માઈન્ડફુલ ઈટિંગ: ભૂખનાં ગણિત-વિજ્ઞાન સમજો…

દરેક વ્યક્તિની પોતાની પ્રકૃતિ (તાસીર) અલગ અલગ હોય છે, જેને કારણે એમની ખોરાક પચાવવાની ક્ષમતા-આહારની અનુકૂળતા, વગેરે પણ અલગ હોય છે. અમુક પ્રકારનો ખોરાક કોઈ વ્યક્તિને માફક આવતો હોય, જ્યારે એ જ ખાદ્ય પદાર્થ બીજાને અનુકૂળ ન હોય એવું પણ બની શકે છે. આયુર્વેદ કહે છે કે પોતાની પ્રકૃતિ સમજીને આપણે જે-તે ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરીએ તો હંમેશાં નીરોગી રહી શકીએ.

પ્રકૃતિને જાણવા માટેની સૌપ્રથમ ચાવી છે કે આપણે આહાર નિયંત્રિત માત્રામાં લઈએ એટલે કે ભૂખ કરતાં ઓછું ખાવું. ઘણી વખત સ્વાદને અનુરૂપ થઈને આપણે જરૂરતથી વધારે પડતા આહારનું સેવન કરીએ છીએ, પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં ઓછો આહાર લેવો એ વધુ હિતાવહ છે.

એટલું જ મહત્ત્વનું છે, ભૂખ લાગે ત્યારે જ ખોરાક લેવો. સ્વાદિષ્ટ વ્યંજનોના મોહમાં ભૂખ વગરનો ખાદ્ય પદાર્થ આરોગવાની આદત શરીર માટે જોખમી સાબિત થઈ શકે છે એટલે કડકડતી ભૂખ લાગે એ વખતે ખોરાક લેવો, કારણ કે એ જ શરીરને આહારની જરૂરત હોવાનું દર્શાવતો સંકેત છે.

રોજિંદો ખોરાક શુદ્ધ, સંતુલિત, શક્તિવર્ધક, પૌષ્ટિક, સરળતાથી પચી જાય એવો તથા પોતાની પ્રકૃતિને અનુરૂપ હોવો જોઈએ. આહાર બનાવવામાં તેમ જ આહાર લેવામાં પણ માનસિક અસર થતી હોય છે. મન વગર અથવા ગુસ્સામાં બનાવેલા ભોજનના ભાવ તેમ જ ભોજનના સ્વાદનો પ્રભાવ એ ખોરાક લેનારી વ્યક્તિ પર પડ્યા વગર રહેતો નથી. આપણે માનસિક રીતે વ્યગ્ર કે ઉદાસ હોઈએ ત્યારે પણ આહારની વિપરીત અસર પડે છે આથી રસોઈ હંમેશાં પ્રસન્ન મનથી બનાવવી તેમ જ પ્રસન્ન ચિત્તે આરોગવી. જીવન જીવવા માટેનો એક વીઆઈપી પાસ છે અને એ છે: માઈન્ડફુલ ઈટિંગ.

આપણે જે આહાર લઈ રહ્યાં છીએ એ પોષક અને આરોગ્યવર્ધક છે કે નહીં એ વિશે આપણે ચિંતિત હોઈએ છીએ અને એ ચોક્કસપણે મહત્ત્વનું છે, પરંતુ તમારો આહાર ચાહે ગમે એટલો પૌષ્ટિક કેમ ન હોય, અગર તમે એને સાચી રીતથી નહીં લો તો તમે તમારો ખોરાક વેસ્ટ કરી રહ્યા છો.

માઈન્ડફુલ ઈટિંગ માટેની મુખ્ય બાબતોમાં સૌપહેલાં તો ફોન કે સ્ક્રીન વગર ખાવાની આદત પાડો તેમ જ શાંતિથી ખાવ. બીજું કે મન લગાવીને ખાવ, આહારનો આનંદ લો-એને સમ્માન આપો. એનો કલર, સ્વાદ, સુગંધ તેમ જ ટેક્સ્ચરનો અનુભવ કરો. જે લાગણીથી ખોરાક બનાવાય છે કે પછી એને ખવાય છે આહાર એ પ્રકારનું રિઍક્શન શરીરમાં કરે છે. આ બાબત અંગે ઘણાં રિસર્ચ થયાં છે અને ત્યાર પછી જ માઈન્ડફુલ ઈટિંગનું મહત્ત્વ વધ્યું છે.

