મુંબઈઃ મુંબઈમાં સાયબર નાણાકીય છેતરપિંડી ઝડપથી વધી રહી છે. 2020 પછી અત્યાર સુધીમાં લગભગ 20,000 કેસ સામે આવ્યા છે અને કુલ નુકસાન રૂ. 2000 કરોડને પાર થયું છે, જ્યારે વસૂલાત બહુ ઓછી થઈ છે. પીડિતોમાં બિઝનેસ વુમનથી લઈને નિવૃત્ત લોકો સુધી સામેલ છે. ઠગો હવે એટલા ચાલાક થઇ ગયા છે કે તેઓ કાર્ડ ક્લોન કરી લે છે, ડેટા ચોરી લે છે અને લોકોને સરળતાથી ફસાવી લે છે.
સૌથી મોટી સમસ્યા એ છે કે બેન્કો મોટા ભાગના કેસોમાં પૈસા પાછા આપવાનો ઇનકાર કરે છે, જ્યારે RBIના નિયમો અનુસાર ઘણી પરિસ્થિતિમાં ગ્રાહકની શૂન્ય જવાબદારી (Zero Liability) હોય છે. એટલે કે જો ગ્રાહકની કોઈ ભૂલ નહીં હોય, તો પૈસા પાછા મળી શકે.એકસપર્ટ્સ કહે છે કે સંપૂર્ણ નાણાકીય પ્રણાલી પોતાની જ ખામી માટે જવાબદાર છે. ગ્રાહકોની સુરક્ષા કરવાને બદલે બેન્કો ઘણી વાર ભાર ગ્રાહકો પર મૂકતી જાય છે, જેને કારણે એવા નાગરિકો છેતરપિંડી પછી પણ લાંબા સમય સુધી કાનૂની નોટિસ, વસૂલાત કોલ અને બ્યુરોક્રેસીની ઉદાસીનતા સામે ઝઝૂમતા રહે છે.

માત્ર 4132 FIR ક્રેડિટ/ડેબિટ કાર્ડ ફ્રોડ, ATM ફ્રોડ, SIM સ્વેપ, ક્લોનિંગ, એક્ટિવેશન અને OTP શેરિંગ જેવા કેસો સાથે જોડાયેલા હતા — જેમાં પીડિતોને રૂ. 161.5 કરોડનું નુકસાન થયું હતું, જ્યારે પોલીસ માત્ર રૂ. 4.8 કરોડ જ પાછા મેળવી શકી છે.
લોકો ફ્રોડ અને કાનૂની નોટિસનો કરી રહ્યા છે સામનો
આ મામલા ફ્રોડના અનેક જુદી-જુદી રીતો સાથે જોડાયેલા હતા. ઉદાહરણ તરીકે સાકીનાકાની વ્યવસાયી રોમલજિત કૌર મક્કડને તેમના ક્રેડિટ કાર્ડ ક્લોન પછી રૂ. 2.5 લાખનું નુકસાન થયું. 3 એપ્રિલે જ્યારે તે મુંબઈમાં ઓફિસ મિટિંગમાં હતી અને તેમનું કાર્ડ તેમની પાસે હતું, ત્યારે લખનૌથી એક મર્ચન્ટ મશીન પરથી છેતરપિંડીના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. મક્કડે આક્ષેપ કર્યો હતો કે શક્ય છે કે એ દિવસે પહેલાની ખરીદી દરમિયાન CCTV કેમેરામાં તેમનો PIN કેપ્ચર થઈ ગયો હોય.


