દેશની સૌથી મોટી મંડીમાં ડુંગળીના ભાવમાં 15 ટકાનો વધારો

મુંબઈઃ દેશની સૌથી મોટી ડુંગળી મંડી મહારાષ્ટ્રની લાસલગાંવ APMCમાં છેલ્લાં બે કારોબારી સત્રોમાં ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. સોમવારે ભાવ વધીને રૂ. 4251 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો હતો. પુરવઠામાં ઘટાડો અને સતત માગને કારણે ભાવમાં આ વધારો થયો છે. શુક્રવારે લાસલગાંવમાં ડુંગળીનો સરેરાશ જથ્થાબંધ ભાવ રૂ. 3700 પ્રતિ ક્વિન્ટલ હતો, જે સોમવારે લગભગ 15 ટકા વધીને રૂ. 4251 પ્રતિ ક્વિન્ટલ થયો હતો. સોમવારે મહત્તમ ભાવ રૂ. 4545 પ્રતિ ક્વિન્ટલ નોંધાયો હતો.

નાસિકથી આજે દિલ્હી પહોંચશે ‘કાંદા એક્સપ્રેસ’

ડુંગળીના વધતા ભાવની અસર હવે છૂટક બજારમાં પણ જોવા મળી રહી છે. નાસિકમાં સોમવારે સારી ગુણવત્તાની ડુંગળી રૂ. 50 પ્રતિ કિલો સુધી વેચાઈ હતી. વેપારીઓનું માનવું છે કે આગામી દિવસોમાં ભાવમાં વધુ વધારો થઈ શકે છે. APMC અધિકારીઓના જણાવ્યાનુસાર છેલ્લાં ત્રણથી ચાર સપ્તાહમાં ડુંગળીની આવક લગભગ 15,000 ક્વિન્ટલથી ઘટીને 9000 ક્વિન્ટલ થઈ ગઈ છે. બીજી તરફ, કેન્દ્રીય એજન્સીઓના સૂત્રોના જણાવ્યા મુજબ છૂટક ભાવને નિયંત્રણમાં રાખવા માટે બફર સ્ટોકમાંથી આશરે 800 મેટ્રિક ટન ડુંગળી મંગળવારે રેલવે મારફતે નાસિકથી દિલ્હી મોકલવામાં આવશે.

દિલ્હીમાં ડુંગળીના ભાવમાં જોરદાર વધારો

દિલ્હીની મંડીમાં બે સપ્તાહ પહેલાં ડુંગળી રૂ. 15થી રૂ. 20 પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી. હવે તેનો ભાવ વધીને રૂ. 50 પ્રતિ કિલો થઈ ગયો છે. એટલે કે દિલ્હીમાં ડુંગળીના ભાવમાં લગભગ 70 ટકાનો વધારો થયો છે.

ડુંગળીના ભાવ કેમ વધ્યા?

દિલ્હીની આઝાદપુર મંડીમાં જ્યાં દરરોજ ડુંગળીના આશરે 100 ટ્રક આવતા હતા, ત્યાં હવે માત્ર 40 ટ્રક જ આવી રહ્યા છે. મંડીમાં પુરવઠો ઘટી ગયો છે અને ધીમે ધીમે સ્ટોક પણ ખતમ થઈ રહ્યો છે. આ જ કારણસર ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ડુંગળીનો પુરવઠો સુચારુ રીતે જળવાઈ રહે તે માટે સરકારે હવે ‘કાંદા એક્સપ્રેસ’ ચલાવવાનો નિર્ણય લીધો છે. તેની પ્રથમ ખેપ આજે રાજધાની દિલ્હી પહોંચશે.