આ બાબતો ધ્યાનમાં રાખીને અગર આહાર લેવામાં આવે તો એ તમારા શરીર માટે ઔષધિ જેવું કાર્ય કરશે અને આથી જ આપણી ભારતીય સંસ્કૃતિમાં ભોજન બન્યા બાદ સૌપ્રથમ ભગવાનને થાળ ધરાવવાની પરંપરા છે, જેથી એને આરોગવાથી આપણામાં આધ્યાત્મિક ભાવ જન્મે. ખોરાક હંમેશાં તાજો લેવો. રાંધ્યાના ત્રણથી ચાર કલાક પછી આહાર વાસી બની જાય છે આથી શક્ય હોય ત્યાં સુધી રસોઈ બનવાના એકાદ કલાકમાં જ ભોજન ગ્રહણ થાય એવો પ્રયત્ન કરવો. અતિશય તીખો, ખારો, ખાટો, વધુપડતો ગરમ કે ઠંડો ખોરાક રોગ જન્માવે છે એટલે એવો ખોરાક ટાળવો. આયુર્વેદના મુખ્ય લેખકોમાંના એક એવા મહર્ષિ ચરકે શીખવ્યું છે કે સારા સ્વાસ્થ્ય માટે ત્રણ શારીરિક દોષોનું સંતુલન જરૂરી છે: વાત, પિત્ત અને કફ. આ શારીરિક સંતુલન જાળવી રાખવા માટે કોઈ પણ એક રસનો અતિરેક ન કરવો. વધારે પડતો ગળ્યો આહાર શરદી, કફ, કૃમિ, કાકડા, ડાયાબિટીસ, વગેરેને આમંત્રણ આપે છે, જ્યારે વધુ ખાટા અને તીખા પદાર્થ ઍસિડિટી, આમવાત, બળતરા, સાંધાનો દુખાવો, વગેરે સમસ્યા નોતરે છે. સંતુલિત એટલે માપસર ગળ્યો, ખાટો, તીખો, તૂરો, કડવો, ખારો આહાર લેવો, જે શરીરને સ્વસ્થ રાખવા માટે મદદરૂપ છે.

અગર ઘરની એક વ્યક્તિને અમુક આહાર અનુકૂળ ન હોય તો એને કારણે બાકીની વ્યક્તિને પણ એ આહાર ન મળે એવું ન હોવું જોઈએ, જેમ કે ઘરમાં કોઈને ડાયાબિટીસ છે તો બીજી વ્યક્તિ પણ ખાંડ કે ગોળ વગરનું ભોજન લેશે તો એની શુગર ઘટવાની શક્યતા રહે છે આથી બાકીની વ્યક્તિ બાકાત ન રહે એનું ધ્યાન રાખવું જરૂરી છે. અગર કોઈ પ્રકારના કઠોળથી અમુક વ્યક્તિને ગૅસની સમસ્યા થતી હોય તો જે-તે વ્યક્તિ એનો ઉપયોગ અવશ્ય ટાળે, પરંતુ કઠોળ એ શાકાહારી માટે પ્રોટીનનો મુખ્ય સ્રોત છે જેથી એ ઘરમાં બનવું જ જોઈએ. પાચન સુધારવા માટે આદું, મરી, આંબળાં, લીંબુ, વગેરેનો ઉપયોગ કરવો. ભૂખ ઉત્તેજવા માટે કોથમીર ચટણી, ફુદીનાની ચટણી, સૅલડ, વગેરેનો ઉપયોગ કરી શકાય.

પાણી ઠંડું ન પીવું. જમવા બેસતી વખતે દસેક મિનિટ પહેલાં પાણી ન પીવું, જમતાં જમતાં પાણી પીવાની આદત હોય તો પાણીની જગ્યાએ છાશનો ઉપયોગ કરવો. જમ્યા બાદ તુરંત પણ પાણી ન પીવું. કમ સે કમ ૧૦થી ૧૫ મિનિટ બાદ પાણી પીવું. પાચન સુધારવા માટેનો આ ઉત્તમ ઉપાય છે. પાચનને લગતી સમસ્યાનું આ પ્રકારે થોડું ધ્યાન રાખવાથી પણ નિરાકરણ આવી શકે છે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)