ગાંધીનગર: ભારતના લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જયંતી નિમિત્તે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ પ્રસંગે ગુજરાત વિધાનસભા પરિસરમાં આવેલી સરદાર સાહેબની પ્રતિમા તેમજ વિધાનસભા પોડિયમ સ્થિત તેમના તૈલચિત્ર પર ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે, વિધાનસભાનું આ પટાંગણ સરદાર સાહેબના જ્યેષ્ઠ બંધુ સ્વ. વિઠ્ઠલભાઈ પટેલના નામ સાથે ગૌરવભેર જોડાયેલું છે. તેમણે સરદાર સાહેબના બાળપણની નિડરતા, સાદગી અને સમસ્યા-ઉકેલના અનન્ય ગુણોને યાદ કર્યા હતા. ખેડા સત્યાગ્રહનું સફળ નેતૃત્વ કરી મહાત્મા ગાંધીજીના હસ્તે ‘સરદાર’નું બિરુદ પામેલા વલ્લભભાઈ પટેલે આઝાદી બાદ દેશના અસંખ્ય રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. દેશના વિભાજનની કપરી પરિસ્થિતિમાં પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના તેમણે રાષ્ટ્રની આંતરિક સુરક્ષા અને એકતાને અક્ષૂર્ણ રાખી હતી.
અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતાને બિરદાવતા ઉમેર્યું કે, કેવડિયા ખાતે સ્થાપિત વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ આજે સરદાર સાહેબના વિચારો અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ યુવા પેઢી સુધી પહોંચાડી રહી છે. ૩૧મી ઓક્ટોબરે આખા દેશમાં યોજાતી એકતા પરેડ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક બની છે.
આ પ્રસંગે તેમણે દેશવાસીઓને જ્ઞાતિ, ધર્મ કે પ્રાંતના ભેદભાવથી ઉપર ઉઠીને રાષ્ટ્ર વિકાસ માટે સમર્પિત થવા હાકલ કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, નિયમોનું પાલન, સ્વચ્છતા, કરવેરાની ચૂકવણી અને રાષ્ટ્રીય સંપત્તિનું રક્ષણ એ જ આપણી સાચી રાષ્ટ્રસેવા છે.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે, વિધાનસભાના સચિવ સી. બી. પંડ્યા, વિવિધ અધિકારીઓ, સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના આગેવાનો અને કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને સરદાર સાહેબને ભાવપૂર્વક નમન કર્યા હતા.




