છેલ્લાં 25 વર્ષમાં દિલ્હીમાં થયા 25 વિસ્ફોટઃ દેશમાં 6289 વિસ્ફોટ

નવી દિલ્હીઃ દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની નજીક સોમવારે સાંજે ચાલતી કારમાં થયેલો વિસ્ફોટ 14 વર્ષ પહેલાં 2011માં થયેલા એવા જ આતંકી હુમલાની યાદ તાજી કરે છે, જેમાં રાષ્ટ્રીય રાજધાની હચમચી ઊઠી હતી. ત્યાર બાદ પણ શહેરમાં નાના-મોટા આતંકી હુમલા થયા હતા, પરંતુ તે એટલા ગંભીર નહોતા.

છેલ્લાં 25 વર્ષના સમયગાળામાં દેશમાં આતંકવાદીઓએ કુલ 6289 વિસ્ફોટો કર્યા છે, જેમાંથી માત્ર 25 ઘટનાઓ દિલ્હીમાં થઈ છે. વર્ષ 2008થી લઈને 10 નવેમ્બર, 2025 સુધી (દિલ્હી વિસ્ફોટ, જેમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં) દેશમાં 13 મોટા આતંકવાદી હુમલા થયા, જેમાં કુલ 788થી વધુ લોકોએ જીવ  ગુમાવ્યા હતા.

દેશમાં સમયાંતરે થતા આતંકી હુમલાઓએ દેશને હચમચાવી દીધો છે, પરંતુ ખાસ બાબત એ છે કે વર્ષ 2000 બાદથી 2025 સુધી આ પ્રકારના હુમલાઓમાં 74 ટકા ઘટાડો નોંધાયો છે.

આ અઢી દાયકાના સમયગાળામાં સૌથી વધુ 420 આતંકી હુમલા 2005માં થયા હતા, જ્યારે 2015માં સૌથી વધુ 809 આકસ્મિક વિસ્ફોટોની નોંધ થઈ હતી. વર્ષ 2000 બાદથી સૌથી વધુ 1027 આતંકી વિસ્ફોટ મણિપુરમાં થયા છે, ત્યાર બાદ આસામમાં 696 ઘટનાઓ થઈ છે. વર્ષ 2008 બાદના 13 મોટા આતંકી વિસ્ફોટોની તપાસ પોલીસ, NIA અને અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવી હતી.