલ્શિયમ અને વિટામિન ડી હોય છે, જે હાડકાંના નિર્માણમાં તથા એને સારાં રાખવામાં પણ મદદ કરે છે. દહીંમાં પ્રોબાયોટિક્સ તથા લેક્ટિક ઍસિડ હોય છે, જે પાચનતંત્ર માટે સારા છે. પ્રોબાયોટિક એટલે સારા બૅક્ટેરિયા. નિષ્ણાતોનાં મંતવ્ય મુજબ સારા બૅક્ટેરિયાનું સંતુલન જાળવવામાં આવે તો ખરાબ બૅક્ટેરિયા આપણને નુકસાન કરી શકતા નથી અથવા એની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. ખરેખર તો દહીંમાં રહેલા હેલ્ધી બૅક્ટેરિયા આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી-ફ્લૂથી દૂર રાખે છે.

દહીં તમે દિવસે કે રાત્રે ખાઈ શકો છો. એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે કોઈ એલર્જી, ન્યુમોનિયા અથવા બ્રોન્કાઈટિસથી પીડાતા હોય એવા લોકોએ દહીં લેવાનું ટાળવું જોઈએ. એમાં પણ બહુ ખટાશવાળું તેમ જ ઠંડું દહીં આવા લોકોને નુકસાન કરી શકે છે. આયુર્વેદ મુજબ સાંજે અથવા રાત્રે દહીં લેવાથી એ પાચનને લગતી સમસ્યા ઊભી કરે છે. જે લોકોને આર્થરાઈટિસની તકલીફ હોય એમને તો કોઈ પણ સમયે દહીં લેવું હિતાવહ નથી, કારણ કે દહીંના ઍસિડિક કમ્પાઉન્ડને કારણે એમને સોજા આવી શકે છે. મતલબ કે અગર તમે સંપૂર્ણપણે સ્વસ્થ હો તો તમે દિવસના ગમે તે સમયે દહીં ખાઈ શકો. એટલું ચોક્કસ છે કે તમારું રાતનું ભોજન સૂતાંના બે કલાક પહેલાં લઈ લેવું, જેથી એ પચવા માટે પૂરતો સમય મળી રહે. બજારમાં તૈયાર મળતા ફ્રોઝન યોગર્ટ બને ત્યાં સુધી ટાળવા.

પ્રશ્ન:: કૉલેસ્ટરોલ ઘટાડવામાં ફ્લેક્સ સીડ્સ કઈ રીતે ઉપયોગી છે? દિવસ દરમિયાન ફ્લેક્સ સીડ્સ કેટલાં પ્રમાણમાં લેવાં જોઈએ? એનો પાવડર બનાવીને ઉપયોગ કરવો વધુ ફાયદેમંદ છે?

દીપ્તિ ઠક્કર (અંધેરી-મુંબઈ)

ઉત્તર: અળસી એટલે કે ફ્લેક્સ સીડ્સમાંથી ઓમેગા-થ્રી ફૅટી ઍસિડ્સની સાથે સાથે ફાઈબર અને લિગ્નન્સ મળે છે, જે શરીર માટે જોખમી ગણાતું કૉલેસ્ટરોલ (બૅડ કૉલેસ્ટરોલ/એલડીએલ) તેમ જ ટોટલ કૉલેસ્ટરોલ લેવલ ઘટાડવામાં મદદરૂપ થાય છે. ફ્લેક્સ સીડ્સને પાવડર બનાવીને લેવાની ભલામણ કરવામાં આવે છે, કારણ કે આખાં સીડ્સ કરતાં એ પચવામાં સરળ છે.

ફ્લેક્સ સીડ્સ આમ તો ઓમેગા-થ્રી ફૅટી ઍસિડનો બહુ સારો સ્રોત છે એ સાચું, પણ સાથે સાથે એ ચરબીયુક્ત પણ હોય છે એટલે તમે રોજના પાંચથી દસ ગ્રામ પણ લઈ રહ્યા છો તો તમારે એટલી ચરબીની તમારા રોજિંદા આહારમાંથી બાદબાકી કરવી જોઈએ. રોજનું કેટલું ઓમેગા-થ્રી ફૅટી ઍસિડ લેવું જોઈએ એનું કોઈ નિશ્ર્ચિત પ્રમાણ નથી, છતાં પણ એકથી દોઢ ગ્રામ લઈ શકાય. એક ટેબલ સ્પૂનમાંથી ૧.૬ ગ્રામ ઓમેગા ફૅટી ઍસિડ્સ મળી રહે છે, જેમાંથી તમારી દૈનિક જરૂરત પૂરી થઈ શકશે. ખોરાકમાં અળસીનાં બીજ ઉમેરવાથી આંતરડાંની ગતિવિધિમાં વધારો થઈ શકે છે. એનાથી પેટ ફૂલવું, ગૅસ, પેટમાં દુખાવો તેમ જ ઊબકા જેવી આડઅસર પણ થઈ શકે છે આથી એને નિયંત્રિત માત્રામાં લેવાય એ જરૂરી છે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)