દર મહિને 1300થી 1500 કરોડ રૂપિયાનો થઈ રહ્યો છે સાઇબર ફ્રોડ

નવી દિલ્હીઃ ભારતને નિશાન બનાવતાં મોટા ભાગના સાઇબર ફ્રોડ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો જેમ કે મ્યાનમાર, કમ્બોડિયા, વિયેતનામ, લાઓસ અને થાઈલેન્ડમાંથી સંચાલિત થાય છે, એમ ગૃહ મંત્રાલય (MHA) હેઠળના ભારતીય સાઇબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર (I4C) સાથે જોડાયેલાં સૂત્રોએ ખુલાસો કર્યો છે. જોકે I4Cનાં સૂત્રો અનુસાર ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સાઇબર ફ્રોડના કેસોમાં ઘટાડો નોંધાયો છે.

I4C અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી જૂન 2025 દરમિયાન પહેલી છ મહિનામાં ઓનલાઈન ઠગાઈને કારણે અંદાજે 8500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જેમાંથી અડધાથી વધારે ફ્રોડના કેસ મ્યાનમાર, કમ્બોડિયા, વિયેતનામ, લાઓસ અને થાઈલેન્ડમાં આવેલા નેટવર્ક્સ દ્વારા સંચાલિત થયા હતા.

 જાન્યુઆરીથી જૂન 2025 વચ્ચે દર મહિને આશરે 1300થી 1500 કરોડ રૂપિયાનો સાઇબર ફ્રોડ થયો છે, I4Cનાં સૂત્રોએ જણાવ્યું હતું.  MHAની સાઇબર વિંગ મુજબ, 2024ની તુલનામાં 2025માં સાઇબર ફ્રોડની ઘટનાઓ અને આર્થિક નુકસાનમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે દર મહિને સરેરાશ 2200 કરોડ રૂપિયાનું નુકસાન થતું હતું, જ્યારે આ વર્ષે આ આંકડો ઘટીને 1300-1500 કરોડ રૂપિયા પ્રતિ મહિનો થયો છે.

I4C દ્વારા એકત્ર કરાયેલા આંકડા મુજબ આવા સાઇબર ગુનાઓ કંબોડિયા, થાઈલેન્ડ, વિયેતનામ અને મ્યાનમારના ઘણા સુરક્ષિત વિસ્તારોમાંથી સંચાલિત થાય છે. આ સ્થાનોને કથિત રીતે ચીની ઓપરેટરો કન્ટ્રોલ કરતા હોવાનું માનવામાં આવે છે.

I4Cએ જણાવ્યું કે આ સાઇબર ગુનાઓમાં ભારતીય નાગરિકોને “સાઇબર ગુલામી” માટે મજબૂર કરવામાં આવ્યા હોવાના અનેક અહેવાલો સામે આવ્યા છે.