મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વાર “ઓપરેશન ટાઈગર”ની ચર્ચાએ જોર પકડ્યું છે. શિવસેના (શિંદે ગ્રુપ)નો દાવો છે કે ઉદ્ધવ ઠાકરે ગ્રુપના અનેક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે, જ્યારે ઉદ્ધવ ગ્રુપ આ દાવાઓને સંપૂર્ણપણે નકારી રહ્યું છે. આ દરમિયાન સૂત્રોના હવાલાથી વધુ એક મોટો દાવો સામે આવ્યો છે કે થોડા દિવસો પહેલાં ઉદ્ધવ ઠાકરે ગ્રુપના ત્રણથી ચાર ધારાસભ્યોએ ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. જોકે આ મુલાકાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ઉદ્ધવ ગ્રુપના 14-16 ધારાસભ્યો શિંદેના સંપર્કમાં: સૂત્રો
સૂત્રોના જણાવ્યા મુજબ થોડા દિવસો પહેલા ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)ના ત્રણથી ચાર ધારાસભ્યોએ ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે 12થી 14 ધારાસભ્યો તેમની સાથે છે તેમ જ એક મોટું જૂથ શિંદે સાથે જોડાવા ઈચ્છે છે. જોકે આ મુલાકાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
બે દિવસ પહેલાં મહાવિકાસ આઘાડીના ધારાસભ્યોની બેઠક પણ યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગઠબંધનના કુલ 60 ધારાસભ્યોમાંથી માત્ર 37 ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. બેઠક બાદ મહાવિકાસ આઘાડીએ સ્પષ્ટતા કરી હતી કે ઘણા ધારાસભ્યો વ્યક્તિગત કામ અને અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમોને કારણે હાજર રહી શક્યા નહોતા.
શિંદે કેમ્પનો દાવો – કેટલાક ધારાસભ્યો જોડાઈ શકે
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે “ઓપરેશન ટાઈગર”ની ચર્ચા ફરી તેજ થઈ છે. તાજેતરમાં ઉદ્ધવ ઠાકરે ગ્રુપના કેટલાક સાંસદો શિંદે ગ્રુપમાં જોડાયા બાદ હવે આગામી તબક્કામાં ધારાસભ્યોમાં ફૂટ પડવાની અટકળો વ્યક્ત થઈ રહી છે. શિંદે ગ્રુપનો દાવો છે કે ઉદ્ધવ ઠાકરે ગ્રુપના 20 ધારાસભ્યોમાંથી 14થી 16 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.

સંજય રાઉતે શું કહ્યું?
આ દાવાઓ પર પ્રતિક્રિયા આપતાં સંજય રાઉતે કહ્યું કે તેમના બધા ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં છે અને જે ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યા નહોતા, તેઓ વ્યક્તિગત કારણોસર ગેરહાજર હતા. રાઉતે ટિપ્પણી કરતાં કહ્યું કે ઓપરેશન ટાઈગરનો સૌથી મોટો ખતરો દેવેન્દ્ર ફડણવીસને છે અને સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર પણ તેમને જ છે.




