બિહારમાં પૂરથી 12 જિલ્લાઓના 22 લાખ લોકો અસરગ્રસ્ત

પટના: બિહારમાં પૂરની સ્થિતિ ગંભીર બની છે. રાજ્યના 12 જિલ્લાઓમાં 22 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. પટના, છપરા, ભાગલપુર, મુંગેર, ખગડિયા અને કટિહાર સહિત અનેક જિલ્લાઓમાં ગામનાં ગામમાં પાણી ભરાયાં છે. પટનામાં રવિવારે ગંગા નદીનું જળસ્તર પૂરનાં ઉચ્ચતમ સ્તરને પાર કરી ગયું હતું, જેને પગલે અધિકારીઓએ એલર્ટ જાહેર કર્યું છે. ગંગા ઉપરાંત કોસી, ગંડક, બૂઢી ગંડક, પુનપુન અને બાગમતી નદીઓ પણ ખતરાના નિશાન પર છે. જેને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરની સ્થિતિ વધુ વિકટ બની છે. રાજ્યના 12 જિલ્લાઓના 70 પ્રખંડોની 368 પંચાયતોમાં 22.42 લાખ લોકો હાલમાં પૂરથી અસરગ્રસ્ત છે.

ગંગા સતત ખતરાના નિશાનથી ઉપર

સેન્ટ્રલ વોટર કમિશને બિહારમાં આવેલાં ત્રણ ફ્લડ ફોરકાસ્ટિંગ સ્ટેશનો પર અત્યંત ગંભીર પૂરની ચેતવણી જાહેર કરી છે. CWC નેટવર્કનાં ત્રણ ફ્લડ ફોરકાસ્ટિંગ સ્ટેશન—પટના જિલ્લાના ગાંધી ઘાટ, હાથીદહ અને પંડારક—પર ગંગા નદીમાં પૂરની સ્થિતિ અત્યંત ગંભીર છે. હાથીદહમાં ગંગા સતત 41.76 મીટરના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આજે સવારે હાથીદહમાં ગંગાનું જળ સ્તર 43.52 મીટર નોંધાયું હતું.

છપરામાં માહી નદીનો બંધ તૂટતાં અનેક ગામો પાણીમાં ગરકાવ

છપરાના દરિયાપુરમાં માહી નદીનો લગભગ 20 ફૂટનો તટબંધ તૂટી જતાં અનેક ગામો પાણીમાં ગરકાવ થયાં છે. ભાગલપુરના અકબરનગરમાં રિંગ બંધ ઓવરફ્લો થતાં સુલતાનગંજની નવ પંચાયતોનાં લગભગ 4000 ઘરો પાણીમાં ડૂબી ગયાં છે. મધ્ય પૂર્વ રેલવેએ એક સૂચના જાહેર કરીને જણાવ્યું છે કે પટના-ગયા રેલવે ખંડ પર પુનપુન અને પરસા બજાર સ્ટેશનોને જોડતા પૂલ નંબર 21 પર પાણીનું સ્તર ખતરનાક રીતે વધી ગયું છે. જેને કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા તેમના માર્ગમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું કે પૂરથી અસરગ્રસ્ત લોકો માટે વિવિધ જિલ્લાઓમાં કુલ 190 સામુદાયિક રસોડાં ચલાવવામાં આવી રહ્યાં છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા અને અવરજવરમાં મદદ માટે 1429 નૌકાઓની સેવા લેવામાં આવી રહી છે.

SDRFની 27 અને NDRFની 10 ટીમ તૈનાત

અધિકારીઓએ જણાવ્યું હતું કે વિવિધ જિલ્લાઓમાં રાજ્ય આપદા પ્રતિસાદ દળ (SDRF)ની 27 ટીમ અને રાષ્ટ્રીય આપદા પ્રતિસાદ દળ (NDRF)ની 10 ટીમ તૈનાત કરવામાં આવી છે.