પાકિસ્તાનને આતંકવાદી દેશ કહ્યાના આરોપમાં 10 વર્ષની જેલ

નવી દિલ્હીઃ પાકિસ્તાનની એક વકીલ અને તેમના પતિને સોશિયલ મિડિયા પર સરકારની ટીકા કરતી પોસ્ટ્સ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ઈમાન જૈનબ મઝારી-હઝીર અને તેમના પતિ હાદી અલી ચટ્ઠાની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી અને ઇસ્લામાબાદની એક કોર્ટે તેમને આકરી જેલસજા સંભળાવી છે. મઝારી-હઝીર માનવાધિકાર વકીલ છે, જ્યારે ચટ્ઠા પણ વકીલ છે.

 તેમની ધરપકડની પુષ્ટિ મઝારી-હઝીરની માતા ડો. શિરીન મઝારીએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને ધરપકડ કરી અલગ-અલગ કારોમાં બેસાડી અજ્ઞાત સ્થળોએ લઈ જવામાં આવ્યાં છે.મઝારીએ X પર લખ્યું હતું કે ફાસીવાદ પોતાની ચરમસીમા પર છે. સત્તામાં બેઠેલા નપુંસક પુરુષો આ ‘સિદ્ધિ’થી બહુ ખુશ થશે.

કોણ છે મઝારી-હઝીર?

મઝારી-હઝીરે બ્રિટનની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાંથી કાયદાની અભ્યાસ કર્યો છે. તેમણે ડિસેમ્બર 2023માં પોતાના પતિ હાદી અલી ચટ્ઠા સાથે લગ્ન કર્યા હતા.

મઝારી-હઝીરે અનેક વખત પાકિસ્તાની સરકાર અને સત્તા તંત્ર સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો છે. ઓગસ્ટ, 2023માં ઇસ્લામાબાદમાં એક પ્રદર્શન દરમિયાન ભાગ લેતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. પશ્તૂન તહફ્ફુઝ મૂવમેન્ટ (PTM)ની એક રેલી દરમિયાન તેમણે પાકિસ્તાનની સેનાને “આતંકવાદી” કહી હતી. બાદમાં તેમને જામીન મળ્યા હતા. આ પહેલાં પણ પાકિસ્તાની સરકારે તેમના પર “સાયબર આતંકવાદ” અને “ઉશ્કેરણીજનક ભાષણ” સહિત અનેક આરોપો લગાવ્યા હતા.

શું છે આખો મામલો?

મઝારી-હઝીર અને તેમના પતિને શુક્રવારે ઇસ્લામાબાદ પોલીસ દ્વારા કોર્ટ જતા સમયે ધરપકડ કરવામાં આવી હતી. બંને તે કેસની સુનાવણી માટે જઈ રહ્યા હતા, જે સોશિયલ મિડિયા પર કરાયેલી વિવાદાસ્પદ પોસ્ટ્સ સાથે સંબંધિત હતો. આ પોસ્ટ્સમાં અનેક શક્તિશાળી સરકારી સંસ્થાઓની ટીકા કરવામાં આવી હતી. શનિવારે કોર્ટે બંનેને “રાજ્ય વિરોધી” સોશિયલ મિડિયા પોસ્ટ્સના કેસમાં 10-10 વર્ષની જેલસજા સંભળાવી હતી.