દક્ષિણ ગાઝા : ખાન યુનિસ (Khan Younis) સ્થિત નાસેર મેડિકલ કોમ્પ્લેક્સ (Nasser Hospital) પર ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં એક ડૉક્ટર અને દર્દીઓ સહિત ઓછામાં ઓછા 6ના મોત થયા છે, જ્યારે ૨૭ અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલાથી હોસ્પિટલના સર્જિકલ ડિપાર્ટમેન્ટ અને અન્ય વોર્ડને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
હોસ્પિટલના સર્જિકલ વિભાગ પર હુમલો
ગાઝાના આરોગ્ય મંત્રાલય અને અલ જઝીરાના અહેવાલો મુજબ, ઇઝરાયલી સૈન્યએ નાસેર હોસ્પિટલના સર્જિકલ બિલ્ડિંગને વહેલી સવારે નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં ડૉ. રિઝક અબુ શુઆરા (Dr. Rizq Abu Shaira) નામના જનરલ સર્જન તેમજ કેટલાક દર્દીઓ અને તેમના સગા સંબંધીઓના મોત થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વડા ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસ (Tedros Adhanom Ghebreyesus) આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદાઓ વિરુદ્ધ તબીબી સુવિધાઓ પર આ વધુ એક ઘાતક હુમલો છે.
IDF (ઇઝરાયલી સેના)નો દાવો
ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસ (IDF) એ આ હુમલા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ કાર્યવાહી હમાસના લશ્કરી ઓપરેટરો અને તેના ખાન યુનિસ બ્રિગેડના વરિષ્ઠ કમાન્ડરને લક્ષ્ય બનાવીને કરવામાં આવી હતી. ઇઝરાયલી સેનાનો આરોપ છે કે હમાસ દ્વારા નાસેર હોસ્પિટલના પરિસરમાં કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું. IDFના દાવા મુજબ, લક્ષ્ય બનાવવામાં આવેલા કમાન્ડર મોહમ્મદ અબુ ઇસ્માઇલ (Muhammad Abu Ismail) હોસ્પિટલની અંદર ઇઝરાયલી બંધકોને રાખવાની ગતિવિધિઓમાં સંડોવાયેલો હતો. આ હુમલા બાદ ગાઝાની આરોગ્યપ્રણાલી અને હોસ્પિટલોની સુરક્ષાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.






