11,200 કરોડનું નોઈડા એરપોર્ટ, પહેલા જ વરસાદમાં પાણી-પાણી

નવી દિલ્હીઃ મંગળવારે જેવરમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ અને પાર્કિંગ વિસ્તાર પાસે ભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં પાણી ભરાયાં હતાં. જોકે, એરપોર્ટ પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી કરીને માત્ર 30 મિનિટમાં પાણીનો નિકાલ કરી સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય કરી દીધી હતી. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે પાણી ભરાવા દરમિયાન વાહનોને વૈકલ્પિક માર્ગે બહાર કાઢવામાં આવ્યાં હતા. જેને કારણે ફ્લાઈટનું સંચાલન કે મુસાફરોની અવરજવર પર કોઈ અસર થઈ નહોતી. હાલ એરપોર્ટ પર સ્થિતિ સામાન્ય છે.

નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટે જણાવ્યું કે અચાનક પડેલા ભારે વરસાદને કારણે ટર્મિનલ અને પાર્કિંગ વિસ્તાર વચ્ચે થોડા સમય માટે પાણી ભરાઈ ગયું હતું. જોકે એરપોર્ટની ટીમે તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો અને અડધા કલાકથી પણ ઓછા સમયમાં પાણી કાઢી નાખવામાં આવ્યું હતું. એરપોર્ટ પ્રશાસનના જણાવ્યાનુસાર આ દરમિયાન ફ્લાઈટ ઓપરેશન અને મુસાફરોને પિક-અપ કરવાની પ્રક્રિયા સામાન્ય રીતે ચાલુ રહી હતી. પાણી ભરાવાની સમસ્યા દૂર થયા બાદ ટર્મિનલ અને પાર્કિંગ વચ્ચે વાહનો તથા મુસાફરોની અવરજવર પણ સંપૂર્ણપણે સામાન્ય થઈ ગઈ હતી.

એરપોર્ટ પ્રશાસને વધુમાં જણાવ્યું કે હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ સંજોગોમાં મુસાફરોને મુશ્કેલી ન પડે. વાયરલ તસવીરો અને વિડિયોમાં પાર્કિંગ ઝોન તથા તેને ટર્મિનલ સાથે જોડતા રસ્તા પર વરસાદનું પાણી ભરાયેલાં જોવા મળ્યાં હતાં.

AAP અને કોંગ્રેસે સરકાર પર સાધ્યું નિશાન

AAP પાર્ટીએ પણ X પર એરપોર્ટનો એક વિડિયો શેર કર્યો અને દાવો કર્યો હતો કે તેનાથી મોદી સરકારના ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના બાંધકામની હકીકત સામે આવી ગઈ છે. AAPએ કહ્યું હતું કે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ, જેને લગભગ 11,200 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને જેનું ઉદ્ઘાટન વડા પ્રધાન મોદીએ માત્ર છ મહિના પહેલાં કર્યું હતું, આજે પહેલા જ વરસાદમાં મોદી સરકારના ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના બાંધકામની હકીકત સામે આવી ગઈ છે. કોંગ્રેસે પણ આ ઘટનાને લઈને સરકાર પર નિશાન સાધ્યું. પાર્ટીએ વિડિયો શેર કરીને આરોપ લગાવ્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના “ભ્રષ્ટ માર્ગદર્શન” હેઠળ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની આ સ્થિતિ જોવા મળી રહી છે.