નોરતાંમાં ઉપવાસ કરવાના છો? તો આટલું ધ્યાન રાખજો…

પ્રશ્ન: શ્રાદ્ધના દિવસોમાં ખીર ખાવી જોઈએ એવી માન્યતા છે. શું આ પાછળ કોઈ આયુર્વેદિક કે હેલ્થને લગતું તથ્ય છે?

– હર્ષદ કક્કડ (મીરા રોડ, મુંબઈ)

ઉત્તર: ભાદરવી પૂનમથી લઈને અમાસ સુધીના પિતૃપક્ષના સમયગાળાને ભારતીય હિંદુ પરંપરા મુજબ શ્રાદ્ધનો સમયગાળો ગણવામાં આવે છે. આ સમય દરમિયાન પરિવારજનના શ્રાદ્ધના દિવસે દૂધપાક અથવા ખીર બનાવવામાં આવે છે. વર્ષાઋતુની ઠંડક તથા ભેજયુક્ત વાતાવરણ અચાનક બદલાઈને ધોમધખતો ભાદરવાનો તાપ શરૂ થાય છે. બહારના તાપમાનની અસર શરીરના અંદરના ભાગમાં પણ થવાની જ. આ સમયે ઠંડી વાનગીની જગ્યાએ શરીરને અંદરથી ઠંડક મળે એવી વાનગી ખાવી જરૂરી છે. આથી જ આપણી ભારતીય પરંપરામાં આ સમયે દૂધ અને ચોખામાંથી બનેલી વાનગીનો ઉપયોગ કરવામાં આવે છે.

ખીર તેમજ દૂધપાક એ વર્ષોથી આપણે ત્યાં પ્રચલિત એવી વાનગી છે. આયુર્વેદના જણાવ્યા મુજબ, એ પેટને ઠંડક પહોંચાડવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત, પ્રસાદમાં ભગવાનને ધરાવવા માટે પણ આવી વાનગીનો ઉપયોગ થાય છે અને આ એક પ્રકારનો ડિટોક્સ ડાયેટ પણ છે, જેથી આ સીઝનમાં એનો ઉપયોગ ફાયદાકારક છે.

ખીરની વાત કરીએ તો, એ બનાવવામાં દૂધ, ચોખા અને ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે કુદરતી તત્ત્વોથી બનેલી ખીર સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક પણ છે, જેમાં ઓછી કૅલરી અને લગભગ એક મધ્યમ કદની વાટકીમાંથી ચાર ગ્રામ જેટલું પ્રોટીન મળે છે. આ ઉપરાંત, થોડા પ્રમાણમાં વિટામિન-એ અને વિટામિન-સી મળી રહે છે. એને કૅલ્શિયમનો પણ સારો સ્રોત કહી શકાય.

પ્રશ્ન: હું 50 વર્ષની છું. મને વાર-તહેવારના ઉપવાસ કરવાની આદત છે. શ્રાવણ મહિનાનાં એકટાણાં પછી હું નવરાત્રિના પણ ઉપવાસ કરું છું, પરંતુ આ વખતે મને ઉપવાસમાં ખૂબ નબળાઈ લાગતી હતી. એનું શું કારણ હોઈ શકે?

– લીના લંગાણિયા (ભાવનગર)

ઉત્તર: નવરાત્રિ નજીક આવી રહી છે. નવરાત્રિ એટલે ભક્તિ, ઉજવણી અને ઉપવાસનો સમય. લાખો ભારતીયો અને એમાંય ખાસ તો ઘણા ગુજરાતીઓ આ નવ દિવસ દરમિયાન ઉપવાસ રાખે છે. ઉપવાસ આધ્યાત્મિક અને કેટલીક વાર મેટાબોલિક (ચયાપચય સંબંધિત) ફાયદા માટે સારા હોઈ શકે છે, પરંતુ વધારે પડતા ઉપવાસ માંસપેશીઓ ઘટવાનું જોખમ પણ ઊભું કરી શકે છે.

નવરાત્રિનાં એકટાણાં કે ઉપવાસ દરમિયાન સ્નાયુઓને સુરક્ષિત રાખવા માટે આટલું કરો:

  • ભોજનમાં પ્રોટીનનો સમાવેશ કરો.

