થોડાં સપ્તાહ પહેલાં આરોગ્ય મંત્રાલયે વધુપડતા કૅલરીયુક્ત તથા ચરબીયુક્ત આહારને હેલ્થ માટે ખતરો ઉત્પ્ન્ન કરનારા ખાદ્ય પદાર્થ જાહેર કર્યા. સમોસાં, જલેબી, વડાપાંઉ, ભજિયાં, વગેરેનો સમાવેશ અનહેલ્ધી ફૂડ તરીકે કરવામાં આવ્યો, જેના પગલે આરોગ્ય મંત્રાલય દ્વારા દેશની બધી કેન્દ્રીય સંસ્થાઓને નિર્દેશ આપવામાં આવ્યો કે બજારમાં ઉપલબ્ધ નાસ્તા અને નમકીનમાં તેલ કે સુગરનું પ્રમાણ કેટલું છે એ વિશે જાહેર સૂચના લગાડવામાં આવે. એ દ્વારા ગ્રાહકોને એનાં સંભવિત નુકસાન અંગે માહિતગાર કરી શકાય.
અલબત્ત, પાછળથી આરોગ્ય મંત્રાલયે આ નિવેદન રદ કર્યું. એનો અર્થ એ નથી કે આ સમસ્યાનો રાતોરાત ઉકેલ આવી ગયો. સમસ્યા એ છે કે દેશમાં સ્થૂળ લોકોની સંખ્યા ખૂબ વધી રહી છે. અત્યારની સ્થિતિ જોઈએ તો દેશમાં સરેરાશ દર પાંચ વ્યક્તિએ એક વ્યક્તિ ઓવરવેઈટનો શિકાર છે. અગર આ પ્રશ્ર્નનો આપણે ગંભીરતાથી વિચાર કરીને એ સામે કોઈ પગલાં નહીં લઈએ તો આ આંકડો વધતાં વાર નહીં લાગે અને ટકાવારીની દૃષ્ટિએ પણ સૌથી વધુ સ્થૂળ વ્યક્તિ ધરાવતા દેશોમાં ભારત ટોચ પર હશે.
– તો શું આ એ સમય નથી જ્યારે આપણે સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાની જરૂર સમજીએ? કારણ કે સ્થૂળતાની અસર માણસના દેખાવમાં સારું ન લાગવા પૂરતી સીમિત નથી, ઓવરવેઈટ શરીર એ વજન વધારે હોવાની સાથે સાથે હાર્ટ અટેક, ડાયાબિટીસ, લીવર ડિસીઝ જેવા રોગોને નિમંત્રે છે.
વધુપડતા ચરબીયુક્ત ખાદ્યોની અગર વાત કરીએ તો સમોસાં, ભજિયાં, વડાપાંઉ, જલેબી, લાડુ, ગુલાબજાંબુ, વગેરે આહાર જ ફક્ત નુકસાન કરે છે? આમ તો આપણે તથા આપણા વડીલો વર્ષોથી આ બધું ખાતાં આવ્યાં છીએ. આવી પારંપરિક વાનગીઓ અચાનક હેલ્થ માટે ખતરનાક થઈ ગઈ?
કાર્ડિયોલૉજિકલ સોસાયટી ઑફ ઈન્ડિયાની નાગપુર શાખાના વડા ડૉ. અમર આમલે તો કહે છે કે હજી તો આ શરૂઆત છે, આગામી સમયમાં જમવાનું લેબલિંગ સિગારેટના પૅકેટ પર લખેલી ચેતવણી જેટલું જ ગંભીર હશે. બહારના તળેલા ખાદ્ય પદાર્થનો સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે એ બનાવવા (તળવા) એકનું એક તેલ અનેક વાર વાપરવામાં આવે છે. આ રિયુઝને કારણે એવા તેલમાં પોષણકીય ક્ષમતા રહેતી નથી. આ ઉપરાંત, વારંવાર તળાવાને કારણે આવા ખાદ્યોમાં ટ્રાન્સ ફૅટ્સ, એલડીએલ કૉલેસ્ટરોલ એટલે કે ખરાબ પ્રકારનું કૉલેસ્ટરોલ અને અન્ય નુકસાનકારક તત્ત્વો વધે છે. જો આ તળેલા ખાદ્યોનો તેલને રિયુઝ કર્યા વગર ઉપયોગ કરવામાં આવે તો આ વાનગી એટલી બધી નુકસાનકર્તા બનશે નહીં. અલબત્ત, એમાં કૅલરી તેમ જ ફૅટનું પ્રમાણ વધારે હોય છે, પરંતુ પ્રસંગોપાત આપણે આવી પારંપરિક વાનગી ખાઈ શકીએ.
