યુરોપમાં ભારતીય દારૂગોળાની માગમાં 1600 ટકાનો ઉછાળો

નવી દિલ્હીઃ યુરોપના સંરક્ષણ બજારમાં ભારતની વધતી હાજરી દેશના ઊભરતા સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રની નવી તસવીર રજૂ કરી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી, 2022માં શરૂ થયેલા ભીષણ યુદ્ધ બાદ પૂર્વીય અને મધ્ય યુરોપના અનેક દેશોમાં દારૂગોળાની માંગ ઝડપથી વધી છે. આ માગ વચ્ચે ભારતીય સંરક્ષણ કંપનીઓએ પણ પોતાની પહોંચ વિસ્તારી છે. તાજેતરના આંકડા મુજબ યુરોપિયન દેશોમાં ભારતમાંથી થતી પસંદગીના દારૂગોળા અને સંબંધિત ઉત્પાદનોની નિકાસમાં ચાર વર્ષમાં 1600 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન ભારત આ ઉત્પાદનોના સપ્લાયર્સની યાદીમાં 28મા સ્થાનેથી બીજા સ્થાને પહોંચ્યું છે.

4 વર્ષમાં 872 મિલિયન ડોલરની થઈ નિકાસ

અહેવાલમાં ટ્રેડ ડેટા મોનિટરના આંકડાઓને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે રશિયાના યુક્રેન પરના આક્રમણ પછીનાં ચાર વર્ષમાં ભારતીય કંપનીઓએ યુરોપિયન દેશોમાં ઓછામાં ઓછા 872 મિલિયન ડોલર એટલે કે આશરે 87.2 કરોડ ડોલરનાં સંબંધિત ઉત્પાદનોની નિકાસ કરી છે. અગાઉનાં ચાર વર્ષમાં આ આંકડો 49.2 મિલિયન ડોલર એટલે કે આશરે 4.92 કરોડ ડોલર હતો.

આ રીતે બંને સમયગાળાની સરખામણીમાં નિકાસના મૂલ્યમાં 1600 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. જોકે, આ આંકડો ભારતની કુલ સંરક્ષણ નિકાસનો નથી, પરંતુ દારૂગોળા અને તેની સાથે સંબંધિત પસંદગીની શ્રેણીઓના વેપારનો છે.

અહેવાલ મુજબ પૂર્વીય અને મધ્ય યુરોપના 13 દેશોમાં આ ઉત્પાદનોના સપ્લાયર્સમાં ભારત હવે દક્ષિણ કોરિયા પછી બીજા સ્થાને છે. આ જૂથમાં પોલેન્ડ, રોમાનિયા, બલ્ગેરિયા, ક્રોએશિયા, ચેક ગણરાજ્ય અને બાલ્ટિક ક્ષેત્રના દેશોનો સમાવેશ થાય છે.

કયા સંરક્ષણ ઉત્પાદનોની માંગ વધી?

ભારતમાંથી યુરોપમાં નિકાસ થતાં ઉત્પાદનોમાં મુખ્યત્વે તોપના ગોળા, મોર્ટાર દારૂગોળો અને વિસ્ફોટકોનો સમાવેશ થાય છે. આ લશ્કરી કાર્યવાહીમાં ઉપયોગમાં લેવાતી પાયાની પરંતુ મહત્ત્વપૂર્ણ સામગ્રી છે.

નાણાકીય વર્ષ 2025-26માં સંરક્ષણ નિકાસનો નવો રેકોર્ડ

યુરોપમાં દારૂગોળાની વધતી માંગ વચ્ચે ભારતની કુલ સંરક્ષણ નિકાસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2025-26માં ભારતની સંરક્ષણ નિકાસ રેકોર્ડ 38,424 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. નાણાકીય વર્ષ 2024-25માં આ આંકડો 23,622 કરોડ રૂપિયા હતો. આ રીતે વાર્ષિક ધોરણે સંરક્ષણ નિકાસમાં 62.66 ટકાનો વધારો નોંધાયો છે. અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં જાહેર ક્ષેત્રની સંરક્ષણ કંપનીઓની નિકાસમાં 151 ટકાનો વધારો થયો હતો, જ્યારે ખાનગી ક્ષેત્રની નિકાસમાં 14 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. આ જ સમયગાળા દરમિયાન ભારતે 80થી વધુ દેશોમાં સંરક્ષણ ઉપકરણોની નિકાસ કરી હતી.