પ્રશ્ન: મારી ઉંમર 81 વર્ષ છે અને છેલ્લાં 10-12 વર્ષથી મને ડાયાબિટીસ છે. સવારે નાસ્તા બાદ ચાર ટૅબ્લેટ ડૉક્ટરની
સલાહ મુજબ લઉં છું. મારે ૫:૨ એટલે કે અઠવાડિયામાં બે દિવસ ઉપવાસ કે એક ટાઈમ આહાર લેવામાં શું પસંદ કરવું? સૂચવશો. આર્થરાઈટિસને કારણે બહુ લાંબું ચાલી શકાતું નથી.
– અરવિંદ જાની (રાજકોટ)
ઉત્તર: તમે ડાયાબિટિક છો એ તમે જણાવ્યું છે, પણ શુગરના પ્રમાણ વિશે માહિતી આપી નથી. ખેર, શુગરનું પ્રમાણ વધુપડતું ઉપર કે નીચે ન થતું હોય તો તમે એક ટાઈમ આહાર લઈ શકો, જેમાં બપોરનું ભોજન એટલે કે લંચ લઈ શકાય. એ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું જરૂરી છે કે ડાયાબિટીસના દરદીએ એકદમ ભૂખ્યા રહેવું ન જોઈએ, આથી રાતે હળવો પણ ખોરાક લેવો જરૂરી બને. કોદરી, ઓટ્સ, ઉપમા, દલિયા જેવું હળવું ભોજન ઓછા પ્રમાણમાં લેવું. અગર ઉપવાસ કે ફરાળ જરૂરી હોય તો સામો, મોરિયો દહીં સાથે લઈ શકાય, જેથી હાઈપોગ્લાયસેમિયા જેવી પરિસ્થિતિ ઊભી ન થાય.
આર્થરાઈટિસની તકલીફમાં તમે વિટામિન સી ધરાવતાં ફ્રૂટ્સનો ઉપયોગ થોડા પ્રમાણમાં કરી શકો. અખરોટ અને ફ્લેક્સ સીડ્સમાં ઓમેગા-થ્રી ફૅટી ઍસિડ્સ હોય છે, જે સાંધાના દુખાવામાં રાહત આપે છે. આદર્શ વજન જાળવી રાખવા ઉપરાંત પોષણની મદદથી સાંધાને રક્ષણ આપવા માટે લીલી શાકભાજી, બદામ, બ્રાઉન રાઈસ, આદું, હળદરનો ઉપયોગ કરી શકાય.
પ્રશ્ન: હું ભાવનગરથી થોડા મહિના પહેલાં અમદાવાદ આવી છું. હમણાં મારો હેર ફૉલ ખૂબ વધી ગયો છે. બની શકે કે અહીંનું પાણી મને માફક આવતું નથી. ખરતા વાળને રોકવા માટે આહારમાં શું ધ્યાન રાખી શકાય?
– એકતા મોદી (અમદાવાદ)

ઉત્તર: આપણી શારીરિક તંદુરસ્તી કેવી છે એનો આધાર આપણા વાળની તંદુરસ્તી પર હોય છે. શરીરમાં પ્રોટીન, આયર્ન, વિટામિન જેવાં પોષક તત્ત્વોની ઊણપ હોય તો એની અસર આપણા શારીરિક સ્વાસ્થ્ય સાથે વાળ અથવા સ્કિન પર પણ થાય છે. ઘણી વખત આપણે વજન ઘટાડવા કે અન્ય કારણોસર ઓછી કૅલરી કે ઓછા કાર્બોહાઈડ્રેટ ધરાવતો આહાર લઈએ છીએ કે ભાત લેવાનું પણ ટાળીએ છીએ. હકીકતમાં ભાત જેવો કાર્બોહાઈડ્રેટયુક્ત આહાર વાળની તંદુરસ્તી માટે સારો છે. થોડા પ્રમાણમાં પણ ભાત દિવસમાં એક વખત લેવા જોઈએ. મોસમી ફળોનો ઉપયોગ વિટામિન સી મેળવવા માટે કરવો જરૂરી છે, જેના દ્વારા આયર્નનું અવશોષણ વ્યવસ્થિત રીતે થઈ શકે. એને કારણે આપણે વાળનો સારો કલર અને મજબૂતાઈ મેળવી શકીએ છીએ.