આવું જ મીઠાઈ કે વધુ ખાંડ ધરાવતી વાનગીઓનું પણ છે. મીઠાઈમાં સાકરનું પ્રમાણ તો વધુ રહેવાનું જ, સાથે સાથે એમાં ઘીનો પણ ઉપયોગ સારાએવા પ્રમાણમાં થાય છે. ખાંડનો વધારે ઉપયોગ ઘણા પ્રકારના રોગોને આવકારે છે, જેમાં વજન વધવું તો સામાન્ય છે જ, સાથે સાથે ટાઈપ-ટુ ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ તેમ જ લીવરને લગતા રોગોની પણ શક્યતા રહે છે. વધુ સુગર ધરાવતો ખોરાક ખાધા પછી દાંત બરાબર સાફ ન થાય તો એમાં બૅક્ટેરિયા ઉત્પ્ન્ન થાય છે, જે દાંતમાં સડો લાવે છે. આમ ક્યારેક મીઠાઈ ખાવી એ ચોક્કસપણે નુકસાનકારક નથી (અગર તમે ડાયાબિટિક નથી તો), પરંતુ વધુ માત્રામાં રિફાઈન્ડ સુગરનો ઉપયોગ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
એ વાત ચોક્કસ છે કે જો તમે હાઈ કૅલરી તેમ જ હાઈ ફૅટ આહાર લઈ રહ્યા છો (ભલે એ કોઈ કોઈ વાર જ હોય) અને સાથે બેઠાડુ જીવન જીવી રહ્યા છો તો તમારું વજન વધી જતાં વાર નહીં લાગે. હેલ્થ પ્રત્યે જાગ્રત રહેવું એટલે ફક્ત અમુક પ્રકારના આહારનો ત્યાગ કરવો એવું નથી, પરંતુ આહારની સાથે સાથે એ લીધેલી કૅલરી બાળીને એનો શક્તિમાં ઉપયોગ કરવો એ છે, જે નિયમિત રીતે કસરત, યોગ, પ્રાણાયામ, સાઈકલિંગ, વૉકિંગ, વગેરે દ્વારા થઈ શકે.
ખરેખર તો તૈયાર મળતાં પ્રિઝર્વ્ડ ફૂડ્સ, ફ્રોઝન ફૂડ્સ, કૅન્ડ ફૂડ્સ, પૅકેટ ફૂડ્સ, ફાસ્ટ ફૂડ્સ એ સમોસાં-જલેબી કરતાં વધુ નુકસાનકારક નથી? ઘી અને તેલની સરખામણીમાં અત્યારે બટર તથા ચીઝનો ઉપયોગ વધી રહ્યો છે, જે એક પ્રકારનું પ્રોસેસ્ડ ફૂડ જ છે. એનો અતિરેક તમને સ્થૂળતા અપાવશે. આથી જ આવા પ્રકારનાં ફૂડને નિયંત્રિત માત્રામાં લેવાં જરૂરી છે. તાજા મળતા આહારનો ઉપયોગ થાય એ વાજબી છે. બજારમાં મળતી પ્રોડક્ટ્સમાં કયાં કયાં તત્ત્વો ઉમેરેલાં છે કે આપણા શરીરમાં એની અસર કઈ રીતે થઈ શકે એ અંગેની જાગૃતિ આપણે પોતે જ કેળવવી જરૂરી છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા આપણા સ્વાસ્થ્યને સુધારવા માટેની જ આ પહેલ હતી, જેથી લોકોમાં હેલ્થ અંગે જાગૃતિ આવે. આ માટે દુકાનની બહાર બૅનર કે બોર્ડ લગાડવાની જરૂર છે કે નહીં એ આપણે જ નક્કી કરવાનું છે, કારણ કે જ્યાં આપણી પારંપરિક વાનગીઓની વાત છે ત્યાં એમાં કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે એની જાણ તો આપણને છે જ. બસ, એનો વપરાશ સ્વાસ્થ્યની જાળવણી સાથે કઈ રીતે કરવો એ જ નક્કી કરવાનું છે.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
