બાંગ્લાદેશમાં પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં 17 ટકાનો વધારો

ઢાકાઃ વીજળી અને ગેસની અછતથી પહેલેથી જ ઝઝૂમી રહેલા બાંગ્લાદેશના લોકો અને વેપારીઓની મુશ્કેલીઓ વધુ વધી છે. બાંગ્લાદેશ સરકારે ઓઇલની કિંમતોમાં 17.4 ટકા સુધીનો ભારે વધારો કરી દીધો છે. વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને મિડલ ઈસ્ટમાં તણાવને કારણે શિપિંગનો ખર્ચ વધવાથી સરકારને મોટું નુકસાન થઈ રહ્યું હતું. આ ખોટ ઘટાડવા માટે સરકારે આ પગલું ભર્યું છે.

અહેવાલ મુજબ સોમવારથી લાગુ થયેલા આ નવા દરથી બાંગ્લાદેશની આયાત પર ટકેલા અર્થતંત્રમાં માલસામાનનું પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધી જશે. આનાથી દેશમાં મોંઘવારી વધુ વધશે. આ આંચકો એવા સમયે લાગ્યો છે જ્યારે દેશના ગાર્મેન્ટ એક્સપોર્ટ સેક્ટર સહિતના મુખ્ય ઉદ્યોગો પહેલેથી જ મોટી એનર્જી ક્રાઈસિસનો સામનો કરી રહ્યા છે.

પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનના નવા ભાવ

બાંગ્લાદેશના ઊર્જા મંત્રાલયના જણાવ્યાનુસાર નવા દર લાગુ થયા બાદ ડીઝલની કિંમતમાં સૌથી વધુ 17.4 ટકાનો વધારો થયો છે. હવે ડીઝલ 115 ટકા પ્રતિ લિટરથી વધીને 135 ટકા પ્રતિ લીટર થઈ ગયું છે. આવી જ રીતે પેટ્રોલની કિંમત 140 ટકાથી વધીને 160 ટકા પ્રતિ લિટર પહોંચી ગઈ છે. ઓક્ટેન ગેસોલિનના ભાવ 145 ટકાથી વધીને 165 ટકા પ્રતિ લિટર થયા છે, જ્યારે કેરોસીનનો ભાવ 135 ટકાથી વધારીને 155 ટકા પ્રતિ લિટર કરી દેવામાં આવ્યો છે. આ પહેલાં સરકારે આ જ વર્ષે એપ્રિલ અને જૂનમાં પણ ઓઇલના દર વધાર્યા હતા જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં વધેલા ભાવની ભરપાઈ કરી શકાય. બાંગ્લાદેશી ટકાનું મૂલ્ય સમજવા માટે જાણી લો કે હાલમાં એક રૂપિયો લગભગ 1.28 બાંગ્લાદેશી ટકા બરાબર છે.

સરકારે કેમ વધાર્યા ઓઇલના ભાવ?

ઊર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે માર્ચ, 2026 પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ફયુઅલની કિંમતો બમણાથી પણ વધુ થઈ ચૂકી છે. આ સિવાય ક્ષેત્રમાં ચાલી રહેલી અશાંતિને કારણે ફ્રેટ ચાર્જ (ભાડું) પણ ઘણું વધી ગયું છે. મંત્રાલયના જણાવ્યાનુસાર સરકારી કંપની બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશનને માર્ચથી ઓગસ્ટ વચ્ચે 228.76 અબજ ટકા (લગભગ 1.9 અબજ ડોલર)ની ભારે ખોટ થઈ છે. સરકારનું માનવું છે કે કિંમતોમાં આ તાજા વધારાથી વાર્ષિક ખોટમાં લગભગ 100 અબજ ટકાનો ઘટાડો આવશે.