નવી દિલ્હીઃ સિક્કિમના નામચી જિલ્લામાં સોમવારે થયેલા ભૂસ્ખલનને કારણે એક ટનલનું પ્રવેશદ્વાર અવરોધાયું હતું અને ગેસ લીક થવાની આશંકા ઊભી થઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા સાત મજૂરોનાં મોત થયાં છે, જ્યારે અનેક મજૂરો હજુ પણ ટનલની અંદર ફસાયેલા હોવાની આશંકા છે. મૃતદેહોને સિંગતમ જિલ્લા હોસ્પિટલ, STNM હોસ્પિટલ (ગંગટોક) અને નામચી જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના નામચી જિલ્લાના સમરડુંગ, ઝોલુંગે ખાતે નિર્માણાધીન ટનલમાં બની હતી. અધિકારીઓને આશંકા છે કે અંદાજે 27 મજૂરો ટનલની અંદર ફસાયેલા છે, જોકે તેમની ચોક્કસ સંખ્યા હજુ સુધી પુષ્ટિ થઈ નથી. ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ દળો દ્વારા મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી છે. નામચી જિલ્લા પ્રશાસન, NHPCના અધિકારીઓ, SDRF, NDRF, સિક્કિમ પોલીસ, ફાયર અને ઇમર્જન્સી સર્વિસ, આરોગ્ય વિભાગ તેમ જ અન્ય સંબંધિત વિભાગો સંયુક્ત રીતે સતત બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SSDMA) સમગ્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.
જિલ્લા પ્રશાસનના જણાવ્યાનુસાર સમરડુંગ ટનલમાં ફસાયેલા મજૂરોની ચોક્કસ સંખ્યા હજુ જાણી શકાઈ નથી, પરંતુ અંદાજે 27 લોકો અંદર હોવાની શક્યતા છે. અધિકારીઓએ જણાવ્યું કે ટનલની અંદર ગેસની હાજરી બચાવ કામગીરીમાં સતત અવરોધ ઊભો કરી રહી છે. ફસાયેલા મજૂરો સુધી પહોંચવાના પ્રયાસ દરમિયાન ઘણા બચાવ કર્મચારીઓને ચક્કર આવવા અને બેભાન થવાની સમસ્યા થઈ હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ આ ગેસ સંભવતઃ ભૂગર્ભ સ્તરો અથવા ખડકની રચનાઓમાંથી બહાર આવી રહી છે, જે ભૂસ્ખલનને કારણે પ્રભાવિત થઈ છે. જિલ્લા કલેક્ટર અનુપા તામલિંગે જણાવ્યું કે તેમને બપોરે લગભગ 3:40 વાગ્યે ઇમર્જન્સી ફોન આવ્યો હતો, ત્યાર બાદ બચાવ દળો તરત જ કાર્યરત થઈ ગયા હતા. એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી હતી અને ગેસ માસ્ક તથા અન્ય સુરક્ષા સાધનોથી સજ્જ બચાવ કર્મચારીઓ ફસાયેલા મજૂરો સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ રાખી રહ્યા હતા.




