નવી દિલ્હીઃ દિલ્હી મેટ્રોનાં અનેક સ્ટેશનોને બુધવારે ફરી એક વાર સુરક્ષા કારણોસર બંધ કરવામાં આવ્યાં છે. દિલ્હી મેટ્રોના જનપથ, રાજીવ ચોક, પટેલ ચોક અને કેન્દ્રીય સચિવાલય સહિત કુલ 16 મેટ્રો સ્ટેશનોને આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી મેટ્રો દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર આ સ્ટેશનો પર મુસાફરોના પ્રવેશ અને બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. જોકે રાજીવ ચોક અને કેન્દ્રીય સચિવાલય સ્ટેશનો પર ઇન્ટરચેન્જ (લાઇન બદલવાની) સુવિધા હાલ ચાલુ રહેશે.

દિલ્હીના જંતર-મંતર વિસ્તારમાં હજુ પણ પ્રદર્શનકારીઓ હાજર છે. સોમવારે સંસદ કૂચના આહવાન હેઠળ થયેલા પ્રદર્શન દરમિયાન ભારે હંગામો અને અથડામણો જોવા મળી હતી. ત્યાર બાદ મંગળવારે રાત્રે પણ જંતર-મંતર અને કોનોટ પ્લેસ વિસ્તારમાં કેટલાક ઉપદ્રવીઓ દ્વારા તોફાન મચાવવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસ ઉપદ્રવ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. આ દરમિયાન દિલ્હીમાં સર્જાયેલી અશાંતિને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને (DMRCએ) મોટો નિર્ણય લીધો છે. DMRCએ જાણકારી આપી છે કે સુરક્ષા કારણોસર દિલ્હીનાં 16 મેટ્રો સ્ટેશનોને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યાં છે.
કયાં સ્ટેશનો બંધ રહેશે?
- લોક કલ્યાણ માર્ગ
- રાજીવ ચોક
- પટેલ ચોક
- રામકૃષ્ણ આશ્રમ માર્ગ
- બારાખંભા રોડ
- સુપ્રીમ કોર્ટ
- સેવા તીર્થ
- જનપથ
- મંડી હાઉસ
- કેન્દ્રીય સચિવાલય
- આઈટીઓ
- દિલ્હી ગેટ
- ઇન્દ્રપ્રસ્થ
- ખાન માર્કેટ
- જોર બાગ
- શિવાજી સ્ટેડિયમ
ઉલ્લેખનીય છે કે સોમવારે રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકત્ર થયા હતા, જેને કારણે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

CRPF ની તૈનાતી
પ્રાપ્ત માહિતી મુજબ મેટ્રો સ્ટેશનો પર CRPFના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. સંસદ તરફ જતા માર્ગો પર પણ CRPFની વધારાની તહેનાતી કરવામાં આવી છે. મેટ્રો સ્ટેશનોની બહાર પોલીસ સતત નજર રાખી રહી છે કે કેટલી સંખ્યામાં લોકો જંતર-મંતર તરફ જઈ રહ્યા છે.




