જાપાનમાં 20 લાખ લોકોને સુરક્ષિત સ્થળે જવા સલાહ

નવી દિલ્હીઃ રશિયાના કામચાટકામાં બુધવારે સવારે 8.8 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તેના થોડા સમય બાદ જ રશિયાના કુરીલ દ્વીપ સમૂહ અને જાપાનના મોટા ઉત્તરીય દ્વીપ હોક્કાઇડોના કાંઠાવાળા વિસ્તારોમાં સુનામી આવી હતી.

કયાં-કયાં સ્થાનો પર સુનામીનો ખતરો છે?
રશિયા, જાપાન, અમેરિકા, કેનેડા, ઇક્વાડોર, પેરુ, મેક્સિકો, ન્યુ ઝીલેન્ડ, ચીન, ફિલિપિન્સ, તાઇવાન અને ઇન્ડોનેશિયામાં સુનામીનો ખતરો છે. કોસ્ટલ વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. તાઇવાન અને ઇન્ડોનેશિયામાં પણ રશિયામાં આવેલા ભૂકંપને કારણે લોકો દહેશતમાં છે, કારણ કે અહીં પણ વહીવટી તંત્ર તરફથી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે।

અમેરિકામાં શું અસર?
અમેરિકા પર સુનામીનો અસર લગભગ 10 કરોડ લોકોને થઈ શકે છે. સુનામીની દહેશત અમેરિકાનાં નવ રાજ્યોમાં જોવા મળી રહી છે. હવાઈમાં 15 લાખની વસ્તી છે, જ્યારે અલાસ્કામાં સાડાસાત લાખ લોકો રહે છે. સુનામીની લહેરોનો અસર અમેરિકાના સૌથી મોટા રાજ્ય કેલિફોર્નિયા પર પણ પડી શકે છે, જ્યાં કુલ વસ્તી 3.90 કરોડ જેટલી છે. તેમ જ વોશિંગ્ટન, ઓરેગોન, ટેક્સાસ, ન્યુ મેક્સિકો, એરિઝોના અને લુસિયાના જેવાં રાજ્યોમાં પણ સુનામી લહેરોના કહેરનો ડર છે.

જાપાનમાં હાલત કેવી છે?

જાપાનના તટીય વિસ્તારોમાં સુનામીની લહેરો ટકરાઈ રહી છે. પ્રેસિફિક મહાસાગરમાં ઊંચી-ઉંચી લહેરો ઊભી થવાની શક્યતા છે, જેને પગલે જાપાનના કોસ્ટલ એરિયાઓ ખાલી કરાવવામાં આવી રહ્યા છે. 20 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી દેવામાં આવ્યા છે. જાપાનના હવામાન વિભાગે પૂર્વીય તટ માટે સુનામીની ચેતવણી આપી છે. હોક્કાઈડોથી લઈને ક્યોશુ સુધી એલર્ટ જારી કરવામાં આવ્યો છે. લોકોને તટના વિસ્તારો ખાલી કરવા અને સમુદ્રથી દૂર રહેવા સલાહ આપવામાં આવી છે.