  • આ દિવસોમાં લોકો મુખ્યત્વે ફ્રૂટ ખાય છે, પરંતુ સાથે-સાથે દૂધ, પનીર, દહીં લો અને એકટાણું કરતાં હો તો ભોજનમાં મગની દાળ, કાળા ચણા, સોયા ઉત્પાદનોનો સમાવેશ કરો. બદામ, અખરોટ, પમ્પકિન સીડ્સ વગેરે પણ લઈ શકાય.

ઉપરોક્ત ખાદ્યોની જરૂર શરીરને છે, કારણ કે પ્રોટીન સ્નાયુઓની પેશીઓના સમારકામ અને જાળવણીમાં મદદ કરે છે. વધુ પડતા ઉપવાસને કારણે ઘણી વખત સ્નાયુઓનું વિઘટન થાય છે, જેને અટકાવવામાં પ્રોટીન મદદ કરે છે.

શક્કરિયાં, બટેટાં અથવા સિંઘાડાના લોટ જેવી ચીજો ઉપવાસ દરમિયાન લઈ શકાય. પનીર અથવા દૂધ જેવા પ્રોટીનના સ્રોતો સાથે લેવાથી તમારા સ્નાયુઓની શક્તિ જાળવવામાં મદદ મળશે. એ પણ યાદ રહે કે યોગ્ય પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. પાણી, નાળિયેરપાણી અને હર્બલ ચા સ્નાયુઓની કામગીરી જાળવવામાં અને થાકને રોકવામાં મદદ કરશે.

પ્રશ્ન: એક આદર્શ ભોજનશૈલી કઈ હોઈ શકે? અમુક ભોજન ટાળીને અને વજન ઘટાડીને સ્વસ્થ રહી શકાય? કે પછી દિવસ દરમિયાન નિયમિત આહાર લેવો અને આદર્શ વજન જાળવવું?

– નિધિ પટેલ (વડોદરા)

ઉત્તર: નિયમિત રીતે નિયત સમયે-સમયાંતરે આહાર લેવો એ જરૂરતની વસ્તુ છે, જેની લગભગ આપણે અવગણના કરતા હોઈએ છીએ. એકસાથે દિવસ દરમિયાન બે કે ત્રણ વખત આહાર લેવાની જગ્યાએ પાંચથી છ વખત પણ થોડો-થોડો આહાર લેવો વધારે સલાહભર્યો છે, જેના ઉપયોગથી વજનને અંકુશમાં રાખી શકાય છે. ઉપરાંત, ઘણા રોગો પર પણ અંકુશ રાખી શકાય છે.

સવારના સમયે લગભગ દરેક ઘરમાં ભાગદોડ થતી હોય છે, જેની ઉતાવળમાં ઘણી વખત સવારનો નાસ્તો-શિરામણ, બ્રેકફાસ્ટ રહી જાય એવું પણ બનતું હોય છે. ખાસ કરીને સવારે પૌષ્ટિક નાસ્તો લેવો જરૂરી છે. આખી રાત દરમિયાન શરીરને આરામ મળે છે, આથી સવારના સમયે પૌષ્ટિક આહાર લેવો લાભકારી છે.

બપોરનું જમવાનું થોડું હળવું રાખવું જરૂરી છે. આપણા ગુજરાતી ખોરાકમાં દાળ-ભાત, શાક-રોટલીનો સમન્વય જોવા મળે છે. શક્ય હોય ત્યાં સુધી શાક અને રોટલી અથવા દાળ અને ભાત, બંનેમાંથી એક જ પ્રકારના ગ્રુપનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં સાથે તમે સૅલડ, છાશ વગેરે લઈ શકો.

સાંજના સમયે વાટકી જેટલા મમરા-ચણા, ખાખરો વગેરે કે જે વધુ તેલવાળું ન હોય એવું કંઈક લેવું જરૂરી છે, તો રાતે જમવામાં ખૂબ જ હળવો આહાર લેવો જોઈએ. એ પણ સૂવાના સમયના બે કલાક પહેલાં. વજનને અંકુશમાં રાખવા પણ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)