વાલ, વટાણા, મગફળી, ચોળી, ચણા, વગેરે કઠોળ પ્રોટીનના સારા સ્રોત છે, જેનો દિવસમાં એક વાર ઉપયોગ હિતાવહ છે, કારણ કે એમાં રહેલાં એમિનો ઍસિડ્સ, વિટામિન બી, ફાઈબર્સ શારીરિક તેમ જ વાળની તંદુરસ્તી માટે જરૂરી છે. અઠવાડિયામાં એક વખત વાળમાં તેલ અચૂક નાખવું.
મહત્ત્વનો મુદ્દો એ છે કે તમારા વાળ જેવા હોય એનો સ્વીકાર કરતાં શીખો. એમાં કોઈ પણ પ્રકારની કેમિકલ ટ્રીટમેન્ટનો અખતરો ન કરશો, કારણ કે આ પ્રકારની કેમિકલ સારવારથી તરત કદાચ આડઅસર જોવા ન મળે, પરંતુ લાંબા ગાળે એ વાળને નુકસાન કરી શકે. વાંકડિયા વાળને સીધા કરવા કે સીધા વાળને વાંકડિયા કરવાથી વાળને નુકસાન થાય છે, એ નબળા પડે છે અને એની કુદરતી ચમક ગુમાવે છે.
પ્રશ્ન: મારા જાણવા મુજબ, ખાદ્યોનાં પોષક તત્ત્વોનો રાંધણક્રિયામાં વ્યય થાય છે, તો શું આપણે કાચા ખોરાકને પ્રાધાન્ય આપવું જોઈએ?
– જયના દવે (અમદાવાદ)
ઉત્તર: દરેક ખાદ્ય પદાર્થમાં અલગ પ્રકારનાં પોષક તત્ત્વો હોય છે. રાંધણ પદ્ધતિ દ્વારા ચોક્કસપણે ઓછાવત્તા અંશે વ્યય થતો હોય છે. જો કે એનો અર્થ એ નથી કે આપણે કાચો ખોરાક જ લઈએ. અલબત્ત, વિટામિન્સ જાળવી રાખવા ફ્રૂટ્સ કે શાકભાજીને તમે કાચા સ્વરૂપમાં લઈ શકો. બાકી, ખોરાક તૈયાર કરતી વખતે એવી રાંધણ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય, જેને કારણે ન્યુટ્રિયન્ટ્સનો વ્યય ઘટે.

કૅન્ડ ફૂડ્સ એટલે કે પૅક કરેલી ખાદ્ય સામગ્રી અથવા ટેટ્રા પૅકમાં મળતાં પેશ્ચરાઇઝ્ડ દૂધ અને દૂધની બનાવટો જેવી પ્રોડક્ટ્સને ગરમ કરવાની જરૂર હોતી નથી, કારણ કે એમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓનો નાશ એની પ્રોસેસ પદ્ધતિ દ્વારા થઈ ગયો હોય છે. આ ચીજો ફક્ત ઉપયોગ કરી શકાય એટલા પ્રમાણમાં ગરમ કરવી જોઈએ. કૅન્ડ ફ્રૂટ્સ કે શાકભાજીને માઈક્રોવેવ દ્વારા થોડા સમય માટે ગરમ કરવાં જોઈએ. એવી રીતે કૂકરમાં બનેલાં દાળ-ભાત વધુ પોષક તત્ત્વો ધરાવે છે. ઓછા સમય માટે મધ્યમ તાપમાને ઓછું પાણી નાખીને બનાવેલી રસોઈ વધુ પૌષ્ટિક બની શકે છે. વારંવાર ખાદ્ય પદાર્થોને ગરમ કરવાથી એમાં રહેલાં પોષક તત્ત્વોનો નાશ થાય છે આથી બને ત્યાં સુધી ખોરાકને બીજી વખત ગરમ ન કરવો. રસોઈમાં પાણીનો ઉપયોગ મર્યાદિત કરવો. છૂટા રાંધેલા ભાતના ઓસામણ દ્વારા રોટલીનો લોટ બાંધવામાં આવે તો એમાં રહેલા ન્યુટ્રિયન્ટ્સ પણ મેળવી શકાય તેમ જ એની મદદથી રોટલી પણ વધુ સ્વાદિષ્ટ બને.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

