નવી દિલ્હીઃ અમેરિકાની ટેક્નોલોજી કંપની કલાઉડફ્લેરમાં મોટી છટણી થવાની છે. કંપની પોતાના લગભગ 20 ટકા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરે એવી શક્યતા છે. કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટુલ્સને ઝડપથી અપનાવી રહી છે અને તેને આધારે પોતાના કામકાજનું પુનર્ગઠન કરી રહી છે. એ સાથે જ કંપનીએ જણાવ્યું છે કે એપ્રિલથી જૂન ત્રિમાસિક માટે આવક અંગેનો અંદાજ વોલ સ્ટ્રીટની અપેક્ષાથી થોડો ઓછો છે. ક્લાઉડફ્લેર ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાયબર સિક્યોરિટી ક્ષેત્રે કામ કરતી કંપની છે.
કંપની વિશ્વભરમાં 1100થી વધુ નોકરીઓ ખતમ કરવાની યોજના બનાવી રહી છે. 2025ના અંત સુધી કંપની પાસે કુલ 5156 ફુલ-ટાઇમ કર્મચારીઓ હતા. કંપનીને આશા છે કે જૂન, ત્રિમાસિક દરમિયાન આ છટણી સંબંધિત ખર્ચ 14થી 15 કરોડ ડોલર વચ્ચે રહેશે.
ત્રણ મહિનામાં AIનો ઉપયોગ છ ગણાથી વધુ વધ્યો
કંપનીએ જણાવ્યું હતું કે આ છટણી કર્મચારીઓના પ્રદર્શન અથવા ટૂંકા ગાળાના ખર્ચ ઘટાડવાના દબાણને કારણે નથી, પરંતુ કંપનીની અંદરની કામગીરી અને ભૂમિકાઓને નવી રીતે ડિઝાઇન કરવાની પ્રક્રિયાનો ભાગ છે. છેલ્લા ત્રણ મહિનામાં કંપનીએ AIનો ઉપયોગ છ ગણાથી પણ વધુ વધાર્યો છે, જેને કારણે ટીમો કેવી રીતે કામ કરે છે તેમાં મોટા ફેરફારો આવ્યા છે. કંપનીના CEO મેથ્યુ પ્રિન્સ અને સહ-સ્થાપક મિશેલ ઝેટલિને કર્મચારીઓને મોકલેલા સંદેશમાં કહ્યું હતું કે કંપની દરેક ટીમ અને કામ કરવાની પદ્ધતિને ફરીથી વિચારી રહી છે, જેથી AI આધારિત નવા યુગમાં વધુ અસરકારક રીતે કામ કરી શકાય.
કંપનીની નાણાકીય સ્થિતિ
અહેવાલ મુજબ જૂન, 2026 ત્રિમાસિકમાં કંપનીની આવક 66.4 કરોડથી 66.5 કરોડ ડોલર વચ્ચે રહી શકે છે. એડજસ્ટેડ કમાણી પ્રતિ શેર 27 સેન્ટ રહેવાનો અંદાજ છે. જાન્યુઆરીથી માર્ચ 2026 ત્રિમાસિકમાં કંપનીએ 63.98 કરોડ ડોલરની આવક નોંધાવી હતી, જ્યારે એડજસ્ટેડ નફો પ્રતિ શેર 25 સેન્ટ રહ્યો હતો. આ વર્ષે અત્યાર સુધી કંપનીના શેરોમાં 30.3 ટકા વધારો નોંધાયો છે.




