નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પરત આવ્યા બાદથી અમેરિકા 1700થી વધુ ભારતીય નાગરિકોને પરત મોકલી ચૂક્યું છે. કેન્દ્રએ જણાવ્યું છે કે પરત મોકલાયેલા લોકો સાથે કરવામાં આવતા વર્તન અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થી વિઝા મળવામાં થતા વિલંબ અંગે સરકારે વોશિંગ્ટન સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. વર્ષ, 2009થી 2024 સુધી એટલે કે 15 વર્ષમાં કુલ 15,564 ભારતીય નાગરિકોને ચાર્ટર્ડ અને વ્યાપારી ઉડાનો મારફતે અમેરિકાએ ડિપોર્ટ કર્યા છે.
વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહે સંસદના ચોમાસુ સત્રમાં DMK સાંસદ કનિમોઝી કરુણાનિધિ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 20 જાન્યુઆરીથી 22 જુલાઈ વચ્ચે કુલ 1703 ભારતીય નાગરિકોને અમેરિકી સરકારે ડિપોર્ટ કર્યા હતા. આ ભારતીયોમાં 1562 પુરુષો અને 141 મહિલાઓ હતી.
ડિપોર્ટ કરવામાં આવેલાની સૌથી વધુ સંખ્યા પંજાબ (620)માંથી હતી, ત્યાર બાદ હરિયાણા (604) અને ગુજરાત (245)નો ક્રમ હતો. સરકારે જણાવ્યું કે 5, 15 અને 16 ફેબ્રુઆરીએ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (સૈન્ય) ઉડાનો મારફતે 333 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા. અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા સંચાલિત ત્રણ ચાર્ટર ફ્લાઇટ્સ મારફતે માર્ચ અને જૂનમાં 231 ભારતીયોને લાવવામાં આવ્યા, જ્યારે જુલાઈમાં હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ (DHS)ની ચાર્ટર ફ્લાઇટ્સ મારફતે 300 લોકોને પરત મોકલવામાં આવ્યા હતા.
વિદેશ રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે ભારત સરકારે અમેરિકામાં વિદ્યાર્થી વિઝા મુદ્દે અમેરિકી અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને અધિકારીઓએ સ્વીકાર્યું છે કે વિદ્યાર્થી વિઝા માટેની વધારાની સુરક્ષા જરૂરિયાતોને કારણે ભારતમાં અમેરિકન દૂતાવાસ અને કાઉન્સ્યુલેટ્સની વિઝા પ્રક્રિયા કરવાની ક્ષમતા ઘટી ગઈ છે. જોકે અધિકારીઓએ કહ્યું હતું કે વિદ્યાર્થી વિઝાની નિમણૂક હજી પણ ખુલ્લી છે. J-1 ફિઝિશિયન કેટેગરી માટે, અમેરિકાએ નિમણૂકોને પ્રાથમિકતા આપવા માટે સોફ્ટવેર આધારિત ઉકેલ શરૂ કર્યો છે અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને નિમણૂક મળી ગઈ છે.


